છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૪,૦૪૪ પોઝિટિવ કેસ નોંધાયા

  • કુલ કેસનો આંકડો ૭૬.૫૧ લાખે પહોંચ્યો, મૃત્યુઆંક ૧.૧૫ લાખને પાર
  • ૭,૪૦,૦૯૦ દર્દીઓ સારવાર હેઠળ, ૬૭,૯૫,૧૦૩ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા

     

 

 

ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહૃાો છે. સોમવારે કોરોના સંક્રમણના નવા કેસનો આંકડો ૫૦ હજારની નીચે આવ્યો હતો જોકે આજે તે આંકડો ૫૪ હજારે પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૦૪૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૭૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૬,૫૧,૧૦૮ થઈ ગઈ છે.

આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૬૭ લાખ ૯૫ હજાર ૧૦૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૭,૪૦,૦૯૦ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૯૧૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૦ ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૭૨,૦૦,૩૭૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૦,૮૩,૬૦૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

તહેવારો વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી અને કેટલાક રાજ્યમાં પેટાચૂંટણીને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એકદમ કોરોનાના કેસમાં વધારો થવાની ચિંતા વ્યક્ત કરી છે. જેના કારણે હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાના તરફથી એક ટીમ બિહાર માટે રવાના કરી દીધી છે. સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા મુજબ ભારતમાં પ્રતિ મિલિયન વસ્તી પર સંક્રમણના કેસ જોઈએ તો ભારતમાં ૩૧૦ પ્રતિ મિલિયન છે. જ્યારે ફ્રાન્સમાં સૌથી વધુ ૨૪૫૭ પ્રતિ મિલિયન છે. તેમણે જણાવ્યું કે ૮૩ ડેથ પ્રતિ મિલિયન ભારતમાં છે જો કે વિશ્ર્વના મોટા ભાગના દેશોમાં તેના કરતા વધુ છે. ૬ રાજ્યોમાં ૬૪ ટકા એક્ટિવ કેસ છે. અને ૫૦ ટકા એક્ટિવ કેસ ફક્ત ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં છે.

ભારતમાં કોરોનાના કેસો વધવાની ગતિ જોઈએ તો, ૭-ઓગસ્ટે ૨૦ લાખ, ૨૩-ઓગસ્ટે ૩૦ લાખ, ૫-સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬-સપ્ટેમ્બરે ૫૦ લાખ, ૨૮-સપ્ટેમ્બરે ૬૦ લાખ અને ૧૧-ઓક્ટોબરે ૭૦ લાખના આંકડાને પાર પહોંચી હતી.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૭ નવા મરણ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૧૩, કર્ણાટકમાં ૬૬, પશ્ર્ચિમ બંગાળમાં ૬૧, છત્તીસગઢમાં ૫૦, તમિલનાડુમાં ૫૦ અને દિલ્હીમાં ૪૧ લોકો મોતને ભેટ્યાં છે. દેશમાં અત્યાર સુધી કુલ ૧,૧૫,૯૧૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં ૪૨,૪૫૩, તમિલનાડુમાં ૧૦,૭૪૧, કર્ણાટકમાં ૧૦,૬૦૮, ઉત્તર પ્રદેશમાં ૬,૭૧૪, આંધ્ર પ્રદેશમાં ૬,૪૮૧, પશ્ર્ચિમ બંગાળમાં ૬,૧૮૦, દિલ્હીમાં ૬૦૮૧, પંજાબમાં ૪૦૩૭ અને ગુજરાતમાં ૩૬૫૧ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહૃાું કે, ૭૦ ટકાથી વધુ મરણ દર્દીઓમાં અન્ય બીમારી હોવાના કારણે થયા છે.