ચેપોકમાં ‘વિરાટ સેનાનું સરેન્ડર: ઇંગ્લેન્ડનો ૨૨૭ રને વિજય

જેક લીચ (૪ વિકેટ) અને જેમ્સ એન્ડરસન (૩ વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે મંગળવારે પહેલી ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે ભારતને ૨૨૭ રનના વિશાળ અંતરથી હરાવી દીધું. ભારતને ૨૨ વર્ષ બાદ ચેન્નઈમાં ટેસ્ટ મેચમાં હાર મળી. છેલ્લીવાર તે ૧૯૯૯માં પાકિસ્તાન સામે ચેપોકમાં મેચ હાર્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડે ચેન્નઈમાં ભારતને ચોથી વખત હરાવ્યું છે. આ પહેલા બંને વચ્ચે અહીં ૯ ટેસ્ટ રમાઈ છે, જેમાં ભારતે ૫ અને ઈંગ્લેન્ડે ૩ મેચ જીતી જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમના બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમવામાં સદતર નિષ્ફળ નિવડ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી ફટકારનાર જો રુટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ ચાર વર્ષ બાદ ઘરેલૂ ટેસ્ટ મેચ હારી છે. આ પહેલાં ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

જણાવી દઈએ કે ટોસ જીતીને પહેલા બેટીંગનો નિર્ણય કરનાર ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઇનિંગ્સમાં ૫૭૮ રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગ્સમાં ૩૩૭ રન બનાવ્યા હતા. આવી રીતે મહેમાન ટીમને ૨૪૧ રનની લીડ મળી હતી. બાદમાં બીજી ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડે ૧૭૮ રન બનાવ્યા હતા અને ભારતને ૪૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

મંગળવારે બીજા સેશનમાં ૫૮.૧ ઓવરમાં ભારતની ટીમ ૧૯૨ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જો રૂટને મેચમાં બેવડી સદી ફટકારવા માટે મેન ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે ચાર મેચોની સીરિઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. સીરિઝની બીજી મેચ ચેપોક સ્ટેડિયમમાં જ ૧૩ ફેબ્રુઆરીએ રમાવાની છે.

૪૨૦ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાએ મંગળવારે ૩૯/૧ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પાંચમા દિવસની શરૂઆત ભારત માટે ખૂબ ખરાબ રહી. ચેતેશ્ર્વર પુજારાને જેક લીચે સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો. શુભમન ગિલ પોતાની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહૃાો.

જેમ્સ એન્ડરસને ફરી ટીમ ઈન્ડિયાને એક બાદ એક ઝટકા આપતા ઈંગ્લેન્ડની પકડ મેચમાં મજબૂત બનાવી દીધી. એન્ડરસને સૌથી પહેલા ગિલને ક્લીન બોલ્ડ કર્યો. ગિલે ૮૩ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા હતા. આ બાદ અિંજક્ય રહાણે ખાતું ખોલાવી શક્યો નહોતો અને ક્લીન બોલ્ડ થયો હતો. બાદમાં એન્ડરસને રિષભ પંતને પણ કેચ આઉટ કરાવી દીધો.

હવે શ્રેણીમાં કમબેક કરવું ભારત માટે મુશ્કેલ પડકાર છે. વળી, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ પણ જોખમ હેઠળ છે.

ઇંગ્લેન્ડની ટીમે ૮ વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતી છે. તેમણે છેલ્લે ભારતને ડિસેમ્બર ૨૦૧૨માં ઈડન ગાર્ડન્સ ખાતે માત આપી હતી. તે પછી ભારતમાં બંને દેશ વચ્ચે ૬ ટેસ્ટ રમાઈ હતી, જેમાંથી ૪ ભારત જીત્યું અને ૨ ટેસ્ટ ડ્રો રહી.