છોટા ઉદૃેપુરના એક ગામે ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

છોટા ઉદૃેપુરના જામલી ઝેર ગામની એક પ્રસૂતાને કડકડતી ઠંડીમાં જોખમી કહેવાતી પ્રસુતિ ૧૦૮ એમ્બ્યુલન્સમાં કરાવી હતી. પ્રસૂતાએ બે પુત્ર રત્નને એમ્બ્યુલન્સમાં જ જન્મ આપ્યો હતો. છોટા ઉદૃેપુરના ઝોઝ પાસેના જામલી ઝેર ગામની સગર્ભા મહિલા સંબુડીબેન નારણભાઈ રાઠવાને સવારે પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮નો સંપર્ક કરાયો હતો. ઝોઝ ૧૦૮ની ટીમના ઇ.એમ.ટી. હિતેશ ઠાકોર અને પાયલોટ જયરાજ પટેલ ગણતરીની મિનિટોમાં ઝેર ગામે પ્રસુતાના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં જઈને ૧૦૮ના સેવકોએ પ્રાથમિક તપાસ કરતા સગર્ભાને દૃુખાવો વધારે હતો અને જોડીયા બાળકો હોવાનું જણાયું હતું. ઉપરાંત પ્રસુતિની પીડાને ખાસો સમય થયો હોવાથી અને જોડીયા બાળકો હોવાથી પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતુ. પ્રથમ બાળકનું મોઢું ગર્ભાશયમાંથી બહાર આવી જતા પ્રસૂતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઇને સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી હતી, પરંતુ પ્રસુતિ દરમિયાન બાળક રડતું ન હતું. ઉપરાંત હલન ચલન પણ કરતું ન હતું અને ગળામાં નાળ વીંટળાયેલી હતી અને દયના ધબકારા પણ ખૂબ નીચા હતા. એટલે તેને ૧૦૮ની ટીમ દ્વારા કૃત્રિમ શ્ર્વાસોશ્ર્વાસ તેમજ દય પર કૃત્રિમ દબાણ આપીને તેમજ ઇમરજન્સી સેન્ટરમાં બેઠેલા ડોક્ટરના માર્ગદર્શન વડે બંને નવજાત બાળકને નવજીવન આપ્યું હતુ. પ્રથમ બાળકના જન્મની ખૂબ જ અઘરી પ્રક્રિયા બાદ ૨૦ મિનિટે બીજા બાળકની પણ સફળતા પૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી હતી. સગર્ભાને પ્રસુતિ કરાવ્યા બાદ બંને નવજાત બાળકો સાથે માતાને ઝોઝ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયની તબિયત સારી હોવાનું ફરજ પરના ડોકટર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.