ચોથી ટેસ્ટ: વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ચાલુ મેચમાં તૂતૂ-મેંમેં થઈ

  • ગ્રાઉન્ડ અમ્પાયરોએ વચ્ચે પડીને બન્ને ખેલાડીઓને છૂટા પાડવાની ફરજ પડી

 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી અને સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થઈ છે. ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વચ્ચે મેદાન ઉપર તૂતૂ-મેંમેં થઈ હતી. વિવાદ વધુ વકરે નહીં તે માટે ગ્રાઉન્ડ અમ્પાયર્સે વચ્ચે પડીને બન્ને ખેલાડીઓને છૂટા પાડવાની ફરજ પડી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. જો કે લંચ સમય સુધીમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ અને ત્યારબાદ બીજા સેશનમાં એક વિકેટ મળી કુલ ચાર વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલ અને મોહમ્મદ સીરાજે બે-બે વિકેટો ઝડપી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને મોહમ્મદ સીરાજે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટોએ મળીને ઈંગ્લેન્ડની ટીમનો સ્કોર આગળ ધપાવ્યો છે. ચાલુ મેચમાં બેન સ્ટોક્સ અને વિરાટ કોહલી મેદાનમાં જ આમને-સામને આવી ગયા હતા.

મોહમ્મદ સીરાજે બાઉન્સર બોલ ફેંક્યો હતો જેની સામે બેન સ્ટોક્સે કંઈક ટિપ્પણી કરી હતી અને બન્ને એકબીજાને તાકીને જોઈ રહૃાા હતા. સ્ટોક્સ અને સીરાજ વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. વિરાટે આ વાતની નોંધ લીધી હતી અને તેણે બેન સ્ટોક્સને કંઈક પૂછ્યું હતું. આ વાત ઉપર બન્ને વચ્ચે ગ્રાઉન્ડ પર તૂતૂ-મેમે થઈ હતી. વાત વણસે તે અગાઉ ગ્રાઉન્ડ પરના અમ્પાયરોએ બેન સ્ટોક્સ અને વિરાટ કોહલી વચ્ચે પડીને તેમને અલગ કર્યા હતા. જો કે આ વાત શું હતી તેની હજી સુધી કોઈ સત્તાવાર વિગતો સામે નથી આવી.