ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ વેલ્યૂ ઘટી, મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી મૂલ્યવાન ટીમ

દુનિયાની સૌથી મોંઘી અને મોટી ટી-૨૦ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ભારતના એક ઉત્સવ જેવી છે. લોકો તેને આનંદથી માણે છે. આ લીગમાં દેશ-વિદેશના દિગ્ગજ ખેલાડીઓ જોવા મળે છે. તો નવા ખેલાડીઓને દિગ્ગજ ખેલાડીઓ સાથે અને વિરુદ્ધમાં રમીને ઘણું બધુ જાણવા મળે છે. આ લીગ યુવા ખેલાડીઓને મજબૂત કરે છે અને આગળ વધવામાં મદદ પણ કરે છે. આ લીગ પર સૌથી વધારે વખતે મુંબઈ ઇન્ડિયન્સે ૫ વાર કબજો કર્યો છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે ૩ વાર આ ટ્રોફી પર કબજો કર્યો, પરંતુ ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહૃાું હતું.

ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)નું પ્રદર્શન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૦મા ખૂબ નિરાશ કરનારું રહૃાું હતું અને આઈપીએલ-૨૦૨૧મા આ ટીમ ગયા વર્ષના પ્રદર્શનને ભૂલીને આગળની તરફ જઈ રહી છે. હવે આઈપીએલની ૧૪મી સીઝન પહેલા ડસ ઍન્ડ ફેલ્પ્સની વાર્ષિક બ્રાન્ડ વેલ્યુએશનના રિપોર્ટ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ વેલ્યૂમાં ઘણો ઘટાડો થયો છે. એવું આ ટીમના ગયા વર્ષના ખરાબ પ્રદર્શન બાદ થયું છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ગયા વર્ષે યુએઈમા આઈપીએલ-૨૦૨૦મા સારું પ્રદર્શન કરી શકી નહોતી અને સાતમા નંબરે રહી હતી.

સાથે જ આ ટીમ આઈપીએલ ઇતિહાસમાં પહેલીવાર પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહોતી. ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ વેલ્યૂમાં ૧૬.૫ ટકાનો ઘટાડો થયો છે અને ૭૩૨ કરોડની ગણતરીએ હવે આ ટીમની બ્રાન્ડ વેલ્યૂ ૬૧૧ કરોડની રહી ગઈ છે.

એટલું જ નહીં કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમની બ્રાન્ડ વેલ્યૂમાં ૧૩.૭૫ ટકાનો ઘટાડો નોંધાયો છે અને હવે તેની બ્રાન્ડ વેલ્યૂ ૬૨૯ કરોડથી ઓછી થઈને ૫૪૩ કરોડની જ રહી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સે ગયા વર્ષે રેકોર્ડ પાંચમીવાર આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું અને તે આ લીગની સૌથી મૂલ્યવાન ટીમ છે અને બ્રાન્ડ વેલ્યૂની બાબતે પહેલા સ્થાન પર ઉપસ્થિત છે. આ ટીમની બ્રાન્ડ વેલ્યૂમાં ૫.૯ ટકાનો વધારો થયો છે અને હવે તેની બ્રાન્ડ વેલ્યૂ ૭૬૧ કરોડ રૂપિયા છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે સ્ટેડિયમમાં દર્શકોની ઉપસ્થિતિ રહી નહોતી, જેના કારણે ફ્રેન્ચાઇઝીઓને ઘણું નુકસાન થયું હતું, તો આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂમાં પણ ઘટાડો જોવા મળ્યો અને તે ૩.૬ ટકા રહૃાો. એ સિવાય પંજાબ કિંગ્સ (પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ)ની બ્રાન્ડ વેલ્યૂમાં પણ ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧ની આઈપીએલનું આયોજન ૯ એપ્રિલથી ભારતમાં કરવામાં આવશે.