ચીને ભૂતાનના ક્ષેત્રમાં વસાવી દીધાં ત્રણ નવાં ગામો!?..

ભારત અને ચીન વચ્ચે વર્ષ ૨૦૧૭માં ડોકલામ વિવાદ પેદા થયો, ત્યારબાદ બંને દૃેશો વચ્ચે પેદા થયેલો તણાવ હજુ ચાલુ છે. આ વિસ્તારમાં પોતાનો દાવો મજબૂત કરવા માટે ચીને ભૂતાનમાં દબાણ કરવાનું શરુ કર્યું છે. એક સેટેલાઈટ નકશામાં ભૂતાનના ક્ષેત્રમાં ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીના કબજાવાળા વિસ્તારોમાં અને નવા વસાવેલા ગામો જોઈ શકાય છે. સેટેલાઇટ ઇમેજમાં જોઈ શકાય છે કે કનેક્ટિવિટી વધારવા માટે ચીને ભૂતાન સુધી રોડ બનાવ્યા છે. આ રોડનો ઉપયોગ ચીનની સેના પણ કરી શકે છે, જે ચીનના અન્ય વિસ્તારો સાથે જોડાયલ છે. આ ઓલ વેધર રોડનો ઉપયોગ દરેક મોસમમાં કરી શકાય તેમ છે. સેટેલાઇટ ફોટોનું વિશ્લેષણ કરનાર ડેમિયન સાઇમને પોતાના અપડેટ નકશા ટ્વીટર પર શેર કર્યા છે. એમાં ભૂતાનના કબજાવાળા વિસ્તારોમાં ચીનના ગામો અને નિર્માણ કાર્યો દર્શાવવામાં આવ્યા છે. નકશામાં ભૂતાનમાં ચીનના કબજાવાળા વિસ્તાર જોઈ શકાય છે. રેડ પોઈન્ટથી દર્શાવેલા ચીનના કબજાવાળા કેટલાક વિસ્તાર ભારતની સરહદને અડીને આવેલા છે, જે ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે. આ તમામ વિસ્તાર ચીનના રોડ નેટવર્ક સાથે જોડેલા છે, જે ભારત-ભૂતાન સીમાની ખૂબ પાસેથી પસાર થાય છે. અહીંયા નોંધવું રહૃાું કે ભારત અને ચીનની વચ્ચે જૂન ૨૦૨૦માં ગલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ હતી. નકશામાં ચીનની તોપોની સ્થિતિને પણ રેખાંકિત કરવામાં આવી છે. દૃેખી શકાય છે કે ૨૦૧૯માં ચીનની તોપો ભારતીય સરહદથી ખૂબ દૃૂર હતી, પરંતુ ૨૦૨૦માં એ થોડીક આગળ આવી ગઈ છે. ચીનના વિસ્તારમાં પીએલએના કેટલાક મિલિટ્રી કેમ્પ પણ જોઈ શકાય છે. એમાંથી કેટલાક કેમ્પ ભારતની સરહદ પાસે બનાવવામાં આવ્યા છે. જોકે, ભારતીય સૈન્ય પણ ચીનની સરહદ પર પોતાની મજબૂત સ્થિતિ સતત બનાવી રહી છે. કેટલાક મહિના પહેલા એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભૂતાનના આંતરિયાળ વિસ્તારમાં ચીને ગામ બનાવી દીધું છે. આ નક્શો એ વાતની પુષ્ટિ કરે છે, જેમાં પીળા પોઈન્ટથી રેખાંકિત ત્રણ ગામ જોઇ શકાય છે. રિપોર્ટ મુજબ, આ ગામોમાં હવામાન લોકોને રહેવા માટે અનુકૂળ નથી, જેનો ફાયદૃો ઉઠાવીને ચીન લોકોને રોડ, વીજળી, પાણી કોમ્યુનિકેશન નેટવર્કની લાલચ આપી રહૃાું છે. એમ પણ કહેવામાં આવી રહૃાું હતું કે આ ગામમાં રહેવા માટે લોકોને પ્રતિ વર્ષ ૩૦૦૦૦ યુઆનની ચૂકવવામાં આવશે. ભારતીય ચલણમાં આ રકમ લગભગ સાડા ત્રણ લાખની આસપાસ થાય છે.