છેક ઈન્દિરાજીના જમાનાથી સીબીઆઈ સામે વિપક્ષો ઊહાપોહ મચાવતા રહ્યા છે

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પ વર્સીસ જો બાઈડનનો જંગ ખેંચાતો જાય છે ત્યારે આપણે ત્યાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને બિન ભાજપ શાસિત રાજ્યોની સરકારો વચ્ચે નવો જંગ શરૂ થઈ ગયો છે. આ જંગ સીબીઆઈના કહેવાતા દુરૂપયોગ અંગેનો છે. મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરીને વિપક્ષના નેતાઓને કનડે છે એવા આક્ષેપો વિપક્ષો લાંબા સમયથી કરે છે. સીબીઆઈ સિવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), ઈન્કમટેક્સ (આઈટી), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) વગેરેને મોદી સરકારે વિપક્ષોનો ખુરદો બોલાવવા છૂટી મૂકી દીધી હોવાની રાવ વિપક્ષો નાખ્યા જ કરે છે. જો કે આવું ઈન્દિરા ગાંધીના સમયમાં પણ કહેવામાં આવતું હતું. ભાજપ કેન્દ્રીય એજન્સીઓ પોતાની રીતે કામ કરવા મુક્ત છે ને મોદી સરકાર તેમને કોઈ ફરમાન કરતી નથી એનો બચાવ કરે છે. વિપક્ષોનાં કોઠાં-કબાડાંની પોલ કેન્દ્રીય એજન્સીઓ ખોલી રહી છે તેથી વિપક્ષી નેતાઓને પેટમાં દુ:ખે છે ને આવા ફાલતુ આક્ષેપો કરે છે એવો પ્રતિઆક્ષેપ પણ ભાજપ કરે છે.

આ સામસામી આક્ષેપબાજીના કારણે લાંબા સમયથી જંગ ચાલ્યા જ કરે છે ત્યારે શુક્રવારે ઝારખંડની હેમંત સોરેન સરકારે સીબીઆઈને ઝારખંડમાં તપાસની મંજૂરી પાછી ખેંચી લીધી. આ પહેલાં પશ્ર્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કેરળ સહિત છ રાજ્યો સીબીઆઇના પોતાના રાજ્યમાં પ્રવેશ પર પાબંદી મૂકી ચૂક્યાં છે. હેમંત સોરેનના ફરમાનને પગલે ઝારખંડ ભાજપની સરકાર ન હોય એવું સાતમું એવું રાજ્ય બન્યું છે કે જેણે સીબીઆઈ માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દીધું હોય. સીબીઆઈ કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરતી એજન્સી છે તેથી દિલ્હીમાં તેને છૂટથી હરવાફરવાની ને તપાસ કરવાની છૂટ છે. દિલ્હીમાં સીબીઆઈના અધિકારીઓ ધારે એ કરી શકે એવા તેમના પાવર્સ છે પણ દેશનાં અન્ય રાજ્યોમાં જવું હોય તો તેમણે જે તે રાજ્યની સરકારની ઔપચારિક રીતે મંજૂરી લેવાની હોય છે. સીબીઆઈની સ્થાપના દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946 હેઠળ થયેલી છે. આ એક્ટની કલમ ચ હેઠળ કોઈ પણ રાજ્યને સીબીઆઈને આપેલી જનરલ ક્ધસેન્ટ એટલે કે સામાન્ય મંજૂરી રદ કરવાનો હક છે જ. હેંમત સોરેને પણ બીજા છ બિન ભાજપ મુખ્યમંત્રીઓની જેમ એ અધિકારનો ઉપયોગ કરીને સીબીઆઈ માટે ઝારખંડના દરવાજા બંધ કરી દીધા છે.

હેમંત સોરેનના ફરમાનનો અર્થ એ થાય કે, હવે સીબીઆઈના અધિકારીઓ તપાસ માટે ઝારખંડમાં ઘૂસી નહીં શકે. સીબીઆઈ પોતાના જૂના કેસોની તપાસ ચાલુ રાખી શકશે પણ ઝારખંડમાં નવા કેસની તપાસ નહીં કરી શકે. સોરેને સીબીઆઈ પર પાબંદી લગાવી દીધી છે તેથી હવે ઝારખંડની હદમાં બનેલા કોઈ પણ કેસમાં સીબીઆઈનું કશું નહીં ચાલે. સીબીઆઈ ઝારખંડમાં દરોડા પણ નહીં પાડી શકે કે તપાસ પણ નહીં કરી શકે. દરોડા પાડ્યા વિના કે તપાસ કર્યા વિના છૂટકો જ ના હોય એ સંજોગોમાં હેમંત સોરેન સરકારને સત્તાવાર રીતે અરજી કરીને દરોડાની કે બીજી કામગીરી કરવા દેવાની આજીજી કરવી પડશે. હેંમત સોરેન રીઝ્યા તો સીબીઆઈ કામ કરી શકશે, બાકી રામ રામ. સોરેનની મરજી વિના ઝારખંડમાં સીબીઆઈ પગ પણ નહીં મૂકી શકે. ઝારખંડ સિવાયનાં બીજા છ રાજ્યોમાં પહેલેથી આ સ્થિતિ છે જ. આ રાજ્યોમાં સીબીઆઈ સ્થાનિક સરકારોની દયા પર જ છે.

ઝારખંડ સરકારનો નિર્ણય સીબીઆઈની આબરૂનો ધજાગરો કરનારો છે કેમ કે સીબીઆઈની સ્થાપના પછી પહેલી વાર એવું બન્યું છે કે, એક સાથે સાત-સાત રાજ્યોએ સીબીઆઈને પોતાને ત્યાં ઘૂસવા દેવાની જ ના પાડી દીધી છે. સીબીઆઈ દેશની સૌથી મોટી તપાસ એજન્સી કહેવાય છે પણ દેશનાં ચોથા ભાગના રાજ્યો સીબીઆઈને પોતાને ત્યાં પગ મૂકવા દેવા પણ તૈયાર નથી એ સ્થિતિ અભૂતપૂર્વ કહેવાય. સીબીઆઈની શાખ એક જમાનામાં તટસ્થ તપાસ કરનારી એજન્સી તરીકેની હતી . તેના કારણે આપણે ત્યાં રાજ્યો સીબીઆઈને રોકતાં નહીં ને તેને પોતાની રીતે કામ કરવા દેતાં હતાં. દરેક રાજ્ય દર વર્ષે એક સામાન્ય પરિપત્ર બહાર પાડીને સીબીઆઈને છૂટ આપી દેતાં. કેન્દ્રમાં જેની સત્તા હોય તે પક્ષની સરકાર રાજ્યમાં ના હોય તો પણ સીબીઆઈ સામે વિપક્ષી સરકારો વાંધો નહોતી લેતી. છેલ્લાં બે વર્ષથી સ્થિતિ બદલાઈ છે અને એક પછી એક રાજ્યો સીબીઆઈ સામે જાહેરમાં અણગમો વ્યક્ત કરીને દૂર કરવા માંડ્યાં છે. 2018માં ચંદ્રાબાબુ નાયડુએ તેની શરૂઆત કરેલી.

ચંદ્રાબાબુ પહેલાં ભાજપ સાથે બેઠેલા તેથી આંધ્રમાં ચંદ્રાબાબુ નાયડુએ સીબીઆઈને જનરલ ક્ધસેન્ટ એટલે કે સામાન્ય છૂટ આપેલી પણ પછી ભાજપ સાથે બગડ્યું તેમાં તેમણે આ મંજૂરી પાછી ખેંચી લીધી. નાયડુના પગલે મમતા બેનરજીએ પણ મંજૂરી પાછી ખેંચી ને પછી તો લાઈન જ લાગી ગઈ. બે વર્ષમાં જ દેશના પચીસ ટકા રાજ્યો સીબીઆઈથી આભડછેટ રાખતાં થઈ ગયાં છે. સીબીઆઈમાં તો શરમનો છાંટો નથી તેથી તેની પાસેથી આત્મનીરિક્ષણની કે આ સ્થિતિ કેમ સર્જાઈ તેના મનોમંથનની અપેક્ષા રાખવા જેવી નથી પણ આ દેશનાં લોકોએ ચોક્કસ આ અંગે વિચારવું જોઈએ કેમ કે આ નિર્ણયના કારણે આપણે ત્યાં આઝાદી પછી ગોઠવાયેલી સિસ્ટમ સામે જ ખતરો ઊભો થઈ ગયો છે.

હેમંત સોરેન કે બીજી સરકારોએ સીબીઆઈ પર પાબંદી મૂકી કેમ કે એ તેમના અધિકારમાં આવે છે પણ સીબીઆઈ પર પ્રતિબંધનો અર્થ એ થાય કે, કેન્દ્ર સરકારના તાબા હેઠળની બધી એજન્સીઓ માટે આ રાજ્યોમાં કપરા દાડા છે ને રાજ્ય સરકાર આ એજન્સીઓને પણ સહકાર નહીં આપે. આ વાત જાહેર ના કરાય પણ સીબીઆઈ પર પ્રતિબંધ આવે તેમાં એ પણ આવી ગયું. આ એજન્સીઓમાં ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ પણ આવી ગયો ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આવી ગયો. રાજ્ય સરકાર આ એજન્સીઓને સીધી રીતે રોકી ના શકે પણ આ એજન્સીઓ પોતાન રાજ્યમાં રેડ પાડવા કે તપાસ કરવા આવે ત્યારે તેમને સહકાર ના આપે. સહકાર નહીં આપવાનો અર્થ શું થાય એ કહેવાની જરૂર નથી. આ એજન્સીઓને પોલીસ રક્ષણ ના અપાય ને લાગ આવે તો તેમની ધોલાઈ પણ કરી દેવાય એવું બધું એમાં આવી ગયું. આ સંજોગોમાં આ કેન્દ્રીય એજન્સીઓ આ સાત રાજ્યોમાં કોઈ કામ જ ના કરી શકે એ સ્થિતિનું નિર્માણ થઈ જાય.

આપણે ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારો વહેંચાયેલા છે. આ અધિકારોના પાલન માટે તંત્ર ગોઠવાયેલાં છે. સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓ તેનો જ એક ભાગ છે. રાજ્યની પોલીસ શું કરે અને કેન્દ્રીય એજન્સીઓ શું કરે તેની લક્ષ્મણરેખા નક્કી થયેલી જ છે. હવે દેશનાં સાત રાજ્યમાં કેન્દ્ર સરકારની એજન્સીઓને પ્રવેશ જ ના હોય તો પછી આ સિસ્ટમનો અર્થ જ નથી રહેતો ને આ સિસ્ટમ જ તૂટી પડે. કેન્દ્ર સરકારની એજન્સીઓએ રાજ્ય સરકારની દયા પર રહેવાનું હોય ને રાજ્યમાં ઘૂસવા માટે પણ રાજ્ય સરકારની મંજૂરી લેવાની હોય તો પછી આખું માળખું જ કડડભૂસ થઈ જાય. ટૂંકમાં આ નિર્ણય આપણી અત્યારની સિસ્ટમ સામે મોટો ખતરો છે.

આ ખતરો ઊભો કેમ થયો એ સૌથી મોટો સવાલ છે ને તેનો જવાબ સીબીઆઈ તથા કેન્દ્ર સરકારની વિશ્વસનિયતા છે. એક સમયે દેશની સૌથી ભરોસાપાત્ર તપાસ એજન્સી ગણાતી સીબીઆઈનું એ હદે પતન થયું છે કે, તેનું કામ સત્તામાં બેઠેલા લોકો આપે તેની સોપારી લેવાનું રહી ગયું છે. સીબીઆઈ સ્વાયત્ત સંસ્થા છે ને તેનું કામ કોઈ પણ કેસની તટસ્થ ને ન્યાયી તપાસ કરવાનું છે. તેના બદલે સીબીઆઈના અધિકારીઓ કેન્દ્રમાં જેની સત્તા હોય તે પક્ષના રાજકારણીઓ સામે પૂંછડી પટપટાવ્યા કરે છે ને તેમનાં ચરણ ચાટ્યા કરે છે. આ તમાશો આપણે વરસોથી જોઈએ છીએ. સીબીઆઈના અધિકારીઓ સાવ કરોડરજ્જુ વિનાના ને નૈતિકતા વિનાના છે. તેમને કોઈ વાતનો છોછ નથી કે કોઈ વાતની શરમ નથી. એ લોકો સત્તામાં બેઠેલા લોકોના ઈશારે ગમે તેને ફસાવી પણ શકે છે ને ગમે તેને જવા પણ દઈ શકે છે.

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈ, ઈડી, એનસીબી વગેરેએ શું કર્યું એ આપણી નજર સામે છે. કેન્દ્રના ઈશારે ઉધ્ધવ ઠાકરેના દીકરાની સોપારી લઈને નિકળેલી આ કેન્દ્રીય એજન્સીઓ સુશાંતના મૃત્યુના કેસમાં એવું કશું શોધી ના શકી કે જે મુંબઈ પોલીસે ના શોધ્યું હોય. મહિનાઓની તપાસ ને જાત જાતનાં નાટક પછી છેવટે આખી વાતનો વીંટો વળી ગયો. સુશાંતે આપઘાત જ કરેલો ને તેની ગર્લપ્રેન્ડ રીયા ચક્રવર્તી સામે કરાયેલા આક્ષેપો ખોટા હતા ત્યાં વાત આવીને ઊભી રહી ગઈ. સીબીઆઈ સહિતની તપાસ એજન્સીઓના અધિકારીઓ પહેલા દિવસથી જ આ વાત કેન્દ્રમાં બેઠેલા પોતાના આકાઓને કહી શક્યા હોત પણ તેમના ઈશારે સોપારી ફોડવા નિકળ્યા તેમાં તેમની ઈજ્જતનો કચરો થઈ ગયો. સીબીઆઈ ચિઠ્ઠીની ચાકર છે તેથી આ સ્થિતિ બદલવા કેન્દ્રે પહેલ કરવી પડે પણ સીબીઆઈના અધિકારીઓએ પણ પોતાની વિશ્વસનીયતા જાળવવા મર્દાનગી બતાવવી પડે.