ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, શુભમ ગીલ થયો ઈજાગ્રસ્ત

ઇંગ્લેન્ડની સામે ચેન્નાઈમાં રમાતી બીજી ટેસ્ટ મેચ દરમિયાન ટિમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ઇજાગ્રસ્ત થયો છે. ચેન્નાઈમાં રમાતી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે શુભમન ગિલ ફિલ્ડિંગ કરશે નહીં. તમને જણાવી દઇએ કે, ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શુભમન ગિલને ફિલ્ડિંગ કરતા સમયે હાથનાં કાંડામાં ઇજા થઈ હતી. ત્યારબાદ હવે અમદાવાદમાં ૨૪ ફેબ્રુઆરીના યોજાનાર પિંક બોલ ટેસ્ટ મેચથી પહેલા ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી શકે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે ૨૧ વર્ષીય ગિલને સાવચેતી તરીકે સ્કેન કરવામાં આવ્યો છે. ગિલ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ખાતું ખોલાવી શક્યો ન હતો જ્યારે બીજી ઇનિંગમાં તેણે ૧૪ રન બનાવ્યા હતા. બીસીસીઆઇએ નિવેદનમાં કહૃાું, બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ફિલ્ડિંગ કરતા સમયે ગિલના હાથ પર બોલ વાગ્યો હતો.

સાવચેતીના પગેલ સ્કેન કરાવવા માટે લઇ જવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું છે, બીસીસીઆઇની મેડિકલ ટીમ તેની ઇજાનું આંકલન કરી રહી છે. તે આજે ફિલ્ડિંગ નહીં કરે. તમને જણાવી દઇએ કે, ઓપિંનગ બેટ્સમેન શુભમન ગિલે ભારતની ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ૨૯ અને ૫૦ રન બનાવ્યા હતા. આ ઉપરાંત આ મેદાન પર ગિલે બીજી ટેસ્ટ મેચમાં ૦ અને ૧૪ રનનો સ્કોર બનાવ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે.