ચીન વિરોધી ચાર દેશો ભેગા થઈ બિલાડીના ગળે ઘંટ બાંધી શકશે?

ચીનના વધી રહેલા આર્થિક અને લશ્કરી વર્ચસ્વને કારણે વિશ્વ પર ઊભા થયેલા ખતરાને પહોંચી વળવા માટે રચાયેલા અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત એ ચાર દેશોના બનેલા ‘ક્વૉડ’ ગ્રુપનું પહેલું સમિટ પતી ગયું. જો બાઈડન અમેરિકાના પ્રમુખ બન્યા પછી આ પહેલું સમિટ હતું. ચીનની દાદાગીરી પણ વધી રહી છે ને ભારત-ચીન વચ્ચે તો સંઘર્ષ ચાલ્યા જ કરે છે તેથી આ સમિટ પર સૌની નજર હતી. અમેરિકા અને ચીન વચ્ચે પણ તણખા ઝર્યા કરે છે તેથી બાઈડન ચીન મુદ્દે શું બોલે છે એ જાણવામાં પણ સૌને રસ હતો. ‘ક્વૉડ’ ગ્રુપના ચારે સભ્યો ચીન સામે ખોંખારીને બોલશે એવી પણ અપેક્ષા સૌ રાખતાં હતાં પણ એવું કશું થયું નહીં.

‘ક્વૉડ’ સમિટમાં પણ બીજા બધા વૈશ્વિક મંચ પર થાય છે એવી ભાષણ બાજી થઈ ને વાતોનાં વડાં થયાં. કોરોના વેક્સિન, ક્લાઈમેટ ચેન્જ અને ટેક્નોલોજી જેવા ગમે ત્યારે બોલી શકાય એવા મુદ્દે ભરપૂર જ્ઞાન પિરસાયું. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સ્તરે બોલવા ઊભા થાય ત્યારે દરેક વાતમાં ભારતીય ફિલોસોફી દાખલ કરી દે છે. ભારતીય ફિલોસોફી જ દુનિયાને જીવવાનો રસ્તો બતાવશે એવું જ્ઞાન પિરસે છે. મોદી સાહેબ એ વાત માંડી જ દે છે. ‘ક્વૉડ’ સમિટમાં પણ મોદી સાહેબે ભારતીય ફિલોસોફીના અદભૂત વિચાર ‘વસુધૈવ કુટુંબકમ્’ની વાત માંડી દીધી.

અમેરિકાના પ્રમુખ જો બાઈડને પણ એશિયા-પેસિફિક રીજિયનમાં પોતાના તમામ સહયોગીઓ સાથે કામ કરવા પ્રતિબદ્ધતાની ને એવી બધી શાણી શાણી વાતો કરી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને અને જાપાનના વડા પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ પણ એ જ શાંતિ ને સહકારની વાતો કરી પણ ચારેય નેતામાંથી કોઈએ પણ ચીનની વધતી દાદાગીરીનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. ચીન જે રીતે દુનિયામાં પોતાનો પ્રભાવ ફેલાવી રહ્યું છે ને વાસ્તવમાં તો બધાંને કનડી રહ્યું છે એ મુદ્દે એક પણ નેતાએ વાત ન કરી. ચીનનો મુદ્દો મહત્ત્વનો જ ના હોય એ રીતે બધા વડા વર્ત્યા ને શાંતિ-સહકાર-સહયોગની શાણપણભરી વાતો કરીને ‘ક્વૉડ’ સમિટનો સંકેલો કરી લીધો.

‘ક્વૉડ’ની આ પહેલી સમિટ હતી તેથી પહેલા ધડાકે જ ચીન સામે આક્રમક વલણ અપનાવવું યોગ્ય નહીં એમ માનીને બાઈડન કે બીજા નેતા કશું ન બોલ્યા હોય એ શક્ય છે. કોરોનાનો ખતરો વધ્યો છે તેથી અત્યારે એ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ એવું માનીને ચારેય દેશના વડા ચીન મુદ્દે ચૂપકદી સાધી ગયા હોય એ પણ શક્ય છે, પણ ચીનની દાદાગીરી જે રીતે વધી રહી છે એ જોતાં આ વલણ લાંબો સમય નહીં ચાલે. ‘ક્વૉડ’ની રચના જે ઉદ્દેશ સાથે કરાઈ છે એ જોતાં પણ આ વલણ યોગ્ય નથી ને આજે નહીં તો કાલે ચારેય દેશે ચીન સામે ખુલ્લંખુલ્લા બોલવું જ પડશે , બાકી ‘ક્વૉડ’ પણ બીજાં વૈશ્વિક સંગઠનોની જેમ શોભાના ગાંઠિયા જેવું બનીને રહી જશે.

‘ક્વૉડ’ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ એ ચાર દેશોનું બનેલું ગ્રૂપ છે ને તેનો ઉદ્દેશ જ ચીનની દાદાગીરીને ખાળવાનો છે. ‘ક્વૉડ’ ક્વાડ્રિલેટ્રેલ સિક્યુરિટી ડાયલોગનું ટૂંકુ રૂપ છે ને તેનો અર્થ થાય છે, ચારપક્ષીય સુરક્ષા સંવાદ. ક્વાડ્રિલેટ્રેલ સિક્યોરિટી ડાયલોગ એવું જલદી જીભે ન ચડે એવું નામ ઘરાવતું આ ગ્રુપ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનું એક અનઓફિશિયલ સ્ટ્રેટેજીક ગ્રૂપ છે. ચાર દેશો આ સંવાદમાં જોડાયેલા છે તેથી તેને આ નામ અપાયું છે.

એકલા ભારતે વિશ્વના ચાર મહત્ત્વના દેશોને એક મંચ પર લાવીને ‘ક્વૉડ’ની રચના કરાવી પણ આ મોટો ગપગોળો છે. વોટ્સએપ યુનિવર્સિટી પરનું જ્ઞાન મેળવીને મહાજ્ઞાની બનનારાં લોકો માટે આ ગપગોળો બરાબર છે પણ વાસ્તવમાં ‘ક્વૉડ’ની રચના મનમોહનસિંહના સમયમાં થઈ હતી. આ પહેલ જાપાને કરી હતી કેમ કે ચીન અને જાપાન વચ્ચે બાપે માર્યાં વેર છે. ચીન અને જાપાનને રોજ ધમાધમી થાય છે. ચીને ત્રણેય દાયકા પહેલાં જ તેની સામ્રાજ્યવાદી માનસિકતા બતાવવા માંડી ત્યારથી જાપાન સતત દુનિયાને ચેતવતું રહ્યું છે પણ અમેરિકાને ચીનમાં કમાણી દેખાતી હતી તેથી જાપાનની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતું. દોઢેક દાયકા પહેલાં ચીને તેનાં અપલખખણ વધારે ઝળકાવ્યાં પછી અમેરિકાને ભાન થયું કે, ચીનને નાથવામાં નહીં આવે તો કાલે આપણને નડશે તેથી જાપાનને આગળ કરીને ‘ક્વૉડ’ની રચના કરાવી.

ભારત ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં સીધાં આર્થિક તથા લશ્કરી હિતો હિંદ-પેસિફિક મહાસાગર વિસ્તારમાં છે. ચીન પણ આ વિસ્તારમાં છે ને ચીનને બધે પોતાનો પગદંડો જમાવવાની ઈચ્છા છે તેથી ભારત, ઓસ્ટ્રેલિયા ને જાપાન ત્રણેય દેશોની એ મેથી માર્યા કરે છે. ચીન આ ધંધા બંધ કરે એ માટે તેને સંયુક્ત રીતે પડકારવા ને દબાણમાં રાખવા ‘ક્વૉડ’ બનાવાયું હતું. મનમોહનસિહં મોળા હતા ને ચીન સામે જવાની તેમની હિંમત નહોતી પણ અમેરિકા સાથેના પરમાણુ કરાર માટે એ વખતે વાટાઘાટો ચાલતી હતી. મનમોહનસિંહ એ વખતે અમેરિકાની વાતને ટાળી શકે તેમ નહોતા તેથી ‘ક્વૉડ’માં જોડાઈ ગયેલા.

ચીન પોતાની સામેના પડકારોને ઉગતા જ ડામી દેવામાં માને છે તેથી તેણે ‘ક્વૉડ’નું પડીકું કરાવી દેવાના ઉધામા શરૂ કરી દીધેલા. અમેરિકા કે જાપાનને એ દબાવી ના શકે તેથી ઓસ્ટ્રેલિયાને તેણે દબાવ્યું તેમાં ‘ક્વૉડ’ માટે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા થઈ. ‘ક્વૉડ’ની રચનાના એક વર્ષથી પણ ઓછા સમયમાં એટલે કે 2008માં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન કેવિન રૂડ ‘ક્વૉડ’ ગ્રૂપમાંથી હટી જતાં આ ગ્રૂપ કાગળ પર જ રહી ગયું. અમેરિકા ઊંચુંનીચું ના થાય એટલે તેની સાથે આર્થિક વ્યવહારો વધારીને ચીને ‘ક્વૉડ’ને બિન અસરકારક બનાવી દીધેલું.

ચીને એ પછીના દાયકામાં રાક્ષસી તાકાત ઊભી કરીને સૌને પાછળ મૂકી દીધા છે. અમેરિકા દુનિયાનું ફોજદાર છે ને તેનાં હિતો આખી દુનિયામાં છે. ચીન દુનિયાનો દાદો બનવા માંડ્યું છે ને કાલે ઉઠીને આપણો ગરાસ લૂંટાઈ જશે તેની અમેરિકાને મોડે મોડે ખબર પડી. ચીનના વધી રહેલા વર્ચસ્વને ખાળવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે વિશ્વના ચીન વિરોધી દેશોની ધરી બનાવવા માંડી તેમાં અમેરિકાના વડપણ હેઠળ આ ગ્રૂપ ફરીથી એક્ટિવ થયું.

‘ક્વૉડ’ને ફરી સક્રિય કરવાનું શ્રેય થોડા સમય પહેલાં જ ખરાબ તબિયતના કારણે જાપાનનું વડા પ્રધાનપદ છોડનારા શિન્ઝો આબેને જાય છે. જાપાન માટે ચીન કાયમી દુશ્મન છે ને ચીનથી જાપાન કાયમ માટે દુખી છે તેથી આબેએ ટ્રમ્પને આ વિચાર આપ્યો. જાપાનને ભારત અને ઓસ્ટ્રેલિયા બંને સાથે સારા સંબંધો છે ને બંને પણ ચીનથી ત્રસ્ત છે તેથી બંનેએ આ વિચારને વધાવી લીધો. ચીનની વધતી દાદાગીરીથી પરેશાન ત્રણેય દેશો સાથે થાય તો તાકાત વધે એ સ્વાભાવિક છે. જાપાન તો અમેરિકાની આંગળી પકડીને જ ચાલે છે તેથી અમેરિકા તેમાં આવવાનું હતું જ ને એ રીતે આ ગ્રૂપ પાછું સક્રિય થયું છે.

‘ક્વૉડ’ આર્થિક હિતો જાળવવાના બહાને રચાયું છે. ચારેય દેશ એકબીજાને વેપારમાં મદદ મળે એટલે પોતપોતાનાં વ્યૂહાત્મક બંદરોનો ઉપયોગ કરવા દે એવી ગોઠવણ ‘ક્વૉડ’ હેઠળ થઈ છે. આર્થિક હિતો જાળવનારા દેશો એકબીજાનાં બીજાં હિતો પણ સાચવતા હોય છે તેથી આ ત્રણેય દેશો હિંદ અને પેસિફિક મહાસાગરમાં ભારતની પડખે રહેશે એવી ખાતરી અપાઈ છે. ભારત માટે એ રીતે ‘ક્વૉડ’ કાગળ પર અત્યંત ફાયદાકારક છે તેમાં શંકા નથી પણ ચીન સામેનો ખતરો માત્ર પેસિફિક-હિંદ વિસ્તારમાં નથી એ જોતાં ‘ક્વૉડ’ પોતાના ઉદ્દેશ વિશે વધારે સ્પષ્ટ થાય ને ચીન સામે બાંયો ચડાવે એ જરૂરી છે.

ભારત માટે તો એ જરૂરી પણ છે કેમ કે ચીન ધીરે ધીરે આપણાં હિતોને ફટકા પર ફટકા મારી રહ્યું છે. ચીન હિંદ મહાસાગર વિસ્તારમાં પગપેસારો કરી રહ્યું છે. માલદીવ્સમાં ચીન ઘૂસી ગયું, સેશેલ્સમાં ચીન ઘૂસી ગયું ને શ્રીલંકામાં ભારત સાથે બંદર વિકસાવવાનો કરાર ચીને રદ કરાવી દીધો. ચીન આપણી જમીન સરહદે પણ લટાર મારે છે ને છેક ઈરાન સુધી તેણે આપણને ફટકા માર્યા છે. આ સંજોગોમાં ચીન સામે વધારે આક્રમક બનવું જરૂરી છે. બાકી આ રીતે ડાહી ડાહી વાતો કરવાથી કશું નહીં થાય. આ સંગઠન પણ ટાઈમ પાસ બનીને રહી જશે.