જમ્મુ અને કાશ્મીરની સમસ્યા ઉકેલવી  હોય તો ભારતે પીઓકે આંચકી લેવું પડે

જમ્મુ અને કાશ્મીરને લગતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ થઈ એ સાથે જ સાવ નવરા થઈ ગયેલા કાશ્મીરના પ્રાદેશિક નેતાઓ કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહેવા ફાંફા મારે છે. નેશનલ કૉન્ફરન્સના ડૉ. ફારૂક અબ્દુલ્લા પણ આવા જ નેતા છે. એ પણ સાવ નવરાધૂપ છે તેથી કંઈ ને કંઈ બોલીને ચર્ચા જગાવવા મથ્યા કરે છે ને તેના ભાગરૂપે તેમણે કાશ્મીરમાંથી આતંકવાદને નાબૂદ કરવા માટે પાકિસ્તાન સાથે મંત્રણાનું સૂચન કરી નાંખ્યું.
ફારૂકનું કહેવું છે કે, ભારત સરકાર કાશ્મીર ખીણમાં રહેતાં લોકોનાં દિલ નહીં જીતે અને પાકિસ્તાન સાથે મંત્રણા કરીને કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં લાવે ત્યાં લગી આતંકવાદ નાબૂદ નહીં થાય. કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં લગી લોકો મરતાં રહેશે અને આતંકવાદની સફરનો અંત નહીં આવે. ભાજપના નેતાઓ ને મંત્રીઓ ભલે ફિશિયારી મારતા કે, કાશ્મીરમાં આતંકવાદ પતી ગયો છે પણ એ વાતમાં માલ નથી.

શ્રીનગરમાં એક પીએસઆઈ મુશ્તાક અહમદની લાલ બજાર વિસ્તારમાં આતંકીઓએ હત્યા કરી નાંખી તેના સંદર્ભમાં આંતકવાદ અંગેનો સવાલ પૂછાતાં ફારૂકે આ જ્ઞાન પિરસી નાંખ્યું. સામે ભાજપના નેતા ફારૂકને ભાંડવા મેદાનમાં ઉતરી પડતાં સામસામી જામી ગઈ ને આ મુદ્દો ગરમ થઈ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વરસે જમ્મુ અને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજકીય આગેવાનોની બેઠક બોલાવી ત્યારે પણ આ મુદ્દો ચગ્યો હતો. એ વખતે પીડીપીનાં મહેબૂબા મુફતીએ જમ્મુ અને કાશ્મીરના નેતાઓની સાથે સાથે ભારત સરકારે પાકિસ્તાન સાથે પણ મંત્રણ કરવી જોઈએ એવું કહ્યું હતું. આ સૂચન બદલ મહેબૂબાનો વારો પડી ગયેલો ને બધાં મહેબૂબા પર તૂટી પડ્યાં હતાં.
મહેબૂબા પાકિસ્તાનની પીઠ્ઠુ અને દેશદ્રોહી છે એવી કોમેન્ટ્સનો મારો ચાલ્યો હતો. ભારતના દેશપ્રેમી મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતા સૌથી મોટા સંગઠન હોવાનો દાવો કરતા એક સંગઠને તો મહેબૂબાને દેશદ્રોહી જાહેર કરીને પાકિસ્તાન સાથે મંત્રણા નહીં કરવા માટે સહી ઝુંબેશ શરૂ કરી. સાડા આઠ લાખ મુસ્લિમોની સહી મેળવી હોવાનો દાવો કરીને સંગઠને એલાન કરેલું કે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની કોઈ જરૂર નથી એવું આ દેશના મુસ્લિમોની લાગણી છે.

મહેબૂબાની વાત વાહિયાત હતી ને ફારૂકની વાત પણ વાહિયાત છે પણ મહેબૂબા કે ફારૂક આવી વાતો કરી જાય છે કેમ કે આપણે જમ્મુ અને કાશ્મીરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકતા નથી. વાસ્તવમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ચિત્રમાં જ નથી ને તેને સાવ બહાર કરી શકાય તેમ છે પણ એવું કરવાની આપણામાં તાકાત નથી.
પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરનો ત્રીજા ભાગનો પ્રદેશ પચાવીને બેઠું છે. આ પ્રદેશ આપણો હોવા છતાં આપણે તે પાછો લઈ શકતા નથી. દેશ આઝાદ થયો તેના ચારેક મહિના પછી પાકિસ્તાને કરેલા આક્રમણમાં આ પ્રદેશ આપણા હાથથી ગયો એ ગયો. આપણે નકશામાં એ પ્રદેશને આપણો બતાવીને ખુશ થયા કરીએ છીએ પણ વાસ્તવિકરીતે એ પ્રદેશ આપણો છે જ નહીં.

ભારત આ પ્રદેશ પાછો લઈને કાશ્મીર મુદ્દો ઉકેલી નાંખે તો મહેબૂબા ને ફારૂક સહિત બધાંની બોલતી બંધ થઈ જાય. આખું કાશ્મીર જ ભારત પાસે હોય પછી આતંકવાદને પણ નાથી શકાય ને પાકિસ્તાનને પણ સળીઓ કરતું રોકી શકાય પણ તેના માટે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવું પડે. પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવાના બે રસ્તા છે. પહેલો રસ્તો પાકિસ્તાન સાથે મંત્રણા કરીને તેને પીઓકેમાંથી હટી જવા સમજાવવાનો છે. આ રસ્તો અપનાવો તો પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની પહેલ કરવી જ પડે. આ રસ્તે આપણે વરસોથી ચાલી રહ્યા છીએ પણ મંઝિલ મળતી નથી એ અલગ વાત છે પણ તેના કારણે રસ્તો ખોટો છે એવું સાબિત થતું નથી.
મોદી સરકાર પણ એ રસ્તે ચાલી છે ને પાકિસ્તાન સાથે મંત્રણા કરી જ છે. મહેબૂબાએ એ જ રસ્તો સૂચવ્યો હતો ને ફારૂકે પણ એ જ રસ્તો સૂચવ્યો છે પણ તેના કારણે મેળ પડવાનો નથી. પાકિસ્તાન પીઓકેમાંથી હટી જાય તો તેના રાજકારણીઓ અને લશ્કર બંનેનો ખેલ ખતમ થઈ જાય તેથી આ રસ્તો શક્ય નથી. પાછું મેળવવા પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવાનો બીજો રસ્તો પાકિસ્તાનને અવગણીને પીઓકે પર આક્રમણ કરી દેવાનો ને પાકિસ્તાન પાસેથી પીઓકે આંચકી લેવાનો છે. આ રસ્તો અપનાવવાની આપણામાં તાકાત છે પણ આપણા શાસકોમાં હિંમત નથી. બાકી આપણું લશ્કર તો તાકાતથી પીઓકે આંચકીને આખા કાશ્મીર પર ભારતનો કબજો થઈ જાય એવી સ્થિતિ પેદા કરવા તૈયાર જ છે.

સવાલ રાજકીય ઈચ્છાશક્તિનો છે ને એ ઈચ્છાશક્તિ આપણા અગાઉના શાસકોમાં નહોતી. મોદીને વડા પ્રધાન બન્યે આઠ વર્ષ થયાં. હવે પછી શું થશે એ ખબર નથી પણ કમ સે કમ આ આઠ વર્ષમાં તો મોદી એવી ઈચ્છાશક્તિ બતાવી શક્યા નથી, અગાઉના શાસકો કરતાં અલગ સાબિત થયા નથી. વાસ્તવમાં કાશ્મીર સમસ્યાનો ઉકેલ લશ્કરી કાર્યવાહી જ છે પણ આપણા શાસકોમાં એ હિંમત જ નથી આવતી. એ રીતે જોઈએ તો પાકિસ્તાનના શાસકો વધારે મરદ ગણાય કેમ કે પાકિસ્તાને તો આખું કાશ્મીર કબજે કરવા માટે ચાર-ચાર વાર આક્રમણ કર્યાં છે. પાકિસ્તાનની એ મર્દાનગી દુસ્સાહસ સાબિત થઈ એ અલગ વાત છે પણ ભારતના કિસ્સામાં એવું ના થાય. આપણે માત્ર એક જ વાર એ હિંમત બતાવવી પડે, મરદની જેમ તડ ને ફડ કરી નાંખવાનો નિર્ણય લેવો પડે પણ કમનસીબે અત્યારે સુધી એવો કોઈ મરદ શાસક આ દેશને ના મળ્યો. મોદી સાહેબ પાસે એ મર્દાનગી બતાવવાની તક છે ને મોદી સાહેબ એ મર્દાનગી બતાવે તો કાયમ માટે કાશ્મીરનો કકળાટ જ મટી જાય. મહેબૂબાએ કે ફારૂકે કે પાકિસ્તાનના પીઠ્ઠુ એવા બીજા કોઈએ પણ પાકિસ્તાન સાથે મંત્રણા કરવાના મમરા મૂકવાના જ ના રહે.