ચીન આપણને એક પછી એક આકરા વ્યૂહાત્મક ફટકા મારે છે

આપણે અહીં નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અટવાયેલા છીએ ત્યારે ચીને આપણને વધુ એક ફટકો મારી દીધો. શ્રીલંકાએ 2019માં ભારત અને જાપાન સાથે કોલંબો બંદર પર ઈસ્ટ ક્ન્ટેઈનર કોરિડોર વિકસાવવા માટે કરાર કરેલા. આ કોરિડોરના વિકાસ માટેનું કામકાજ શરૂ કરાવવા માટે આપણા વિદેશ મંત્રી જયશંકર ગયા મહિને જ લંકા ગયેલા ને એ વખતે લંકાએ સધિયારો આપેલો કે, બહુ જલદી કામકાજ શરૂ થઈ જશે. શ્રીલંકાએ બુધવારે અચાનક ગુલાંટ લગાવીને વાંધો કાઢ્યો. શ્રીલંકાએ ભારત-જાપાન સાથેનો કરાર ફોક કરી દીધો ને એલાન કર્યું કે, હવે અમે જાતે જ આ કોરિડોર વિકસાવીશું ને ભારત-જાપાનની મદદની જરૂર નથી. લંકાની મહિન્દ્રા રાજપક્ષે સરકારે એલાન કર્યું છે કે, આ ટર્મિનલ લંકા સરકારની માલિકીની શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી નામની કંપની વિકસાવશે. ભારત-જાપાન સાથે શ્રીલંકાએ કરાર કર્યા તેની સામે શ્રીલંકાનાં 23 ટ્રેડ યુનિયનોએ બાંયો ચડાવેલી. આ પોર્ટમાં ભારત-જાપાનને ઘૂસાડવાના બદલે શ્રીલંકા પોતે જ આ કોરિડોર વિકસાવે એવી માગણી સાથે તેમણે ઉપાડો લીધેલો.
આ કરાર 2019ના મે મહિનામાં થયેલા ને ત્યારથી યુનિયનો ધમાધમી કરતાં હતાં. શ્રીલંકાની સરકાર તેમને મચક નહોતી આપતી ને ભારત-જાપાનને સધિયારો આપ્યા કરતી કે આ પ્રોજેક્ટ તમારી સાથે જ કરીશું. હવે અચાનક જ શ્રીલંકાની સરકાર પાણીમાં બેસી ગઈ છે ને આપણો એકડો કાઢી નાંખ્યો છે. આ નિર્ણય માટે યુનિયનોના વિરોધનું બહાનું આગળ કરાય છે પણ વાસ્તવિક રીતે ચીનના કહેવાથી શ્રીલંકાની સરકારે આ નિર્ણય લીધો છે. ચીને શ્રીલંકાની સરકાર પર દબાણ લાવવા ટ્રેડ યુનિયનોને ઉભાં કરેલાં. ચીને ટ્રેડ યુનિયનોને તન, મન, ધનથી મદદ કરીને આંદોલન કરાવ્યું તેમાં રાજપક્ષે સરકારની ફેં ફાટી ગઈ એવું પણ કહેવાય છે. આ વાતમાં કેટલો દમ છે તેમાં શંકા છે કેમ કે રાજપક્ષે પહેલેથી ચીનના ખોળામાં બેઠેલા જ છે.
આ કરાર થયો ત્યારે શ્રીલંકામાં મૈત્રીપાલ સિરિસેનાની સરકાર હતી. સિરિસેના ભારત તરફી હતા તેથી તેમણે એ વખતે પણ ચીનની લુખ્ખી દાટીઓ સામે ઝીંક ઝીલીને કરાર કરેલા. આ કરાર થયાના છ મહિના પછી એટલે કે 2019ના નવેમ્બરમાં શ્રીલંકામાં ચૂંટણી થઈ તેમાં સિરિસેના હારી ગયા તેમાં અંતરાય પડી ગયો. સિરિસેનાની જગાએ રાજપક્ષે પ્રમુખ બન્યા ને તેમના ભાઈ મહિન્દ્રા વડા પ્રધાન બન્યા. રાજપક્ષે બંધુઓ ચીનના પીઠ્ઠુ છે તેથી એ સત્તામાં આવ્યા ત્યારે જ સૌને ધ્રાસકો પડી ગયેલો કે, ભારતમાં હિતોને નુકસાન થશે. રાજપક્ષેએ લીધેલા બીજા નિર્ણયોમાં એવું થવા જ માંડેલું પણ આ કોરિડોરના વિકાસને મુદ્દે રાજપક્ષે સરકાર આપણને કરાર ફોક નહીં થાય એવી ગોળીઓ ગળાવ્યા કરતી હતી. આપણે એ વાત માનીને ચાલતા હતા ત્યાં અચાનક જ તેમણે જાત બતાવી દીધી.
ભારત માટે આ બહુ મોટો ફટકો છે ને એ સમજવા આ કોરિડોર શું છે, તેનું વ્યૂહાત્મક મહત્ત્વ શું છે, લંકા સાથેનો કરાર શું હતો ને આ કરારથી ચીનને કેમ મરચાં લાગી ગયેલાં એ બધું સમજવું જરૂરી છે. ભારત, જાપાન અને શ્રીલંકા વચ્ચે આ કોરિડોર વિકસાવવા માટે ત્રિપક્ષીય કરાર થયેલા. આ કરારમાં નક્કી થયેલું કે, કોરિડોરની સો ટકા માલિકી શ્રીલંકા સરકારની માલિકીની કંપની શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીની રહેશે જ્યારે ટર્મિનલના ઓપરેશન માટે એક નવી કંપની બનાવાશે જેમાં શ્રીલંકાનો હિસ્સો 51 ટકા ને ભારત-જાપાનનો હિસ્સો 49 ટકા રહેશે. ભારત અને જાપાન બંને આ કોરિડોરના વિકાસમાં નાણાંકીય સહાય કરે ને શ્રીલંકાએ કરવા પડતા ખર્ચની રકમ જાપાન સાવ કાઢી નાંખ્યા જેવા વ્યાજ દરે લોન પેટે આપે એવું પણ નક્કી થયેલું. જાપાન કુલ રકમના 40 ટકા રકમ લંકાને માત્ર 0.01 ટકા વ્યાજે આપવાનું હતું.
ભારત અને જાપાને ચીનને રોકવા માટે આ કરાર કરેલો. ચીને આપણી આજુબાજુના બધા દેશોમાં ઘૂસણખોરી કરી છે ને ધીરે ધીરે પગપેસારો કરીને કબજો કરવા માંડ્યો છે. શ્રીલંકામાં પણ ચીને કબજો કરવા માંડ્યો છે. શ્રીલંકા ટચૂકડું છે પણ તેનું કોલંબો બંદર વિશ્વમાં સૌથી ધમધમતું બંદર છે કેમ કે એશિયા, અમેરિકા અને યુરોપના દેશો સાથેનો બધો વ્યાપાર કોલંબો બંદરેથી થાય છે. ચીને કોલંબોનું વ્યૂહાત્મક મહત્વ સમજીને કોલંબો પાસે નવું એક ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સિટી બનાવ્યું છે. ચીને કોલંબો ઈન્ટરનેશનલ ક્ન્ટેઈનર ટર્મિનલ પણ બનાવ્યું છે. આ ટર્મિનલની 85 ટકા માલિકી ચીનની છે જ્યારે શ્રીલંકા 15 ટકા ભાગીદાર છે. ચીને એ રીતે કોલંબો બંદર પર કબજો કર્યો છે. ઈસ્ટર્ન કોરિડોર ટર્મિનલ પરથી પસાર થતાં જહાજ પૈકી 70 ટકા જહાજ ભારતનાં હોય છે તેથી ચીનનો કબજો થઈ જાય તો ભારતની હાલત બગડી જાય તેથી ચીન આખા બંદરને પોતાના કબજામાં ન લઈ લે એટલે તેને રોકવા માટે ભારત-જાપાને શ્રીલંકા સાથે કરાર કરેલો.
ચીન કોઈ પણ ઠેકાણે ઘૂસે એટલે માત્ર વેપાર કરતું નથી પણ લશ્કરી રીતે પણ કબજો કરવા માડે છે. શ્રીલંકામાં પણ ચીને એ જ ધંધો કરવા માંડ્યો છે. ચીનની સબમરીન હિંદ મહાસાગરમાં ફરતી થઈ જ ગઈ છે. છેક 2014માં આ વાતની ભારતને ખબર પડી ગયેલી તેથી ભારત ચિંતામાં હતું જ. ભારતે મિત્ર જાપાનના કાને વાત નાંખતાં જાપાન આપણને મદદ કરવા માટે આ પ્રોજેક્ટમાં સામેલ થયેલું. ચીન અને જાપાન વચ્ચે બાપે માર્યાં વેર છે ને સદીઓની દુશ્મનાવટ છે. ચીનને રોકવા માટે જાપાન બધું કરી છૂટવા તૈયાર થઈ જાય છે તેથી જાપાન આ પ્રોજેક્ટમાં સામેલ થયેલું પણ ચીને પોતાની તાકાત બતાવીને ભારત-જાપાન બંનેને નવરા કરી દીધાં છે.
ભારતના ઘણા વિસ્તારો પર ચીનનો ડોળો છે તેથી ચીન હિંદ મહાસાગરમાં આપણને ઘેરી રહ્યું છે. આ કોરિડોર ચીન પર અંકુશ રાખવામાં મહત્ત્વનો હતો કેમ કે ટર્મિનલ પર આપણી હાજરી હોય તો હિંદ મહાસાગરમાં શું ચાલી રહ્યું છે તેના પર આપણી નજર રહે. ચીને આપણી વ્યૂહરચનાને નિષ્ફળ બનાવીને આપણને નુકસાન કર્યું છે. લાંબા ગાળે આ બાબત આપણી સુરક્ષા માટે પણ ખતરો બનશે ને આર્થિક રીતે તો ફટકો પડશે જ કેમ કે હવે આખા હિંદ મહાસાગર પર લગભગ ચીનનો જ કબજો થઈ ગયો છે. ચારેબાજુ ચીનાઓ અને એમના જહાજો દેખાય છે.
ચાબહાર પ્રોજેક્ટ આપણી વિદેશ તથા વ્યાપાર નીતિમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય એવો હતો. ભારત ઈરાન સાથે આ બંદરના વિકાસ માટે પચાસ કરોડ ડોલરની આર્થિક સહાય ને બીજી ટેકનિકલ મદદના કરાર કરેલા. આ ચાબહાર બંદરના પહેલા તબક્કાનું ઉદઘાટન પણ થઈ જતાં ઈરાન અને અફઘાનિસ્તાન સાથે ભારત સીધો વેપાર કરી શકે તેનો રસ્તો પણ ખૂલી ગયો હતો. પહેલાં આપણે ઈરાન અને અફઘાનિસ્તાન સાથે વેપાર કરવો હોય તો પાકિસ્તાનની મોહતાજી સહન કરવી પડતી. ચાબહાર બંદરના કારણે ભારત પાકિસ્તાનને કોરાણે મૂકીને ઈરાન અને અફઘાનિસ્તાન સાથે સીધો વ્યાપાર કરી શકે છે.અફઘાનિસ્તાન ખનિજોની રીતે સમૃદ્ધ છે ને અફઘાનિસ્તાનની હાજીગાક ખાણોમાં લખલૂટ કાચું લોઢું મળે છે. ચાબહાર બંદર ધમધમતું થાય તો આપણે ત્યાંથી લોખંડ લાવી શકીએ. કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં પણ કાચું લોખંડ પુષ્કળ પ્રમાણમાં મળે છે. ભારત માટે ત્યાંથી પણ સસ્તા ભાવે લોખંડ લાવવાનું સરળ થઈ જાય ને સરવાળે આપણા ઉદ્યોગોને બહુ મોટો ફાયદો થાય. ભારતે ઈરાનમાં ઓઈલ અને ગેસ ઈન્ડસ્ટ્રીમાં જંગી રોકાણ કર્યું છે. તેના કારણે હજારો ભારતીયોને રોજી મળે છે પણ ઈરાન ચીનના ખોળે જઈને બેઠું તેમાં એ ફાયદો ધીરે ધીરે જતો રહેશે. ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનું છે કેમ કે ચાબહાર દ્વારા ભારત પાકિસ્તાન-ચીનની જુગલબંધીને વશમાં રાખી શકે. ભારતે અફઘાનિસ્તાન સાથે એર કોરિડોર શરૂ કર્યો છે ને ઈરાન પણ ભારત સાથે જોડાય તો ચીન-પાકિસ્તાનની જોડીને મોટો ફટકો પડે. ચીને ચાલાકી વાપરીને આ ફાયદો આપણી પાસેથી છિનવી લીધો હતો ને આપણે મોં વકાસીને જોઈ રહેવા સિવાય કંઈ ન કરી શક્યા. ચીનની આવી પરોક્ષ આગેકૂચ ભારત માટે બહુ જોખમી છે.