ચૂંટણીના પરિણામો લંબાતા અમેરિકા સહિત આખી દુનિયાના જીવ અદ્ધર

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં નિર્ણયની ઘડી આવી ગઈ છે. આ લેખ વાંચતા હશો ત્યારે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ગણતરી ફાઈનલ સ્ટેજમાં હશે ને પરિણામની તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. ડોનલ્ડ ટ્રમ્પ વર્સીસ જો બાઈડનના આ જંગમાં કોણ જીતે છે તેનું કાઉન્ડટાઉન શરૂ થઈ ગયું હશે. અમેરિકામાં આપણે જેમ એક જ દિવસમાં મતદાન કરાવીને પરિણામ જાહેર કરાતું નથી પણ બહુ પહેલાંથી મતદાન શરૂ થાય છે ને મતદારો જેમ જેમ સમય મળે તેમ તેમ મતદાન કરતા જાય છે. તેમણે કોને મત આપ્યા તેના આધારે મતોની ગોઠવણી પણ થઈ જાય છે તેથી મતદાન પતે પછી મતગણતરીમાં ઝાઝો સમય જતો નથી.

અમેરિકામાં દરેક સ્ટેટમાં મતદાન પૂરું થવાનો સમય અલગ અલગ હોય છે પણ છેલ્લામાં છેલ્લું મતદાન સાંજે સાત વાગ્યે પતી જાય છે. તેના પાંચ-સાત કલાકમાં પરિણામ જાહેર થવા માંડે છે ને કોનો ઘોડો વિનમાં છે તેની ખબર પડી જતી હોય છે. આ વખતે કોરોનાનો કેર છે તેથી મતોની થોકડીઓ ગોઠવવાની ને બીજી કામગીરી પહેલાં સેનિટાઈઝેશન ને એવું બધું કરવું પડશે તેથી થોડોક સમય વધારે લાગશે પણ ગુરુવારે સાંજ સુધી તો અમેરિકામાં પ્રમુખપદે કોણ બેસશે એ નક્કી થઈ જશે.

અમેરિકામાં પણ આપણી જેમ બહુપક્ષીય લોકશાહી છે. રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી એ બે મુખ્ય પક્ષો છે પણ આ બંને પાર્ટી સિવાય પણ બીજા પક્ષો છે જ. ગ્રીન પાર્ટી, લિબરેશન પાર્ટી, ટ્રમ્પ એક સમયે જેમાં હતા એ રીફોર્મ પાર્ટી જેવા ઘણા પક્ષો અમેરિકામાં છે. આ સિવાય દરેક વાર પાંચ-સાત અપક્ષો પણ મેદાનમાં હોય છે. આપણી જેમ અમેરિકામાં પણ અપક્ષોને કોઈ ગંભીરતાથી લેતું નથી પણ કોઈ સેલિબ્રિટી કૂદી પડે ત્યારે તેની ચર્ચા થતી હોય છે. આ વખતે હોટ મોડલ કીમ કર્દાશિયનનો પતિ કાયને જોન્સ અપક્ષ તરીકે મેદાનમાં છે.

કીમ કર્દાશિયન દર્શનિય છે ને તેનો આગવો ચાહક વર્ગ છે. કાયને જોન્સ પણ જાણીતો રેપર એટલે કે રેપ સિંગર છે પણ કીમ પોતે પતિ ચૂંટણીમાં ઊભો રહે તેના સમર્થનમાં નહોતી. કાયને જોન્સને તેણે જાહેરમાં ચૂંટણીમાં ઊભા રહીને ઈજ્જતનો ફાલુદો નહીં કરાવવા કહેલું. કીમે કહી દીધેલું કે, કાયને જીતે એમ જ નથી ને એ નકામો સમય ને શક્તિ વેડફી રહ્યો છે. કાયને જોન્સ જીદે ચડીને ઊભો રહ્યો તેથી તેની થોડી ઘણ ચર્ચા થઈ પણ એ સિવાય બીજા અપક્ષોને કોઈ ઓળખતું જ નથી. દર વખતની જેમ મુખ્ય જંગ બે પક્ષો વચ્ચે જ છે.

આ ચૂંટણી ડોનલ્ડ ટ્રમ્પ માટે ઈજ્જતનો પ્રશ્ન છે તેથી આ ચૂંટણી અંગે ભારે ઉત્તેજના છે. સામાન્ય રીતે અમેરિકામાં બીજી વાર ચૂંટણી લડનારા પ્રમુખ હારતા નથી પણ ટ્રમ્પનું ઢચુંપચું છે. ડોનલ્ડ ટ્રમ્પ 2016 માં સરળતાથી જીત્યા હતા તેથી રીપબ્લિકન પાર્ટીએ ફરી તેમને ઉમેદવાર બનાવ્યા છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી બહુ રસપ્રદ હોય છે પણ પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવાર બનવાની પ્રક્રિયા તેનાથી પણ રસપ્રદ હોય છે. અમેરિકામાં રાજકીય પક્ષો આપણી જેમ વંશવાદ કે ચાર મળતિયા ભેગા કરીને નક્કી કરી નાખે એ વડા પ્રધાનપદનો ઉમેદવાર એ પધ્ધતિમાં માનતા નથી પણ આંતરિક લોકશાહીમાં માને છે. તેથી દરેક પક્ષમાં પ્રમુખપદના ઉમેદવાર બનવા માટે પણ પક્ષમાં ચૂંટણી જીતવી પડે છે. સામાન્ય રીતે પ્રમુખનો પક્ષ પ્રમુખને જ ઉમેદવાર બનાવે છે છતાં તેમણે પણ ચૂંટણી તો લડવી જ પડે છે. ટ્રમ્પની સામે મેશેશ્યુએટ્સના ભૂતપૂર્વ ગવર્નર બિલ વેલ્ડ મેદાનમાં ઉતરેલા પણ તેમને એક જ મત મળતાં તે ચિત્રમાં જ ના રહેતાં ટ્રમ્પ ઉમેદવાર બની ગયા.

અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ મહત્તમ બે ટર્મ માટે પ્રમુખપદે રહી શકે છે તેથી સેક્ધડ ટર્મ દરેક પ્રમુખ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે. નજીકના ભૂતકાળમાં કોઈ પ્રમુખની આબરૂનો ફજેતો થયો હોય એવું બન્યું નથી. બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ, બરાક ઓબામા વગેરે સળંગ બે વાર ચૂંટાયેલા ને આબરૂભેર બે ટર્મ પૂરી કરીને નિવૃત્ત થયેલા પણ આ વખતના વરતારા ટ્રમ્પને અનુકૂળ આવે એવા નથી. તેના કારણે અમેરિકાના પ્રમુખ તરીકે બીજી વાર ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલા ટ્રમ્પ આબરૂ બચાવવા મરણિયા બન્યા છે. ટ્રમ્પ સામે ઊભા રહેલા ડેમોક્રેટિક પાર્ટીના જો બાયડને તેમને ફીણ પડાવી દીધું છે એ જોતાં ટ્રમ્પ હારી જાય ને નવો ઈતિહાસ રચતા જાય એવું બને. આખી દુનિયાને અત્યારે તો ટ્રમ્પની આબરૂ સચવાય છે કે ઘજાગરા થાય છે એ જાણવામાં રસ છે.

ભારતીયોને પણ ટ્રમ્પની જીત થાય છે કે નહીં એ જાણવામાં રસ છે કેમ કે ટ્રમ્પે ચાર વર્ષમાં આપણી બહુ બજાવી છે. આપણા મોદી સાહેબ ટ્રમ્પને મિત્ર ગણાવ્યા કરે છે પણ ટ્રમ્પ આપણો દાવ લેવાની એક તક છોડતા નથી. ચીન સામે કશું ચાલતું નથી તેથી આપણી મેથી મારીને સંતોષ મેળવે છે. તેની સામે બાયડન અત્યારે ભારત અંગે ડાહી ડાહી વાતો કરે છે. તેમની પાર્ટીનો ઈતિહાસ પણ ભારત તરફ નરમ વલણનો રહ્યો છે તેથી ભારતમાં રાજકીય વિશ્લેષકો બાયડન જીતે તો સારું એવું માને છે.

ભારતીયો માટે આ ચૂંટણી બીજી રીતે પણ મહત્ત્વની છે. અમેરિકામાં પ્રમુખની ચૂંટણીની સાથે બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા ઉપપ્રમુખ એટલે કે વાઈસ પ્રેસિડેન્ડની ચૂંટણી માટે મૂળ ભારતીય કમલા હેરિસ મેદાનમાં છે. અમેરિકામાં વાઈસ પ્રેસિડેન્ટ માટે લોકો મતદાન નથી કરતાં પ્રમુખપદની ચૂંટણી લડનાર ઉમેદવાર પોતાના રનિંગ મેટની પસંદગી કરી છે. પ્રમુખપદના ઉમેદવાર ચૂંટાય એટલે આપોઆપ જ તેમના રનિંગ મેટ પણ ઉપપ્રમુખ બની જાય છે. જો બાયડને પોતાનાં રનિંગ મેટ તરીકે કમલા હેરિસને પસંદ કર્યાં છે. મતલબ કે, બાયડન પ્રમુખ બનશે તો કમલા હેરિસ અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ બનશે. અમેરિકામાં ભારતીયો મોટી સંખ્યામાં છે પણ આટલા મોટા હોદ્દા પર કોઈ મૂળ ભારતીય પહોંચ્યા નથી તેથી લોકોને કમલા વાઈસ પ્રેસિડેન્ટ બને છે કે નહીં તેમાં પણ રસ છે.

કમલા હેરીસનાં મૂળિયાં તમિલનાડુમાં છે. હાલમાં કેલિફોર્નિયાનાં સેનેટર કમલા ઓકલેન્ડમાં જન્મેલાં. કેલિફોર્નિયામાં એટર્ની એટલે કે વકીલ તરીકે કામ કરનારાં કમલાનાં માતા તમિલ અને પિતા જમૈકન છે. તેમનાં માતા શ્યામલા ગોપાલન હેરિસ બ્રેસ્ટ કેન્સર સાયન્ટિસ્ટ હતાં ને ૧૯૬૦માં મદ્રાસથી અમેરિકા ગયાં હતાં. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર છે. ડોનાલ્ડ હેરિસ 1961 માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણવા અમેરિકા આવેલા ને પછી અમેરિકા જ રહી ગયા. બંને કોલેજ કાળમાં નાગરિક અધિકારો માટે લડતાં હતાં ત્યારે પરિચયમાં આવેલાં ને પ્રેમમા પડીને પરણી ગયાં. કમલાના નાના પી.વી. ગોપાલન ટોચના ભારતીય રાજદ્વારી હતા.

કમલાને માયા નામે બહેન છે. શ્યામલાએ પોતાનાં ભારતીય મૂળની યાદ જાળવવા પોતાની બંને દીકરીઓનાં નામ હિંદુ છોકરીઓ જેવાં રાખ્યાં છે. કમલાના બહેન માયા પણ જાણીતાં વકીલ છે. કમલા સાત વર્ષનાં હતાં ત્યારે તેના માતા-પિતાના ડિવોર્સ થયેલા ને કમલાને તેમનાં માતાએ જ ઉછેર્યાં છે. શ્યામલા જાણીતાં સાયન્ટિસ્ટ હતાં તેથી કમલા કોઈ તકલીફ વિના ઉછર્યાં છે. કમલા હેરિસ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યાં છે અને કેલિફોર્નિયા સ્ટેટનાં એટર્ની જનરલ ચૂંટાયાં હતાં. કમલાની વય અત્યારે ૫૫ વર્ષ છે અને એ લાંબા સમયથી અમેરિકામાં ટોચના હોદ્દો ભોગવે છે. કમલા નાનપણમાં હિંદુ અને ખ્રિસ્તી બંને ધર્મ પાળતાં પણ માતા સાથે રહ્યા પછી તેમનો ઝુકાવ હિંદુ ધર્મ તરફ વધ્યો. અલબત્ત હાલમાં એ પોતાને હિંદુ કે ખ્રિસ્તી તરીકે નથી ઓળખાવતાં.

મૂળ ભારતીય કમલા વાઈસ પ્રેસિડેન્ટ બની શકે એવી પૂરી શક્યતા છે કેમ કે બાયડને કમલાની પસંદગી બહુ સમજી વિચારીને અને પોતાની જીત પાકી થાય એવાં સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણીના વિજેતા ઈલેક્ટોરલ કોલેજમાં તેમને મળેલા મતોના આધારે નક્કી થાય છે. આ કારણે પ્રમુખપદમાં જીતવું હોય તો દરેક રાજ્યમાં સ્પષ્ટ બહુમતી સાથે જીતવું પડે. અમેરિકામાં 50 સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા મળીને 11 વિસ્તારોમાં 538 ઈલેક્ટોરલ મત વહેંચાયેલા છે. આ પૈકી સૌથી વધારે મત કેલિફોર્નિયામાં 55 ઈલેક્ટોરલ મત છે. જો બાયડન ડેલવારેના છે ને ડેલવારે નાનું રાજ્ય છે પણ કમલા કેલિફોર્નિયાનાં છે તેથી એ કેલિફોર્નિયામાં બહુમતી મેળવીને બાયડનને તમામ ઈલેક્ટોરલ મત અપાવી શકે.

બાયડને બીજી પણ ગણતરી મૂકી છે. કમલા હેરિસના પિતા આફ્રિકન અમેરિકન છે અને અમેરિકામાં દરેક રાજ્યમાં અશ્વેત એટલે કે આફ્રિકન અમેરિકન મતો નિર્ણાયક છે. આ સંજોગોમાં કમલા હેરિસ દરેક રાજ્યમાં અશ્વેત, એશિયનના મત ખેંચી લાવીને બાયડનને જીતાડવામાં મદદ કરી શકે. કમલા અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ બનશે તો ઈતિહાસ સર્જાશે કેમ કે અમેરિકામાં અત્યાર સુધી કોઈ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ નથી બની. 1984 માં ગેરલ્ડાઈન ફેરારો અને 2008 માં સારાહ પાલિન બે મુખ્ય પક્ષોમાંથી વાઈસ પ્રેસિડેન્ટ બનવા મેદાનમાં ઉતરેલાં પણ હારી ગયેલાં. હિલેરી ક્લિન્ટન બે મોટા પક્ષમાંથી અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી લડનારાં પહેલાં મહિલા હતાં ને એ પણ હારી ગયેલાં. કમલા આ ઈતિહાસ બદલી શકે છે