ચીન ઝૂકી ગયું હોય એવો પ્રચાર કરી ભાજપ હજુ પ્રજાને ગેરમાર્ગે દોરે છે

ભારત-ચીન સરહદનો મુદ્દો પાછો ચર્ચામાં છે. ચીને ગલવાન ખીણમાંથી લશ્કરને ખસેડવાની જાહેરાત કરી એવી વાતો આપણે ત્યાં વહેતી થઈ છે ને તેમાં તો ચીન નમી ગયું હોય એવો માહોલ ઊભો કરી દેવાયો છે. આ વાતો છેતરામણી છે ને આપણે પલાયનવાદી માનસિકતામાં માનીએ છીએ તેનો પુરાવો છે. ચીનનું લશ્કર ગલવાન ખીણમાંથી હટવા તૈયાર થયું છે એવી જાહેરાત સત્તાવાર રીતે ચીને કરી છે, પણ તેમાં કેટલું લશ્કર હટશે ને ક્યાં સુધી હટશે તેની કોઈ સ્પષ્ટતા નથી. ચીને એવું કહ્યું નથી કે ગલવાન ખીણમાં પોતે ખડકેલા બધા સૈનિકોને ખસેડી લેશે. આ પરિસ્થિતિમાં ચીનનો ખતરો હજુ ઊભો ને ઊભો જ છે. ચીનનું લશ્કર એકદમ ખસી જાય તો ખતરો ટળ્યો કહેવાય બાકી ચીનના સૈનિકો બસો મીટર પાછા ખસે કે એકાદ કિલોમીટર પણ પાછા જાય તેનો કોઈ મતલબ નથી.
કમનસીબી એ છે કે, ભારતમાં ચીનના ખતરાને ગંભીરતાથી લેવાના બદલે સત્તામાં બેઠેલા લોકો હીરો બનવા ને જશ ખાટવા હવાતિયાં મારે છે. લોકો પણ તેમની વાતોમાં આવી જાય છે ને સાવ તુચ્છ કે નાની નાની વાતોમાં રાજી થઈને તેમને હીરો ગણીને તેમની પાલખી ઊંચકીને ફરવા માડે છે. મીડિયા પણ તેમના હાથોમાં રમે છે ને સાવ મોં-માથા વિનાની વાતો ચલાવીને મૂળ મુદ્દાને બાજુ પર મૂકી દે છે. મીડિયા સત્તામાં બેઠેલા લોકોના પગોમાં આળોટવા માંડે છે ને તેમને હીરો બનાવવાના ઉધામામાં હોંશે હોંશે જોડાઈ જાય છે. ચીને ગલવાન ખીણમાંથી લશ્કર પાછું ખેંચવાની જાહેરાત કરી પછી અજિત કુમાર ડોભાલને હીરો બનાવવાની મથામણ તેનો તાજો પુરાવો છે.
ચીને સોમવારે આ જાહેરાત કરી તેના કલાકોમાં તો એવી કથાઓ વહેતી થઈ ગયેલી કે, અજિત કુમાર ડોભાલે આખો ખેલ પાડી દીધો. ડોભાલે ચીનના વિદેશ પ્રધાન સાથે બે કલાક વાત કરી તેમાં તો ચીન પાણી પાણી થઈ ગયું ને લશ્કર પાછું ખેંચવાં માટે તૈયાર થઈ ગયું. ડોભાલે કઈ રીતે ચીનનો મુદ્દો હાથમાં લીધો ને કઈ રીતે બાજી પલટી નાંખી તેની વાતો મીઠું-મરચું ભભરાવીને વહેતી કરી દેવાઈ. હિન્દી ફિલ્મોમાં કોઈ મોટું માથું એક ફોન કરે ને પાસું પલટાઈ જાય એ રીતે ડોભાલે ચીનને નમાવી દીધું તેની વાતોનો મારો જ ચાલ્યો. આપણી તકલીફ એ છે કે, આપણે ફિલ્મી વાતોના પ્રભાવમાં બહુ જલદી આવી જઈએ છીએ ને આ કિસ્સામાં પણ એવું જ થયું. કલાકોમાં તો સોશિયલ મીડિયા પર ડોભાલ પર પ્રસંશાનાં એવાં પુષ્પો વરસવા માંડ્યાં કે, ડોભાલ છવાઈ ગયા. ચીને ભારતના વીસ જવાનોની હત્યા કરી પછી ગાયબ થઈ ગયેલા ડોભાલ અચાનક જ હીરો બની ગયા. લશ્કર સત્તાવાર રીતે કશું બોલી ન શકે તેનો લાભ લઈને દે ધનાધન તરંગો ચલાવીને ડોભાલને મોટા ભા કરી દેવાયા.
ડોભાલને હીરો બનાવવાની આ મથામણ ખરેખર તો આપણા લશ્કરનું અપમાન છે ને આપણા લશ્કરી અધિકારીઓએ કરેલી મહેનત પર પાણી ફેરવી નાખનારું છે. લશ્કરનાં સૂત્રોએ કહ્યું જ છે કે, ચીને ભારતના વીસ જવાનોની હત્યા કરી પછી આપણા લશ્કરી અધિકારીઓ સરહદે ખડે પગે તૈનાત હતા ને ચીન સાથેનો તણાવ ઓછો કરવા માટે મથ્યા કરતા હતા. ચીનના લશ્કરી અધિકારીઓ સાથે રોજ જ મંત્રણા કરતા હતા. ચીને આપણા જવાનોની હત્યા કરી નાખી એ કડવો ઘૂંટડો ગળીને એ લોકો ચીનને શાંતિ રાખવા મનાવતા હતા. આ દિવસોની મહેનતના અંતે ચીન સાથે સમાધાનની ફોર્મ્યુલા તૈયાર કરાઈ ને તેના પર વડા પ્રધાને મંજૂરીની મહોર મારી પછી ડોભાલે તો એ તૈયાર ફોર્મ્યુલા ચીન સુધી પહોંચાડવાનું જ કામ કર્યું છે. આ તો મહેનત કરનારને કોઈ યાદ ના કરે ને ટપાલીએ બધું કર્યું એમ માની લેવાય એવું થઈ ગયું.
વાસ્તવમાં આ આખી પ્રક્રિયામાં નરેન્દ્ર મોદીની ભૂમિકા વધારે મહત્ત્વની છે કેમ કે તેમણે લશ્કરના અધિકારીઓને છૂટો દોર આપ્યો ને તેમણે નક્કી કરેલી ફોર્મ્યુલાને માન્ય રાખી. મોદી પહેલેથી આ મામલો શાંતિથી ઉકેલાય એવું ઈચ્છતા હતા તેથી તેમણે લશ્કરી અધિકારીઓને મંત્રણાના રસ્તે આગળ વધવા જ કહેલું. એ રીતે જોઈએ તો આ કોકડું ઉકેલાયું એવું માનીને વખાણ કરવાં હોય તો મોદીનાં કરો તો હજુ પણ ચાલે, પણ અહીં તો ડોભાલની વાહવાહી થઈ રહી છે. કમનસીબી એ છે કે, ડોભાલને હીરો બનાવવાની લહાયમાં લોકો વાસ્તવિકતા શું છે એ જાણવાની પણ તસદી નથી લઈ રહ્યા. આપણે અહીં ચીન નીચી મૂંડીએ જતું રહ્યું એમ માનીને ઓચ્છવ મનાવી રહ્યા છીએ ત્યારે ભારતીય લશ્કર શું કહે છે એ પણ સમજવા જેવું છે. લશ્કરે કહ્યું જ છે કે, અત્યારે જે ક્વાયત થઈ છે તેના કારણે બંને દેશનાં લશ્કર વચ્ચેનું અંતર થોડું વધશે, બાકી બંને લશ્કર સામસામે તો છે જ. લશ્કરે તો એ પણ કહ્યું છે કે, આ બધા નાનાં નાના પગલાં છે.
તેના માટે બેબી સ્ટેપ્સ એવો શબ્દ લશ્કરી અધિકારીઓએ વાપર્યો છે ને તેના કારણે ચીન પર ભરોસ ના કરી લેવાય એવું પણ લશ્કરે કહ્યું છે. લશ્કરની મર્યાદા છે તેથી એ સરકાર જે કંઈ કહે તેની સામે કશું ના કહે, પણ લશ્કરે આડકતરી રીતે કહી જ દીધું છે કે, ભારત હજુય સાવચેતોની અભિગમ અપનાવશે કેમ કે અકસ્માત ગમે ત્યારે થઈ શકે. લશ્કરના મતે, ચીનના લશ્કરે મર્યાદિત પ્રમાણમાં સૈનિકો પાછા ખેંચ્યા છે. પૂર્વ લદ્દાખમાં ગલવાન ખીણ અને પાનગોંગ સરોવર વિસ્તારમાં ચાર સ્થળે ચીને લશ્કરનો ખડકલો કરેલો. એ સિવાય બીજાં ચાર સ્થળ મળીને કુલ આઠ સ્થળે ચીને જંગી પ્રમાણમાં લશ્કર ખડકેલું ને તેમાંથી ગલવાન ખીણમાંથી ત્રણ સ્થળેથી લશ્કર પાછું ખેંચ્યું છે, જ્યારે ચોથા સ્થળે તાણ બાંધેલા તંબૂ પાડવાનું કામ શરૂ કર્યું છે. બાકીનાં ચાર સ્થળે હજુ ચીનનું લશ્કર ધામા નાખીને પડ્યું જ છે.
ચીનની જાહેરાત છતાં લશ્કર સતર્ક છે કેમ કે ચીન બધું ધીમે ધીમે સૈનિકોને પાછા ખેંચી રહ્યું છે, જ્યારે ફિંગર ફોર તરીકે ઓળખાતા સ્થળે તો સાવ ધીમી ગતિના સમાચાર જેવું કામ ચાલી રહ્યું છે. ભારતીય લશ્કરના એક અધિકારીએ ચીન આ સ્થળેથી પાછું ખસવા કેમ તૈયાર થયું તેનાં કારણો પણ આપ્યાં છે. તેમના કહેવા પ્રમાણે, ગલવાન ખીણ, ગોરગા અને હોટ સ્પ્રિંગ્સમાં ચીનનું લશ્કર વ્યૂહાત્મક રીતે બહુ સારી સ્થિતિમાં નથી તેથી ત્યાં રહે કે ના રહે બહુ ફરક પડતો નથી, પણ પાનગોંગ ત્સો વિસ્તારમાં ચીન મજબૂત સ્થિતિમાં છે. ચીને પાનગોંગ ત્સોથી ફિંગર ફોર સુધી રોડ પણ તાણી બાંધ્યો છે. આ કારણ ચીન મજબૂત સ્થિતીમાં છે તેથી એ પાનગોંગ ત્સો વિસ્તારમાંતી ખસે તો ખસ્યું કહેવાય, બાકી બીજે બધેથી એ ખસે તેમાં બહુ રાજી થવા જેવું નથી. આપણું લશ્કર ચીન પોનગોંગ ત્સોમાં શું કરે છે તેના પર નજર રાખીને બેઠું છે ને એ જ વધારે મહત્ત્વનું છે. ચીન ત્યાંથી ખસે તે માટેની મથામણ પણ લશ્કરી અધિકારીઓ જ કરી રહ્યા છે, ડોભાલ કે બીજું કોઈ નથી કરી રહ્યું એ પણ યાદ રાખવા જેવું છે.
લશ્કરી અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે, ચીન આ વિસ્તારમાંથી માત્ર ખસે એ જરૂરી નથી પણ ભારતીય જવાનોને પોનગોંગ સરોવરના ઉત્તર કિનારા સુધી પેટ્રોલિંગ કરવા માટે જવા દે એ વધારે મહત્ત્વનું છે. ચીન ભારતનો પેટ્રોલિંગનો અધિકાર માન્ય રાખે એવો આપણા અધિકારીઓનો આગ્રહ હતો ને ચીન હજુ તેને માટે તૈયાર નથી થયું એ જોતાં ચીને નમતું જોખ્યું એવું ના કહી શકાય. ડોભાલે કરેલી વાતમાં પણ ચીનને આ અધિકાર માન્ય રાખવા વિનંતી કરાઈ છે. ચીન એ વિનંતી માન્ય રાખીને ભારતના જવાનોને પેટ્રોલિંગ કરવા દે ને એ વખતે કશું અટકચાળું ના કરે તો ચીન શાંતિ ઈચ્છે છે એવું લાગે. બાકી ચીન થોડાક સૈનિકોને ખસેડે તેમાં હરખાઈ જવા જેવું જરાય નથી.
આપણે લશ્કરી અધિકારીઓ જ નહીં, પણ સુરક્ષા નિષ્ણાતો પણ આ વાતો સ્વીકારે છે. જેમણે ચોક્કસ માન્યતાઓના ડાબલા ચડાવેલા છે એ લોકોને આ બધી વાતો દેશ વિરોધી ને પાણીમાંથી પોરા કાઢવા જેવી લાગે છે. સોશિયલ મીડિયા પર આ બધી વાતો કરનારાંને ગાળો પણ પડે છે, પણ આ કડવી વાસ્તવિકતા છે. ચીન એકદમ લુચ્ચું છે ને તેના ચાવવાના ને બતાવવાના જુદા જુદા છે. આ કારણે ડોભાલે બધું સરખું કરી નાખ્યું ને હવે ચીન કશું નહીં કરે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ચીન ભૂતકાળમાં પણ લુચ્ચાઈ કરીને આપણને મોટા ફટકા માર્યા છે ને હજુય એવું કરી જ શકે છે એ ભૂલવા જેવું નથી.