ઈ-કોમર્સનો ઉપયોગ છેલ્લા બે વર્ષ દરમિયાન લગભગ સમગ્ર ભારતે કર્યો છે. કોવિડકાળ દરમિયાન પોતાની કર્મભૂમિ છોડીને વતન પરત ફરી રહેલા કર્મચારીઓએ પણ ઓનલાઈન બસ/ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. કરિયાણું હોય કે ફર્નિચર, શાકભાજી હોય કે કપડા, પુસ્તકો હોય કે પ્લમ્બિંગ સર્વિસ અડધોઅડધ ભારતીયો પહેલા ઓનલાઈન ચેક કરે છે અને પછી જ ઘરની બહાર પગ મૂકે છે. દીકરા-દીકરી માટે યોગ્ય ક્ન્યા/મુરતિયો પણ ઓનલાઈન વેબસાઈટ ઉપર ગોતવામાં આવે છે. ઓનલાઈન બિઝનેસ ઈઝ એવરીવ્હેર. અત્યારે હિન્દુસ્તાનમાં ભાગ્યે જ એવું કોઈ મીડલ ક્લાસ કે તેનાથી ઊંચી આર્થિક ક્ષમતા ધરાવતું કોઈ ઘર બાકી હશે જેના ઘરમાં ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવેલી કોઈ વસ્તુ નહિ હોય. રીટેલ વેપારીઓને ટક્કર આપીને ઈ-કોમર્સ કુદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. પરંતુ કહેવાય ને કે દરેક ટ્રેન્ડ, ફેશન કે કોઈ કલાકારોનો પણ એક નિશ્ર્ચિત દાયકો હોય. એમ ઈ-કોમર્સના મધ્યાહને તપી રહેલા સુરજને હરિફાઈ આપવા બદલે હવે ક્યુ-કોમર્સનો સિતારો ભારતના અર્થતંત્રના વિરાટ આકાશમાં ચમકી રહ્યો છે.
ક્યુ-કોમર્સ એટલે કે ક્વિક કોમર્સ ઓનલાઈન બિઝનેસને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે.
અર્થતંત્રના ઘટકતત્ત્વો એટલે કે માણસોની માનસિકતા સમજીને ક્યુ-કોમર્સ સ્ટાર્ટ અપ અને બિઝનેસ મોડેલ અમલમાં મુકાઈ રહ્યું છે. ગ્રાહકોને આજે ચોક્કસપણે સારી વસ્તુ જોઈએ. વસ્તુ સારી હોય એટલું જ હવે પૂરતું નથી, તે વસ્તુ જલ્દીથી હાથમાં જોઈએ. વિચાર આવ્યો અને તરત જ ગ્રાહક તે વસ્તુનો માલિક બની જવો જોઈએ. લોકોનો એટેન્શન ટાઈમસ્પાન ઘટી ગયો છે. ત્રીસ સેકંડની રીલનો જમાનો છે. ફટાફટ અને ઝડપથી બધું મેળવી લેવાની સામુહિક વૃતિ ભારતીય સમુદાયમાં જોવા મળી છે. માટે એમેઝોનમાં આજે ઓર્ડર કરો અને પાંચ દિવસ પછી તે વસ્તુ ડિલિવરી થાય એમાં માલ નહિ. તે વસ્તુ માટેનો મોહ પણ પાંચ દિવસ ગુણ્યા ચોવીસ કલાક જેટલા મોટા સમયમાં ઉતરી ગયો હોય. ટાઈમ ઈઝ મની. કિંમત પૈસાની છે માટે ડિલિવરી કરો તો ફાસ્ટ નહિ સુપરફાસ્ટ કરો. માટે ક્યુ-કોમર્સ હવે ભારતીય અર્થતંત્રના વિશાળ અને ઘનઘોર જંગલના મેદાનમાં ઉતર્યું છે.
વચમાં ઝોમેટોએ જયારે દસ મિનિટની અંદર ડિલિવરી આપી દેવાની જાહેરાત કરી હતી ત્યારે તેની ઉપર મીમ્સ બન્યા હતા અને ઍક્સપર્ટ લોકોએ તેની ટીકા કરી હતી. જયારે સ્વીગીએ ચુપચાપ સ્વીગી ઇન્સ્ટામાર્ટ ચાલુ કરીને ભારતના અમુક શહેરોમાં ઈન્સ્ટન્ટ ડિલિવરી ચાલુ કરી દીધી. ગ્રોફર્સ જે હવે બ્લીંકઇટના નામે પોતાનું બ્રાન્ડિંગ કરે છે તે પણ ફાસ્ટ ડિલિવરીના બિઝનેસમાં ઉતરી છે. સ્વીગી ઇન્સ્ટામાર્ટ પંદર જ મિનિટમાં તમારા ઘરઆંગણે ડોરબેલ વાગે તેની ખાતરી આપી રહ્યું છે. પ્રારંભિક સફળતા અને રિસ્પોન્સ સારો મળી રહ્યો છે. ઝેપ્ટો નામનું સ્ટાર્ટ-અપ તો વધુ બોલ્ડ છે. તે ફક્ત નવ મહિના જૂનું છે અને તે દસ મિનિટની અંદર હોમ-ડિલિવરી કરાવવાનું વચન આપે છે. ઈ-કોમર્સ બિઝનેસમાં રહેલા ઘણા ધંધાર્થીઓ ક્યુ-કોમર્સ તરફ વળી રહ્યા છે. ક્યુ-કોમર્સના સિદ્ધાંતો પોતાના ઓનલાઈન બિઝનેસમાં લગાડીને પોતાના ધંધાને નવો આયામ આપી રહેલી કંપનીઓનું લીસ્ટ મોટું બની રહ્યું છે.
ક્યુ-કોમર્સની જરૂર કેમ પડી? માણસોની માનસિકતા અને જમાના મુજબ બદલાઈ રહેલી ઈચ્છાવૃતિઓને કારણે. આ અઘરી લાગતી વાત ઉદાહરણ દ્વારા સમજીએ. રાતે એક ઘરમાં ભાઈ-બહેન સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમને ઉજાગરો છે. અચાનક આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. હવે લેવા કોણ જાય? એમાં સમય કોણ બગાડે? ત્યાં ક્યુ-કોમર્સ એપ્લિકેશન કે વેબસાઈટ કામ આવે. ફોનમાં ઓર્ડર કર્યાની દસથી પંદર મિનિટમાં આઈસ્ક્રીમ ખોળાની પ્લેટમાં હોય એ નક્કી. આઈસ્ક્રીમ લક્ઝરી આઈટમ થઇ, તે જરૂરિયાત ન કહેવાય. આપણે જરૂરિયાતનું ઉદાહરણ લઈએ. નાના બાળકો જે ઘરમાં હોય તે ઘરની ગૃહિણી એટલે કે મા ઉપર અનેક જવાબદારીઓ હોય. ક્યારેક બાળકના ડાઈપરનો સ્ટોક ખાલી થઇ જાય અને ફટાફટ બેબી ડાઈપરની જરૂરિયાત ઊભી થાય. શું કરવાનું? ઓર્ડર કરો. બાળક રડવાનું ચાલુ કરે તે પહેલા ડાઈપર ઘરમાં પહોંચી ગયું હશે. આ છે ક્યુ-કોમર્સનો જાદુ.
હવે ક્યુ-કોમર્સના નેજા હેઠળ થતી સુપરફાસ્ટ ડિલિવરીના ક્ધસેપ્ટના વિરોધ કરનારાઓ કહે છે કે આવું કરવાથી રોડ ઍક્સિડેન્ટની સંખ્યા વધશે. તો આ દલીલ થોડી ખામીભરેલી છે. ટૅકનોલૉજીને સમજો. ક્વિક-કોમર્સ કંપનીઓ પાસે અલ્ગોરીઘમ હોય અને ભવિષ્યમાં આર્ટીફીશિયલ ઇન્ટેલીજ્ન્સ ધરાવતી કમ્પ્યુટર સિસ્ટમ/નેટવર્ક સાથે તેઓ ઑપરેટ કરતા હશે. મોટા ભાગના નાગરિકોને જે વસ્તુઓની જરૂરિયાત ઈમરજન્સીમાં ઊભી થતી હોય તે વસ્તુઓનો સ્ટોક એ જ રીતે ગોઠવાયેલો હોય. રહેણાંક વિસ્તારના એક-બે કિલોમીટરની અંદર તેના વેરહાઉસ હોય. ગ્રાહક તેના ફોનમાંથી જેવો ઓર્ડર કરશે તેની ત્રીસ સેકંડની અંદર તો તે વસ્તુ પેક થઈને કેરીબેગમાં ગોઠવાઈ ગઈ હશે. સાથે સાથે જ ડિલિવરી બોય એડ્રેસ સમજીને તે વસ્તુને ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નીકળી જશે.
ઓટોમેટેડ વેરીફીકેશન, સપ્લાય-ચેન મેનેજમેન્ટ, હાઈ-ટેક સોફ્ટવેર, સુપરફાસ્ટ ઇન્ટરનેટ અને પ્રીડીક્ટીવ મોડેલીંગના અલ્ગોરીધમને કારણે કયા ગ્રાહકને કઈ વસ્તુ ક્યારે અને કેટલા સમયમાં જોઇશે અને તેને કયો ડિલિવરી બોય ત્વરિત પહોંચાડી શકશે તે એનાલાઇઝ કરતુ સેટ-અપ જડબેસલાક હોય. માટે ડિલિવરી બોયે ‘રેશ ડ્રાઈવીંગ’ કરવાની જરૂર નથી. ઝેપ્ટો તો બે યુવાનોએ સ્થાપી છે. તે કંપનીએ ૨૦૦ મિલિયન ડોલરનું ફંડિંગ ભેગું કર્યું અને આજે તે કંપનીનું વેલ્યુએશન ૯૦૦ મિલિયન ડોલર છે. અત્યારે અગિયાર શહેરોમાં તે કંપની કાર્યરત છે. તેનો પ્લાન ચોવીસ શહેરોમાં પહોંચવાનો છે. બ્લીંક-ઈટે ભારતમાં ૩૦૦ સ્ટોર સ્થાપી દીધા છે. તે પણ ક્યુ-કોમર્સના બિઝનેસમાં મોટું નામ છે. અત્યારે દર ચાર કલાકે તે કંપની એક નવો સ્ટોર ખોલે છે એવું કહેવામાં આવ્યું છે.
સ્વીગીએ ઇન્સ્ટામાર્ટમાં ૭૦૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું અને તે અત્યારે ૫૦૦૦ જેટલી પ્રોડક્ટની સ્પીડી ડિલિવરી કરે છે. તાતાનું બીગબાસ્કેટ છે એ પણ ક્વિક-કોમર્સમાં ઝંપલાવી દીધું છે. જીયોમાર્ટ અને રિલાયન્સની બીજી સબસિડરી કંપની પણ ક્યુ-કોમર્સનો મોટો હિસ્સો બનશે એવું લાગે છે. અત્યારે ક્વિક-કોમર્સનું આ મોડેલ આકર્ષક લાગે છે. પરંતુ વખત જતા તે કેટલું નફાકારક અને ઉપયોગી રહે તે પણ જોવું રહ્યું. ગ્રાહક રાજા છે અને તેને રાજાની જેમ જ ટ્રીટ કરવો પડે તે ફોરેન કંપનીઓ અને ભારતના નવયુવાનો આપણને શીખવાડે છે. આ બધાને કારણે રીટેલ દુકાનદારોને મોટો ફટકો પડ્યો છે. પરંતુ આ નવો જમાનો છે. જે સ્પીડ આપશે અને ક્વૉલીટી આપશે એ માર્કેટ ઉપર રાજ કરશે, એ સાદો નિયમ છે.