ભારતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પક્ષોએ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. કોઈ પણ રાજ્યમાં કે પછી લોકસભાની ચૂંટણી નજીક આવે એ સાથે જ રાજકીય પક્ષોને મતદારો પર હેત જાગે છે ને ખેરાતોની મોસમ શરૂ થઈ જાય છે. રાજકારણીઓ મતોની ખરીદી કરવા નીકળ્યા હોય એ રીતે આડેધડ વચનોની લહાણી શરૂ કરી દે છે. મફત વીજળી, મફત રાંધણ ગેસનાં સિલિન્ડર, મફત ટીવી, મફત મિક્સર, દીકરીઓને મફત લેપટોપ કે સાઈકલ આપવા સુધીનાં વચનો આપીને મતદારોને લાલચની જાળમાં રીઝવવાનો ખેલ શરૂ થઈ જાય છે.
આ મુદ્દો ગંભીર છે ને તેની સામે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી. ઉપાધ્યાયનો દાવો છે કે, ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતા બનાવી છે તેની ઐસીતૈસી કરીને વચનો અપાય છે અને સત્તા મળ્યા પછી નાગરિકોનાં નાણાંનો દુર્વ્યય થાય છે. રાજકીય પક્ષો વચનો આપીને બેસી જાય છે પણ અંતે બધો ભાર ક્ધયાની કેડે આવે છે. મતલબ કે, ઈમાનદારીથી કર ભરતા લોકો પર બધો બોજ આવીને પડે છે. અતાર્કિક વચનો આપીને ચૂંટણી જીત્યા પછી તેનો અમલ કરવા પ્રજાના પૈસે ભરાતી સરકારી તિજોરીનાં નાણાં પાણીની જેમ વહાવે છે તેથી રાજ્યો દેવામાં ડૂબતાં જાય છે.
ઉપાધ્યાયની દલીલ એ પણ છે કે, ખેરાતોની લાલચના કારણે ચૂંટણી મુક્ત અને ન્યાયી રહેતી નથી, તેથી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતનું પાલન થતું નથી કે ચૂંટણીની પવિત્રતા જળવાતી નથી તેથી આ ગોરખધંધો બંધ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ બંને મુદ્દાને સ્વીકાર્યા હતા ને અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર તથા ચૂંટણીપંચ બંનેને નોટિસ ફટકારીને તેનો ઉકેલ શોધવા કહેલું. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ને ભાજપ પોતે આ ગોરખધંધો કરે છે તેથી તેને આ બધું બંધ કરાવવામાં રસ નથી. આ કારણે કેન્દ્ર સરકાર ચૂંટણીપંચ પર બધું ઢોળીને ઠાગાઠૈયા કર્યા કરતી હતી. સરકારનું કહેવું હતું કે, આ મામલો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે તેથી અમે કશું ના કરી શકીએ. ચૂંટણીપંચ કેન્દ્ર સરકારનું આંગળિયાત છે તેથી તેને પણ આ મુદ્દાના ઉકેલમાં રસ નહોતો, તેથી એ પણ જવાબદારી લેવા તૈયાર નથી.
ચૂંટણીપંચે એવી રજૂઆત કરી હતી કે, સરકાર આ મુદ્દાના ઉકેલ માટે કાયદો લાવી શકે છે. આ રીતે રમાતી ચલકચલાણાની રમતથી સુપ્રીમ કોર્ટ અકળાઈ છે ને કેન્દ્રને તાકીદ કરી છે કે, ચૂંટણી દરમિયાન કરાતી મફતમાં ચીજો આપવાની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા માટે ઝડપથી રસ્તો કાઢો. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પહેલાં જ નારાજગી દર્શાવી હતી પણ કેન્દ્ર સરકારે કશું ના કરતાં સુપ્રીમ કોર્ટે આ વખતે આદેશ આપ્યો છે કે, નાણાં પંચ સાથે વાત કરો અને મફતમાં ખર્ચ કરવામાં આવેલા ખર્ચને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એ શોધી લાવવા પણ કહ્યું છે કે, જે રાજ્યોનાં માથે દેવું હોય એ રાજ્યને મફતમાં લોકોને કશું પણ આપતાં રોકી શકાય એવો કાયદો, નિયમ કે બીજી કોઈ જોગવાઈ હોય તો તેની પણ અમને જાણ કરો.
સુપ્રીમ કોર્ટે હવે પછી ૩ ઓગસ્ટે સુનાવણી રાખી છે. કેન્દ્ર સરકાર ૩ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે માગેલા સવાલના જવાબ લઈને આવે છે કે પછી મુદ્દાને લટકાવી દેવા નવો કોઈ દાવ ખેલી નાખે છે એ જોવાનું રહે છે. નરેન્દ્ર મોદીએ હમણાં રેવડી કલ્ચરની વાત કરેલી. રેવડી કલ્ચર એટલે કે મફતમાં ચીજોની ખેરાત કરવાનું વલણ. મોદીની વાત સાંભળ્યા પછી લાગે કે, ભાજપ તેને બંધ કરાવવાની જ તરફેણ કરશે પણ એવું નથી. ભાજપના ચાવવાના ને બતાવવાના જુદા જુદા છે. મોદી રેવડી કલ્ચરની ટીકા કરે છે ને તેમનો જ પક્ષ ભાજપ હિમાચલ પ્રદેશમાં આ વરસે યોજાનારી ચૂંટણી જીતવા ૨૦૦ યુનિટ વીજળી મફત આપવાનું વચન આપીને બેઠો છે. મોદી સરકાર પોતે ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને બે હજાર રૂપિયા કિસાન સન્માન નિધિ યોજનાના નામે જમા કરાવે છે. એ રેવડી નથી તો શું છે?
આ સંજોગોમાં મોદી સરકાર પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખી શકાય તેમ નથી પણ આ દેશના હિતમાં આ મુદ્દાનો ઉકેલ જરૂરી છે તેમાં શંકા નથી. તેનું કારણ એ કે, ચૂંટણી જીતવા માટે લોકોને ખેરાતોની જાહેરાતો કરવાના ટ્રેન્ડના કારણે લોકશાહીના સિદ્ધાંતોના અસ્તિત્વ સામે જ ગંભીર ખતરો નથી પણ બંધારણની મૂળભૂત વિભાવનાના પણ ધજાગરા ઊડી રહ્યા છે. લોકશાહીના સિધ્ધાંતો અને પરંપરાઓના જતન માટે આ અનૈતિક પ્રથા બંધ કરવી જરૂરી છે. આ રીતે કરાતી ખેરાતોના કારણે કારણે ચૂંટણીમાં સમાન તકના સિદ્ધાંતનો ભંગ થાય છે કેમ કે આ જાહેરાતો એક રીતે તો મતદારોને લાંચ આપવાનો ગોરખધંધો જ છે.
એક મોટો વર્ગ માને છે કે, રાજકીય પક્ષો આ રીતે લોકોને મફત ચીજ કે સેવા આપવાનું વચન આપે તેમાં કશું ખોટું નથી. સરકારી તિજોરીનો પૈસો લોકોના કલ્યાણ માટે વાપરવાનો હોય છે. રાજકારણીઓ વચનો દ્વારા લોકોનું કલ્યાણ કરે છે ને લોકો માટે જ નાણાં વાપરે છે તેમાં કશું ખોટું નથી. આ દલીલ ખોટી છે કેમ કે મફતમાં આપવાની જાહેરાતો મતદારોને ભોળવવાના કારસા છે. મતદારોને લાલચ આપીને પોતાની તરફ વાળવા એ લોકશાહીની સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. લોકો લાલચમાં આવીને સારા-નરસાનો ભેદ ના કરી શકે ને ટૂંકો ફાયદો લેવા માટે મતદાન કરે એ બરાબર નથી જ. તેના કારણે યોગ્ય વ્યક્તિ ન ચૂંટાય ને લાલચ આપનાર નકામો માણસ ચૂંટાઈ જાય એ મોટું ભયસ્થાન છે.
આ ભયસ્થાન દૂર કરવું જરૂરી છે. આ રીતે કરાતી ખેરાતો દેશના પ્રમાણિક કરદાતાઓ સાથે અન્યાય છે તેથી પણ તેના પર પ્રતિબંધ જરૂરી છે. આ ખેરાતો ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને કરાય છે જ્યારે મધ્યમ વર્ગને તો કશું મળતું જ નથી. તેના કારણે મધ્યમ વર્ગને એમ જ લાગે છે કે, પ્રમાણિકતાથી કમાઓ, ઈમાનદારીથી કર ભરો તેના બદલામાં તમને સરકારો કશું આપતી નથી. બીજી તરફ જે લોકો કશું કરતાં નથી, કર ભરતાં નથી તેમને સરકાર લહાણીઓ કર્યા કરે છે. આ અસંતોષ વધે ને વર્ગવિગ્રહમાં ન પરિણમે એ માટે પણ આ મુદ્દો ઉકેલવો જરૂરી છે.