ચૂંટણી, શિયાળો અને લગ્નસરાની મોસમનો જાણે ત્રિવેણી સંગમ થયો છે. શિયાળો સ્વાસ્થ્યની ઋતુ કહેવાય છે અને તેનો પ્રારંભ થયો હોય તેમ ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જ્યારે કોઈપણ પ્રતિબંધ કે કોરોનાના પ્રોટોકોલ્સના ફરજીયાત પાલન કરવાની મર્યાદાઓ વગર ધામધૂમથી લગ્ન કરવાની તક લાંબા ગાળે એક સાથે મળી હોય તેમ લગ્નના મુહૂર્ત જોઈને શુભલગ્નોની સિઝન પણ ખીલી ઉઠી છે. લગ્નનો પ્રસંગે બે વ્યક્તિની જિંદગીનું પવિત્ર મિલન સાથે જીવનનો એક ટર્નીંગ પોઈન્ટ પણ હોય છે, અને લગ્નનો પ્રસંગ પણ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. લોકતાંત્રિક દેશ માટે ચૂંટણીની મોસમનો મહાપર્વ ગણાય છે અને આ પ્રક્રિયા એવી છે જે દરેક ભારતીય નાગરિકને પોતાની પસંદગીની સરકાર ચૂંટવાની તક આપે છે. એટલું જ નહીં મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ પણ છે અને હક્ક પણ છે.
હવે ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસો રહ્યા છે. છેલ્લા બે દિવસથી તમામ રાજકીય પક્ષોના સુપર સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, લગભગ તમામ કેન્દ્રીય મંત્રીઓ તથા અન્ય સુપર સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ગગન ગજવી રહ્યા છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પૂર્વ ભાજપ પ્રમુખ અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કોંગ્રેસના નવા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છેે. તે ઉપરાંત સપા-બસપા, એનસીપી, ઓવૈસીની પાર્ટી, બીટીપી સહિતના નાના-મોટા અનેક પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીસભાઓ ગજવી રહ્યા છે.
આ મહાપર્વમાં ઘણાં દૃશ્યો એવા પણ જોવા મળશે કે જેમાં વરકન્યા લગ્નમંડપમાંથી સીધા મતદાન કરવા ગયા હોય, અથવા વરઘોડો લઈને પહેલા મતદાન કરીને જાન લગ્નમંડપમાં જતી હોય, આનું કારણ એ છે કે આ દિવસોમાં જ લગ્ન પ્રસંગો વધુ છે, અત્યારે તો ચૂંટણીના કારણે લગ્નપ્રસંગો અથવા અન્ય શુભપ્રસંગોનું આયોજન પણ થોડું અઘરું પડી રહ્યું હશે, કારણ કે ચૂંટણીપંચે પણ વ્યવસ્થાઓના ભાગરૃપે કેટલાક સ્થળો ઉપરાંત કેટરર્સ, વાહનો, વડિયોગ્રાફર વગેરેને પહેલેથી જ બૂક કરી લીધેલા હોવાથી લગ્નપ્રસંગો માટે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવી થોડી અઘરી પડી રહી છે તેમ છતાં લોકો લગ્ન પ્રસંગ, ચૂંટણીપર્વ અને સોહામણી શિયાળુની ઋતુના ત્રિવેણીસંગમને જાણે મન ભરીને માણી રહ્યા છે, આજે સામાજિક, પારિવારિક અને રાજકીય ક્ષેત્રે ધમધમાટ જોવા મળી રહ્યો છે, જો કે લગ્નપ્રસંગોના કારણે કદાચ મતદાન પર થોડી વિપરીત અસર થાય, તેવી શકયતા પણ ગણાવાઈ રહી છે, કારણ કે મતદાનના દિવસે જ બહારગામ દૂરના સ્થળે લગ્ન પ્રસંગે કે જાનમાં નાછૂટકે જવું જ પડે તેમ હોય તેવા મતદારો કદાચ મતદાન ન કરી શકે, તેવું પણ બને. જો કે, મતદારોમાં હવે ઘણી જાગૃતિ પણ આવી છે. અને પ્રસંગોના આયોજનનો સાથે ઘણાં પરિવાર મતદાનના સમયને સાંકળીને સંયોજીત આયોજન કરી રહ્યા હોવાની આવકારદાયક મનોવૃત્તિ પણ વધી રહેલી જણાય છે.
જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યના ખૂણે ખૂણે વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજો ફરી રહ્યા છે. સર્વોચ્ચ નેતાઓ રોડ-શો યોજીને ગુજરાતના રોડ માપી રહ્યા છે, અને સભાઓ કરીને ગગન ગજવી રહ્યા છે, ત્યારે રાત્રિના સમયે ગૂપચૂપ બેઠકો યોજીને અને સંપર્કો કરીને પડદા પાછળની વ્યૂહરચનાઓ પણ ગોઠવાઈ રહી હોય તેમ જણાય છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્ન્સ (એડીઆર) અને ગુુજરાત ઈલેકશન વોચ દ્વારા રસપ્રદ આંકડાઓ સાથેનો જે રિપોર્ટ જાહેર કર્યો છે, જે રસપ્રદ છે અને આ રિપોર્ટના વિવરણની બહોળી ચર્ચા પણ મીડિયા અને અખબારોના માધ્યમથી થઈ રહી છે, તે જોતા રાજકીય પક્ષોને મળતા ફંડીંગ અને છેલ્લા પાંચ વર્ષમાં મળેલા ફંડના પ્રકારો વગેરેની આંકડાકીય માહિતી જાણવા જેવી છે.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચારના અહેવાલો વચ્ચે દિલ્હીમાં એમસીડીની ચૂંટણીઓના સંદર્ભે પણ હવે કેટલાક ઘટનાક્રમો ચર્ચાસ્પદ બનવા લાગ્યા છે. ત્યાં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સમાંતર જ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને હવે ત્યાં આક્ષેપો-પ્રતિઆક્ષેપોની આંધી આવી છે અને વિવિધ વીડિયો તો એટલા બધા વાયરલ થઈ રહ્યા છે કે તેને જોડવામાં આવે તો કદાચ ત્રણ-ચાર ફૂલ લેન્સ ફિલ્મો બની જાય !
આ બધા વચ્ચે રશિયા-યુક્રેનના યુદ્ધના અહેવાલો તો હવે રોજીંદા બની ગયા છે, પરંતુ ચીનમાં કોરોનાના કારણે લગાવાયેલા લોકડાઉનના વિરોધમાં રોડ પર આવી ગયેલા લોકોએ ત્યાંના તાનાશાહ રાષ્ટ્રપતિ શી જીનપીંગની ખુરશી હલબલાવી દીધી હોવાના ચોંકાવનારા અહેવાલોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને દિલ્હી એમસીડીની ચૂંટણીઓના ઝંઝાવાતી પ્રચારની આંધીમાં આ અહેવાલો હાંસિયામાં રહી ગયા હોય તેમ જણાય છે. જો આ ચૂંટણીઓ ન હોય તો ચીનના દૃશ્યો સાથે ના અહેવાલો કદાચ વધુ ફેલાયા હોય. જો કે ચીનના આ અહેવાલો આજે મુખ્ય સમાચારોની હરોળમાં તો રહ્યા જ છે!
આજે ચૂંટણીઓ, ચીન અને યુદ્ધના અહેવાલોની સાથે સાથે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના ચીફ જસ્ટીસ અને કાનૂનમંત્રીની હાજરીમાં જેલોમાં રહેલા કેદીઓ તથા દેશની સિસ્ટમ પર જે પ્રહારો કર્યા તેના અહેવાલો પણ ચર્ચામાં છે અને રાષ્ટ્રપતિ મહોદયની આ માર્મિક ટકોરને દેશભરમાંથી આવકાર પણ મળી રહ્યો હતો. તેમણે જેલોમાં બંધ કેદીઓના માનવ અધિકારોની વાત તો કરી જ હતી, પરંતુ પ્રવર્તમાન સમગ્ર ‘સિસ્ટમ’ ને પણ દર્પણ દેખાડ્યું હતું. આ નિવેદનના દેશની તમામ સર્વોચ્ચ બંધારણીય સંસ્થાઓમાં પણ પ્રત્યાઘાતો પડ્યા જ હશે.