ચીન કે પાકિસ્તાન ભારતની સામે સીધું ઊંબાડિયું કરે તેવી હાલતમાં હવે નથી

હમણા જ ભારતીય વાયુદળેએ પોતાનો 89મો સ્થાપના દિવસ મનાવ્યો. દિલ્હી નજીક આવેલા હિન્ડોન એરબેઝ પર એક કાર્યક્રમમાં તેની ક્ષમતા અને શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું. આ પ્રસંગે વાયુસેનાના નવા વરાયેલા પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ સ્પષ્ટ કહ્યું કે, “જ્યારે હું સુરક્ષાની દૃષ્ટિએ જોઉં છું જેનો આજે આપણે સામનો કરી રહ્યા છીએ તો હું પૂર્ણ રીતે જાગૃત છું કે મેં એક મહત્ત્વપૂર્ણ સમય પર બાગાડોર સંભાળી છે. આપણે દેશને દેખાડવું જોઇએ કે કોઇ પણ બહારની તાકાતોને આપણી સરહદોનું ઉલ્લંઘન કરવા નહીં દેવાય.’
એમાં કોઇ શક નથી કે ચૌધરીએ નાજુક સમયે ઇન્ડિયન એર ફોર્સની કમાન સંભાળી છે. ચીન સાથે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હજી ઓછો નથી થયો. વાયુસેના પ્રમુખ ખુદ કહી ચૂક્યા છે કે ચીને તિબેટ ક્ષેત્રમાં ત્રણ હવાઇ મથકો પર પોતાનું સૈન્ય હાજર રાખ્યું છે. 27 ફેબ્રુઆરી, 2019ના દિવસે પાકિસ્તાની વાયુસેનાનાં લડાકુ વિમાનો ભારતીય એરસ્પેસમાં ઘૂસી આવ્યાં હતાં તેની યાદો હજી ઝાંખી નથી પડી. ભારતના બેઉ પાડોશી દુશ્મનો ચીન અને પાકિસ્તાનનો દૃઢ મુકાબલો કરવા આપણે કેટલા સક્ષમ છીએ તેનું આકલન આ ક્ષણે કરવું જરૂરી છે. વાયુસેનાની વાત કરીએ તો સેનાધ્યક્ષ ચૌધરીએ થોડા દિવસો પહેલાં જ જણાવ્યું હતું કે ઇન્ડિયન એર ફોર્સ માટે આગામી 10-15 વર્ષોમાં 42 લડાકુ સ્ક્વોડ્રનનું ટાર્ગેટ છે તે શક્ય નહીં બને. તેમણે કહ્યું હતું કે આગલાં કેટલાંક વર્ષોમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના ચાર સ્ક્વોડ્રન, એડ્વાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના છ સ્ક્વોડ્રન અને મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટના છ સ્ક્વોડ્રન સામેલ થશે. જોકે, કેટલાંક જૂનાં લડાકુ વિમાનોને ક્રમવાર બહાર પણ કરી દેવામાં આવશે. આમ આવનારા દાયકામાં કુલ સ્ક્વોડ્રનની સંખ્યા 35 જેટલી જ રહેશે. તેમાં વૃદ્ધિ થવાની શક્યતા નથી. તો શું 42 સ્વીકૃત સ્ક્વોડ્રન માટે પૂરાં લડાકુ વિમાન ઉપલબ્ધ ન હોવાં ભારતીય વાયુસેના માટે ખતરારૂપ છે? શા માટે ભારતીય વાયુસેના પોતાની જરૂરત અનુસાર લડાકુ વિમાનો સામેલ નથી કરી શકતી?
હાલ વાયુસેના પાસે લગભગ 600 લડાકુ વિમાન છે. એમાં સુખોઇ, મિગ-29, તેજસ અને રફાલ સામેલ છે. ફ્રાન્સ સાથે જે 36 રફાલ વિમાનોના સોદા કરવામાં આવ્યા છે તેમાંથી ર6 વિમાન આવી પહોંચ્યાં છે. આગલાં 4 વર્ષમાં ચાર મિગ-21ના સ્ક્વોડ્રનને ક્રમવાર ખતમ કરવામાં આવશે તો 10 વર્ષમાં મિરાજ 2000, જેગુઆર અને મિગ-29 પણ બહાર થઇ જશે. આ એક ચિંતાનો વિષય છે. જોકે, વિમાનોની ઘટતી સંખ્યાને સરભર કરવા 114 મલ્ટિ રોલ ફાઇટર વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ ખરીદી દુનિયાની સૌથી મોટી લશ્કરી ખરીદીમાંની એક હશે. વાયુસેનાને એવી આશા છે કે 83 તેજસ લાઇટ લડાકુ વિમાનોની ખરીદીથી પણ દેશની યુદ્ધક્ષમતા જળવાઇ રહેશે. આમ છતાંય આપણે 42 સ્ક્વોડ્રનનો ટાર્ગેટ પૂરો નહીં કરી શકીએ, એમ કેમ?
સેવાનિવૃત્ત એર કમાન્ડર પ્રશાંત દીક્ષિત કહે છે કે “આ સમસ્યાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 126 લડાકુ વિમાનને બદલે 36 રફાલ વિમાન ખરીદવામાં આવ્યાં. સરકારને લાઇટ લડાકુ વિમાન ખરીદવામાં રસ છે. 40 તેજસ વિમાનનો ઓર્ડર પણ અપાઈ ચૂક્યો છે. બીજાં 83 તેજસ ખરીદવાની વાત પણ ચાલી રહી છે. જોકે, આ ઓર્ડર પૂરો થતાં થતાં 10 વર્ષ તો થશે જ.’
ભારત સરકારે 2007માં 126 મિડિયમ મલ્ટિ રોલ લડાકુ વિમાન (એમએમઆરસીએ) ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ પ્રક્રિયામાં અલગ અલગ વિમાનો વચ્ચે જે સ્પર્ધા થઇ હતી તેમાં રફાલે બાજી મારી હતી, પરંતુ 2015માં સરકારે એક સીધી સમજૂતી કરી 36 રફાલ વિમાન ખરીદવાનો ફેંસલો કર્યો. ત્યાર બાદ 126 લડાકુ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ જ સમાપ્ત થઇ ગયો. દીક્ષિતજી વધુમાં કહે છે કે, “સરકાર હવે જૂનાં મિરાજ 2000 ખરીદી રહી છે. તેની પાછળનો ઇરાદો એ છે કે આ વિમાનોના સ્પેર પાર્ટ્સનો ઉપયોગ થઇ શકે. ચિંતાનો વિષય એ છે કે એક તરફ આપણે આધુનિક વિમાન લાવી રહ્યા છીએ તો બીજી બાજુ આવો જુગાડ કરી રહ્યા છીએ.’ લડાકુ વિમાનો ઓછાં છે તેવામાં એ કહે છે કે એ વાતનો ઇનકાર ન થઇ શકે કે વાયુસેનામાં એક અનિશ્ર્ચિતતાની સ્થિતિ છે.
જાણકારોનું માનવું છે કે પાછલા બે દાયકામાં લડાકુ વિમાનોની ટેક્નિકલ ગુણવત્તામાં ઘણો વધારો થયો છે. એને કારણે કિંમતો પણ વધી ગઇ છે. આવાં મોંઘાં વિમાનો ખરીદવાં એ પણ ભારત જેવા વિકાસશીલ દેશ માટે પડકાર બની ગયો છે.
પૂર્વ એર માર્શલ પી. કે. બારબોરા કહે છે કે લડાકુ વિમાનો ખરીદવાં એ કાર ખરીદવા જેટલી સરળ પ્રક્રિયા નથી. તમે કરાર પર હસ્તાક્ષર કરો પછી પહેલું વિમાન આવવામાં છ-સાત વર્ષનો સમય તો લાગે જ છે. વળી દરેક વાયુસેના પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરાવે છે જેમાં વધુ સમય લાગે છે. ટૂંકમાં છેલ્લું વિમાન આવે ત્યાં સુધીમાં 10-15 વર્ષ તો સહેજે થઇ જાય છે. બારબોરા માને છે કે ભારતમાં બનેલાં તેજસ વિમાનો સારાં છે, પરંતુ સુખોઇ કે રફાલ વિમાનો કરતાં ઓછી ક્ષમતાવાળાં છે. વળી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ક્ષમતા જોઇએ તો 83 તેજસ વિમાનો આવતાં લાંબો સમય લાગશે. ચીન-ભારત સંઘર્ષ વિશે કમાંડર દીક્ષિત એક આશ્ર્વાસન આપતાં કહે છે કે આ બે દેશો વચ્ચે પારંપરિક યુદ્ધ થવાની શક્યતા ઘણી ઓછી છે. જો આવું કંઇ થાય તો પણ ભારત અન્ય દેશોની સહાયતા લઇ શકે છે. ગયા મહિને અમેરિકામાં ક્વોડ બેઠક યોજાઇ હતી તેમાં ભાગ લેનારા દેશ અમેરિકા, સ્ટ્રેલિયા, ભારત અને જાપાન ભવિષ્યમાં ચીનના કોઇ પણ સંભવિત હુમલાનો મુકાબલો કરવા સક્ષમ છે. વળી એર માર્શલ બારબોરાના કહેવા મુજબ આજે પણ આપણી પાસે ઘણાં હાઇ ટેક વિમાનો મોજૂદ છે. ઘણાં વિમાનોને અપગ્રેડ પણ કરવામાં આવ્યાં છે.
ભારત, ચીન અને પાકિસ્તાન બધાં જ પરમાણુ શક્તિ સંપન્ન દેશો છે એટલે સીધા યુદ્ધ સામે સંયમ જ રાખશે. હા, સ્થાનિક સંઘર્ષ થઇ શકે છે, જ્યાં વાયુશક્તિનો ઉપયોગ થઇ શકે છે. વિદેશ સાથે સંબંધ હોય કે સંરક્ષણ બાબત હોય, વડા પ્રધાન મોદીની મુત્સદ્દીગીરી વિશ્ર્વકક્ષાએ કામ કરી રહી છે. ચીન કે પાકિસ્તાન હવે ભારત સામે સીધું ઊંબાડિયું કરે એવી હાલતમાં નથી