ચૂંટણી પુર્વે અમરેલીમાં આવતો 15 લાખનો દારૂ પકડાયો

  • સરકારી ભાવ પ્રમાણે 15 લાખનો અને બજાર ભાવ પ્રમાણે 60 લાખનો વિદેશી દારૂ અમરેલી જિલ્લામાં ઠાલવવાના હતા
  • સાવરકુંડલાની શેલણા ચોકડી પાસે દારૂ પકડતા ક્રાઇમ બ્રાન્ચના શ્રી કરમટાની ટીમ : ગુજસીટોકનો ફરારી આરોપી અશોક બોરીચા સહિત 4 ઉપર ગુનો દાખલ
  • દારૂનો જથ્થો સાવરકુંડલા લાવી ત્યાંથી કટીંગ કરવામાં આવનાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું : દારૂ ધારી બગસરા જવાનો હતો કે કેમ તેની તપાસનો ધમધમાટ શરૂ

અમરેલી,
અમરેલી જિલ્લામાં ધારી બેઠક ઉપર પેટાચુંટણી આવી રહી છે તેના ગણતરીના દિવસો અગાઉ અમરેલી જિલ્લામાં ઠલવવા માટે આવી રહેલ એક ટ્રક ભરીને ઇંગ્લીશ દારૂ એસપીશ્રી નિર્લિપ્ત રાયની ટીમે પકડી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમરેલી જિલ્લામાં આગામી વિધાનસભાની પેટાચુંટણી અનુલક્ષી ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવએ તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચુંટણી પ્રક્રિયા યોજાય, તે માટે પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર-ફેર સામે વોચ ગોઠવી કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને જરૂરી સુચના આપેલી હોય જેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવવામાં આવી હતી.
નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનો ટ્રક નંબર- ઇવ-19-ય્છ-4101 માં લુવારા ગામના અશોક જયતાભાઇ બોરીચા તથા માણાવાવના હરદીપ દડુભાઇ વાળા તથા ઘોબા ગામના પથુ દડુભાઇ પટગીર એમ ત્રણેયે વિદેશી દારૂ મંગાવેલ છે જે ટ્રક વંડા પાસે આવેલ શેલણા ગામની ચોકડીએથી પસાર થવાનો છે, અને હરદીપ વાળા તથા એક બીજો માણસ ફોરવ્હીલ નંબર ય્વ-11-છમ્-4994 ની કારમાં તેનું પાયલોટીંગ કરે છે જેથી સાવરકુંડલાના શેલણા ચોકડી પાસે વોચ ગોઠવી અને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ – 5458, કિં.રૂા.14,76,264/- તથા મોબાઇલ ફોન નંગ – 1, કિં.રૂા.500/- તથા કિં.રૂા.15,00,000/- મળી કુલ કિં.રૂા.29,76,764/- ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક જયકીશન ધીમારામ વૈષ્ણવ, ઉં.વ.-40, ગામ-શોભાલા દર્શન, તા.ચોહટન, જિ.બાડમેર (રાજસ્થાન)ને પકડી પાડયો હતો અને ટ્રકને આંબી ગયેલી પોલીસને જોઇ દુરથી આ દારૂની પાયલોટીંગ કરનાર હરદીપ વાળા નાશી છુટયો હતો પોલીસે ટ્રકચાલક ઉપરાંત અશોક જયતાભાઇ બોરીચા, રહે.લુવારા, તા.સાવરકુંડલા,હરદીપ દડુભાઇ વાળા, રહે.માણાવાવ, તા.ધારી, પથુ દડુભાઇ પટગીર, રહે.ઘોબા, તા.સાવરકુંડલાની સામે ગુનો દાખલ કર્યો છે અને તપાસ એલસીબીના પીએસઆઇ શ્રી પી.એન. મોરીને સોંપવામાં આવી છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમના પ્રફુલ્લભાઇ જાની, મહેશભાઇ ભુતૈયા, મયુરભાઇ ગોહિલ, જયરાજભાઇ વાળા, રાહુલભાઇ ચાવડા, ભીખુભાઇ ચોવટીયા, જયસુખભાઇ આસલીયા, સુખદેવભાઇ ગોંડલીયા, દેવાંગભાઇ મહેતા, દયાબેન જસાણી, ગિરીરાજસિંહ જાડેજા, ભાવિનગીરી ગોસ્વામી, રાહુલભાઇ ઢાપા, ધવલભાઇ મકવાણા, ઉદયભાઇ મેરીયા, મહેશભાઇ મુંધવા, જે.પી.કોચરા, હરેશભાઇ કુવારદા, કેતનભાઇ ગરાણીયા વિ.દ્વારા કરવામાં આવેલ હતી.
જાણવા મળતી માહિતી અનુસાર આ દારૂ સાવરકુંડલામાં કટીંગ થવાનો હતો અને ત્યાંથી ધારી બગસરા ખાંભા કે ક્યા ક્યા જવાનો હતો તેની તપાસ પોલીસ દ્વારા ચલાવાઇ રહી છે ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપી અશોક બોરીચા આ દારૂનો વેપાર કરતો હોવાનુ પોલીસની તપાસમાં બહાર આવવા પામ્યુ છે અને એવી વિગતો પણ બહાર આવી છે આ દારૂનો જથ્થો એમઆરપી પ્રમાણે 15 લાખ જેવો થાય છે પણ તેમાં સાડા સતસો એમએલની બોટલનો ભાવ 275 થી 300 હોય છે જેની બજાર કિંમત એક હજારથી અઢી હજાર સુધીની લેવાતી હોય છે.