છેલ્લા અઢી વરસથી મહારાષ્ટ્રના  રાજકારણનો ઉકળાટ ઠરતો નથી

અન્ય દેશના રાજકારણ કરતાં ભારતનું રાજકારણ અલગ જ તાસીર ધરાવે છે. અહીંના રાજકારણીઓ દર મહિને એક નવા વિવાદમાં સપડાય અને મીડિયામાં પ્રસિદ્ધિ મેળવી લે.., એમાંય મહારાષ્ટ્રના રાજકારણમાં તો છેલ્લા બે મહિનાથી ભારે ઉથલપાથલ મચી રચી છે. જેના મૂળ ૨૦૧૯માં રોપાયાં હતાં. મહારાષ્ટ્રમાં ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં કોઈને બહુમતી ન મળી પછી ભાજપ અને શિવસેના અલગ થયાંને ઉદ્ધવ ઠાકરેએ એનસીપી, કૉંગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર રચી ત્યારથી એમવીએ અને ભાજપ સામસામે આવી ગયા હતા. બંને પોતાની સરકારી એજન્સીઓનો ઉપયોગ કરીને એકબીજાના નેતાઓને ફિટ કરી દેવા માટે નવા નવા દાવ ખેલ્યા કરે છે તેથી છેલ્લાં અઢી વરસથી જંગ જામ્યો છે. પરંતુ મહારાષ્ટ્રમાં શિંદે જૂથના પક્ષ પલટા બાદ હવે સત્તાનું રિમોટ ભાજપના હાથમાં છે. જેની અસર દેખાઈ રહી છે. કારણ કે શિવસેનાના સાંસદ સંજય રાઉત હવે ઇડીના ગાળિયામાં ફસાઈ ચૂક્યા છે.

 

સંજય રાઉત આજે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ છે, ૮૦ના દાયકામાં તેઓ મુંબઈમાં એક સાપ્તાહિક માટે ક્રાઈમ રિપોર્ટિંગ કરતા હતા. લોકપ્રભા મેગેઝિનથી કરિયર શરૂ કરનાર સંજય રાઉતને અંડરવર્લ્ડ રિપોર્ટિંગમાં નિષ્ણાત માનવામાં આવતા હતા. દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન અને અંડરવર્લ્ડ અંગેના તેમના અહેવાલોની મુંબઈમાં ખૂબ ચર્ચા થતી હતી. રિપોર્ટિંગની દુનિયામાં રાઉતનું તેમનું નામ અને કદ વધતા તેઓ બાળ ઠાકરેની નજરમાં આવ્યા હતા. રાઉતના રિપોર્ટિંગ બદલ બાળ ઠાકરે વારંવાર તેને બિરદાવતા હતા. માતોશ્રીની મુલાકાતો વધી અને શિવસેના પ્રમુખે માત્ર ૨૯ વર્ષીય રાઉતને શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એક્ઝિક્યુટિવ એડિટર બનવાની ઓફર આપી હતી. રાઉત શિવસેના પ્રમુખની ઓફરને ઠુકરાવી શક્યા ન હતા અને તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી તેના એક્ઝિક્યુટિવ એડિટર છે. સામનામાં જોડાયા પછી, રાઉત બાળાસાહેબના અંગત સચિવ બની ગયા હતા. જો કે આંબેડકર કોલેજમાંથી બી.ટેકનો અભ્યાસ કરનાર રાઉત વિદ્યાર્થીકાળથી જ શિવસેનાના વિદ્યાર્થી એકમમાં સક્રિય હતા.

રાજનીતિમાં તેમની વિચારસરણી અને વિઝન જોઈને બાળ ઠાકરેએ તેમને શિવસેનાના ‘ડેપ્યુટી લીડર’ બનાવ્યા. અને પછી તો તેઓ ૨૦૦૪માં શિવસેનાની ટિકિટ પર પહેલીવાર રાજ્યસભા સુધી પહોંચ્યા હતા. અહીં તેઓ શિવસેનાના નેતા પણ હતા. રાઉત સંસદીય અને ગૃહ વિભાગ સાથે સંબંધિત સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. ૨૦૦૫ અને ૨૦૦૯ની વચ્ચે રાઉત નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ક્ધસલ્ટન્સી કમિટીના સભ્ય પણ હતા.
રાઉત શિવસેના તરફથી બીજી વખત ૨૦૧૦માં, પછી ૨૦૧૬માં અને હવે ૨૦૨૨માં તેઓ રાજ્યસભાના સાંસદ છે. સતત ચાર વખત સાંસદ રહી ચુકેલા સંજય ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી બાદ સક્રિય થયા હતા. રાજકીય નિષ્ણાતો કહે છે કે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી એટલે કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર બનાવવામાં સંજય રાઉતનો મોટો હાથ હતો.
બાળ ઠાકરેના ગયા પછી તેઓ ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ બની ગયા હતા. જે રીતે ઉદ્ધવે ૨૦૧૯માં કૉંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી ત્યારથી તેમને શિવસેનાની થિંક ટેન્ક કહેવામાં આવે છે. પણ અત્યારે તેમનું રાજકીય અને અંગત જીવન તકલીફમાં છે.
મહારાષ્ટ્રના ૧૦૩૯ કરોડના પત્રા ચાલ જમીન કૌભાંડમાં ૯ કલાકની પૂછપરછ બાદ ઇડીએ શિવસેના સાંસદ સંજય રાઉતની અટકાયત કરી છે. આ પહેલાં ૨૮ જૂને પણ ઇડીએ રાઉતને પૂછપરછ કરી હતી. ધરપકડ પહેલાં રાઉતે કહ્યું હતું કે મારું કોઈ કૌભાંડ સાથે કંઈ લેવાદેવા નથી. હું શિવસેના માટે લડવાનું યથાવત્ રાખીશ. અહી ગર્ભિત ઈશારો ભાજપ તરફ છે. સૌથી પહેલાં તો જાણીએ કે પત્રા ચાલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શું છે? મુંબઈના ગોરેગાંવમાં સિદ્ધાર્થ નગર છે, જે પત્રા ચાલના નામથી પ્રખ્યાત છે.
અહીં ૪૭ એકરમાં ૬૭૨ ઘર છે. ૨૦૦૮માં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે એમએચએડીએ એ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો અને ગુરુ આશીષ ક્ધસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ એટલે કે જીએસીપીએલને ૬૭૨ ભાડુઆતને નવું ઘર વિસ્તારને રિડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. ત્રિપક્ષીય સમજૂતી મુજબ જીએસીપીએલને પત્રા ચાલના ૬૭૨ભાડૂઆતને ફ્લેટ આપવાના હતા, એમએચએડીએ માટે ૩ હજાર ફ્લેટ તૈયાર કરવાના હતા અને જે વધે તે ખાનગી ડેવલપર્સને વેચવાના હતા. જો કે ઇડીનો દાવો છે કે સંજય રાઉતના નજીકના સહયોગી પ્રવીણ રાઉત અને ગુરુ આશીષ ક્ધસ્ટ્રક્શનના અન્ય ડિરેક્ટર્સે એમએચએડીએને ભટકાવ્યા. સાથે જ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ એટલે કે એફએસઆઈને ૯ અલગ અલગ ખાનગી ડેવલપર્સને વેચીને ૯૦૧.૭૯ કરોડ રૂપિયા કમાઈ લીધા, પરંતુ તેમને ન તો ૬૭૨ ભાડૂઆતને ફ્લેટ આપ્યા કે ન તો એમએચએડીએ માટે કોઈ ફ્લેટ બનાવ્યા.

જે બાદ જીએસીપીએલએ મીડોઝ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને ફ્લેટ ખરીદનાર પાસેથી લગભગ ૧૩૮ કરોડ રૂપિયાની બુકિંગ રકમ લીધી. ઇડીનો આરોપ છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે ગુરુ આશીષ ક્ધસ્ટ્રક્શને ૧,૦૩૯.૭૯ કરોડ રૂપિયા બનાવ્યા. ઇડીએ એવો પણ દાવો કર્યો છે કે સંજય રાઉતને પ્રવીણ રાઉતની રિયલ એસ્ટેટ કંપની એચડીઆઈએલથી ૧૦૦ કરોડ રૂપિયા મળ્યા છે. આ ઉપરાંત ૨૦૧૦માં તેમાંથી ૮૩ લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા. તેમણે આ પૈસાથી દાદરમાં એક ફ્લેટ ખરીદ્યો. આ ઉપરાંત મહારાષ્ટ્રના અલીબાગમાં કિહિમ બીચ પર વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરના નામે ઓછામાં ઓછા ૮ પ્લોટ ખરીદવામાં આવ્યા.
સ્વપ્ના, સંજય રાઉતની નજીકના સહયોગી સુજિત પાટકરની પત્ની છે. આ લેન્ડ ડીલમાં પણ રોકડા પૈસાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. ઇડીએ જણાવ્યું કે આ સંપત્તિઓની ઓળખ થયા બાદ પ્રવીણ રાઉત અને તેમના સહયોગીની આ તમામ સંપત્તિઓને જપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સમજૂતી મુજબ ડેવલપરનો પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી તમામ ૬૭૨ ભાડૂઆતને દર મહિને ભાડાના પૈસા આપવાના હતા. જો કે ભાડાના પૈસા માત્ર ૨૦૧૪-૧૫ સુધી જ આપવામાં આવ્યા. જે બાદ ભાડૂઆતે ભાડાની ચુકવણી ન થવાને કારણે અને પ્રોજેક્ટ પૂરો થવામાં મોડું થવાની ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું.
ડેવલપર દ્વારા ભાડાની ચુકવણી ન કરવા, મોડું કરવા અને અનિયમિતતાઓને કારણે એમએચએડીએ ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ડેવલપરને ટર્મિનેશન નોટિસ જાહેર કરી. આ નોટિસ પછી જીએસીપીએલથી એફએસએ ખરીદનાર ૯ ડેવલપર્સ હાઈ કોર્ટ પહોંચી ગયા. જે બાદ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને રોકી દીધો અને ત્યારથી ૬૭૨ ભાડૂઆતનું ભવિષ્ય લટકેલું છે.
૨૦૨૦માં મહારાષ્ટ્ર સરકારે ૬૭૨ ભાડૂઆતના પુનર્વસન અને ભાડાની રકમનો ઉકેલ કાઢવા માટે મહારાષ્ટ્રના રિટાયર્ડ ચીફ સેક્રેટરી જોની જોસેફના નેતૃત્વમાં એક સભ્યની કમિટી બનાવવામાં આવી. કમિટીની ભલામણ અને જીએસીપીએલના ફીડબેક પછી જૂન ૨૦૨૧માં રાજ્યની કેબિનેટે પત્રા ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને ફરીથી મંજૂરી આપી. આ વર્ષે ૨૨ ફેબ્રુઆરીએ સીએમ ઉદ્ધવ ઠાકરેના આદેશ પર રોકાયેલા ક્ધસ્ટ્રક્શન વર્કને ફરીથી શરૂ કરાયા. હવે જીએસીપીએલ પોતે એક ડેવલપર તરીકે પ્રોજેક્ટ પૂરો કરી રહી છે. આ બધામાં ખૂબ જ સિફતપૂર્વક સંજય રાઉતનું નામ નીકળી ગયું હતું. પણ પક્ષપલટો થતા ફરી ઇડી સક્રિય થયું અને જમીન ગોટાળા પ્રકરણમાં સંજય રાઉતને ઈડી સમક્ષ હાજર થવાનું ફરમાન જાહેર થયું.
એકવાર ઈડી સમક્ષ હાજર થયા બાદ રાઉતને વારંવાર સમન્સ આપ્યા બાદ પણ રાઉત એક યા બીજા કારણ આપી ઈડી સામે હાજર થવાનું ટાળતા હોવાથી હાલ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંજય રાઉતની ઈડીની કુલ ત્રણ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ઈડીના કુલ પચ્ચીસ અધિકારી સામેલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આમાંથી એક ટીમ રાઉતના ઘરે ગઈ હતી જ્યારે બીજી બે ટીમ મધ્ય અને પશ્ર્ચિમ મુંબઈમાં હાજર રહી હતી. ઈડીના દિલ્હીના મુખ્યાલય દ્વારા તમામ કાર્યવાહી પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી હોવાની તેમ જ દરેક અપડેટથી મુખ્યાલયને વાકેફ કરવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ઈડીએ અગાઉ તા. પહેલી જુલાઈએ સંજય રાઉતની પૂછપરછ કરી હતી. તે પછી રાઉતની વધારે પૂછપરછ માટે ૨૦મી જુલાઈએ અને પછી ૨૭મી જુલાઈએ એમ બે વખત સમન્સ પાઠવ્યા હતા. જોકે રાઉતે એમ જણાવી દીધું હતું કે સંસદનું ચોમાસુ સત્ર ચાલુ હોવાથી રાજ્યસભાના સભ્ય તરીકે પોતે હાજર રહી શકે તેમ નથી. રાઉતના વકીલે ઈડી સમક્ષ હાજર થઈ સાતમી ઓગસ્ટની મુદ્દત પણ માગી હતી. જોકે, હવે વધુ મુદ્દત આપવાને બદલે ઈડીની ટીમ સીધી તેમના ઘરે જ પહોંચી ગઈ હતી. એનસીપી, શિવસેના અને કૉંગ્રેસની મહાવિકાસ આઘાડીના મહત્ત્વના બે નેતાઓ લાંબા સમયથી જેલમાં છે. નવાબ મલિક દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથે આર્થિક વ્યવહારોના આરોપોસર જેલમાં છે. બીજી તરફ માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ૧૦૦ કરોડની ખંડણી ઉઘરાવવાના આક્ષેપોસર જેલમાં છે.
આ ઉપરાંત દાપોલીમાં રિસોર્ટ બનાવવામાં આર્થિક વ્યવહારોના કેસમાં શિવસેનાના નેતા અને રાજ્યના માજી મંત્રી અનિલ પરબને ત્યાં પણ ઈડીના દરોડા પડી ચૂક્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ઇડીની તપાસમાં સંજય રાઉત વિરુદ્ધ કેવી કાર્યવાહી થશે ! અને એવી પણ શક્યતા વર્તાઈ રહી છે કે હવે મહારાષ્ટ્ર સરકારની એજન્સીઓ પણ મહાવિકાસ અઘાડી અને ઠાકરે પરિવારની પાછળ હાથ ધોઈને પડી જશે… ત્યારે હવે સમય જ બતાવશે કે કોને કેટલું નુકસાન થશે !