છોટા ઉદેપુરમાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ નોંધાયા

  • રાજ્યના ૮૪ તાલુકામાં મેઘાની તુફાની બેટિંગ

ગુજરાતમાં હાલ મેઘ મહેરબાન છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેરમાં ૬ ઇંચ વરસાદ વરસ્યો છે. તો વડોદરાના પાદરા, ખેડા-નડિયાદ, આણંદના તારાપુર અને ખંભાત તેમજ સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના પાટણ શહેરમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. પંચમહાલના જાંબુઘોડાના કણજીપાણી ગામે મકાન ધરાશાયી થતા ૩ ના મોત નિપજ્યા છે.

રાત્રિ દરમિયાનમાં ધોધમાર વરસાદના પગલે કાચું મકાન ધરાશયી થતા ૪ લોકો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. ત્યારે એક જ પરિવારના પિતા, પુત્ર અને દાદૃીનું મોત નિપજ્યું છે. પરિવારના એક સભ્યનો જ આબાદ બચાવ થયો છે. ૭૦ વર્ષીય વૃદ્ધા, ૪૦ વર્ષીય પુરુષ અને ૫ વર્ષનું બાળક ઘટનાનો ભોગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જાંબુઘોડામાં ગત રાત્રિ દરમ્યાન ૩.૭૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના હવામાન વિભાગે આજે સારા વરસાદની આગાહી આપી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી, દાદરાનગર હવેલી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ થશે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડમાં પણ સારા વરસાદની આગાહી આપી છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.