જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મિની બસ પૂંછ જિલ્લાના જ સૌજિયાથી મંડી જઈ રહી હતી ત્યારે અચાનક ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા. ઉપરાજ્યપાલે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. એવું કહેવાય છે કે મિની બસ જ્યારે સૌજિયાથી મંડી જઈ રહી હતી તે દરમિયાન અચાનક ડ્રાઈવરે બસ પર કાબૂ ગૂમાવ્યો અને બસ ખાઈમાં જઈ ખાબકી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મંડીની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. અકસ્માત બાદ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક વ્યક્ત કરતા પ્રત્યેક મૃતકના પરિવારને ૫-૫ લાખ રૂપિયા અને ઘાયલોને એક એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે જ અધિકારીઓને ઘાયલોને વધુ સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દૃેશ પણ આપ્યા.