જમ્મુ અને કાશ્મીરમાં ભાજપનો ડંકો તો વાગ્યો પણ ગુપકર જૂથ બહુમતે છે

જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને કલમ 35 એ નાબૂદ કરી દેવાઈ એ પછી કાશ્મીરમાં સૌથી મોટા જનમત જેવી ડિસ્ટ્રિક્ટ ડેલવપમેન્ટ કમિટી (ડીડીસી)ની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)નાં આ પરિણામોમાં કોંગ્રેસ સિવાયના ભાજપ વિરોધી પક્ષોના શંભુ મેળા જેવા પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડીકલેરેશન (પીએજીડી)ને સૌથી વધારે બેઠકો મળી છે જ્યારે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો છે. ભાજપનું આ પરફોર્મન્સ અસામાન્ય છે જે બતાવે છે કે તળ કાશ્મીરની પ્રજાના હૃદયમાં ભાજપે પોતાનું ચોક્કસ સ્થાન હવે જમાવ્યું છે. જો કે આ શરૂઆત જ છે.
જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ ડિવિઝનના 10 ને કાશ્મીર ડિવિઝનના 10 મળીને કુલ 20 જિલ્લા છે. દરેક જિલ્લાની 14-14 મળીને કુલ 280 બેઠકોની ચૂંટણી હતી. તેમાંથી ગુપકર જોડાણને 110 અને ભાજપને 75 બેઠકો મળી છે. બાકીની બેઠકો અપક્ષો અને ઈતર પક્ષોને ભાગે ગઈ છે. કોંગ્રેસે 26 બેઠકો જીતી છે ને એ ક્યાંય ચિત્રમાં જ નથી. કોંગ્રેસના કહેવાતા ધુરંધરો ધૂળચાટતા થઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીરનો દીકરો નસીર મીર પોતે હારી ગયો છે તેના પરથી જ કોંગ્રેસની હાલત કેવી છે તેનો અંદાજ આવી જાય.
ભાજપ આ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ભલે ઊભર્યો પણ આ પરિણામો તેના માટે ને દેશ માટે જરાક નિરાશાજનક છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો પછી યોજાયેલી પહેલી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં છાકો પાડી સત્તા કબજે કરવાનાં સપનાં જોતો હતો પણ ડીડીસીનાં પરિણામો ભાજપની આશા પર પાણી ફેરવી દેનારાં છે. જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીર ખીણમાં ભાજપનો પ્રભાવ મર્યાદિત છે. તેથી ત્યાં ભાજપ જીતે એવી કોઈને આશા નહોતી પણ જમ્મુ ડિવિઝનમાં ભાજપ ફરી વળશે અને દસેદસ જિલ્લામાં જોરદાર સફળતા મેળવીને બધાંનો સફાયો કરી નાખશે એવી આશા ચોક્કસ આશા હતી પણ આ આશા ફળી નથી. બલકે ભાજપ આ આશાની નજીક છે કેમ કે જમ્મુ ડિવિઝનમાં 10 જિલ્લામાંથી 6 જિલ્લામાં ભાજપને બહુમતી મળી છે. બાકીના ચાર જિલ્લામાં અપક્ષો અને અન્ય પક્ષો ભાજપ કરતાં આગળ છે. ભાજપ તડજોડમાં હોંશિયાર છે તેથી ગમે તે રીતે સત્તા હાંસલ કરશે પણ આ પરિણામો ભાજપ માટે અપેક્ષા પ્રમાણેનાં નથી જ.
કાશ્મીર ખીણમાં કોંગ્રેસ સિવાયના ભાજપ વિરોધી પક્ષોના બનેલા ગુપકાર ગ્રુપે સપાટો બોલાવી દીધો છે. ભાજપે બે બેઠકો જીતીને ખાતું ખોલાવ્યું છે. કાશ્મીર ખીણમાં બહુમતી બેઠકો ગુપકાર જોડાણના ફાળે ગઈ છે. ગુપકર જોડાણના પક્ષો સાથે છે પણ કાશ્મીર ખીણમાં એ બધા અંદરોઅંદર લડેલા છતાં ભાજપ ફાવ્યો નથી. આ પરિણામો દેશ માટે સારો સંકેત નથી કેમ કે ગુપકર જોડાણ દેશના ફાયદામાં નથી. આ વાત સમજવા માટે ગુપકર જોડાણ શું છે એ સૌથી પહેલા સમજવું જરૂરી છે. મીડિયામાં ગુપકર શબ્દ ચાલ્યા કરે છે પણ મોટા ભાગનાં લોકોને ગુપકર કઈ બલાનું નામ છે ને ભાજપ વિરોધી પક્ષોના શંભુમેળાને ગુપકર જોડાણ કેમ કહે છે તેની જ ખબર નથી. ગુપકર શ્રીનગરનો પોશ વિસ્તાર છે ને અબદુલ્લા પરિવાર આ વિસ્તારમાં ભવ્ય બંગલામાં રહે છે. અબદુલ્લા પરિવારની ત્રણ પેઢીએ કાશ્મીરમાં મુખ્યમંત્રીપદ ભોગવ્યું છે. પહેલાં શેખ અબદુલ્લા, પછી શેખના પુત્ર ફારૂક અબદુલ્લા ને છેલ્લે ફારૂકના પુત્ર ઉમર અબદુલ્લા એમ અબદુલ્લા ખાનદાનમાંથી ત્રણ-ત્રણ લોકો કાશ્મીરના મુખ્યમંત્રીપદે આવ્યા. શેખ અબદુલ્લાએ 1970ના દાયકામાં ખરીદેલા બંગલાને શેખ અબદુલ્લાએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. ઉમર અબદુલ્લા પછીથી અલગ રહેવા ગયા પણ અબદુલ્લા પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન ગુપકર રોડ પર જ છે. એકદમ આલીશાન લોન ધરાવતું આ મકાન શ્રીનગરનાં શ્રેષ્ઠ મકાનોમાં એક છે.
નરેન્દ્ર મોદી સરકારે ગયા વરસે ઓગસ્ટ મહિનામાં બંધારણની કલમ 370 અને કલમ 35 એ નાબૂદ કરી ત્યારે ભાજપ વિરોધી પક્ષોએ કકળાટ મચાવી મૂકેલો. મોદી સરકારે 4 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાં કલમ 370 અને 35 એ નાબૂદ કરવાનો ઠરાવ મૂક્યો ત્યારે જ આ કકળાટ શરૂ થઈ ગયેલો. 4 ઓગસ્ટની સાંજે ભાજપ વિરોધી તમામ પક્ષો ફારૂક અબદુલ્લાના ગુપકર રોડ પરના ઘરે ભેગા થયા ને મોદી સરકારના આ પગલાં સામે લડવા માટે એક થવાનો નિર્ણય લીધો. ફારૂક અને ઉમર અબદુલ્લા ઉપરાંત મહેબૂબા મુફતી, સજા ગની લોન, એમ. વાય. તારીગામી, શાહ ફૈઝલ સહિતની જમ્મુ અને કાશ્મીરની બરબાદી માટે કારણભૂત બધી વેજાએ ભેગા મળીને જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370 ફરી સ્થાપિત કરાવવા ઠરાવ કર્યો.
આ ઠરાવ ગુપકર રોડના ઘરે થયેલો તેથી તેને ગુપકર ઠરાવ કહે છે ને આ ઠરાવ કરાનાર પક્ષોને ગુપકર જોડાણ નામ અપાયું. મોદી સરકારે બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી કાશ્મીરના બધા નેતાઓને ઉઠાવીને કાં જેલમાં નાખી દીધેલા કાં નજરકેદ કરી દીધેલા તેથી બધું ઠરી ગયેલું પણ આ વરસે એક પછી એક બધા નેતા બહાર આવી ગયા એટલે તેમણે ફરી ગુપકર જોડાણનો ઉપાડો લીધો છે. આ જોડાણની બીજી બેઠક 22 ઓગસ્ટ, 2020ના દિવસે ફરી અબ્દુલ્લાના ઘરે મળી ને તેમાં બીજા ઠરાવ પર છ પક્ષોએ સહી કરી હતી. એ વખતે અબદુલ્લાની નેશનલ કોન્ફરન્સ, મહેબૂબાની પીડીપી, કોંગ્રેસ, સીપીએમ, સજ્જાદ ગની લોનની જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ અને અવામી નેશનલ કોન્ફરન્સ એ છ પક્ષો ગુપકર જોડાણમાં હતા પણ પછી કોંગ્રેસ ખસી જતાં હવે પાંચ પક્ષો બચ્યા છે.
આ પક્ષોનો એજન્ડા સ્પષ્ટ છે. એ લોકો જમ્મુ અને કાશ્મીરને ભારતનાં બીજાં રાજ્યોની સમકક્ષ ગણવા તૈયાર નથી. તેમને જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો જોઈએ છે, જમ્મુ અને કાશ્મીરના લોકોને વિશેષ અધિકારો જોઈએ છે, જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પણ જોઈએ છે. ટૂંકમાં જમ્મુ અને કાશ્મીર પહેલાં જે વિશેષાધિકારો ભોગવતું એ બધા વિશેષાધિકારો જોઈએ છે, દેશ તેમનો બોજ ઉઠાવે પણ દેશનાં લોકોનો જમ્મુ અને કાશ્મીરમાં કોઈ અધિકાર ન હોય એવી સ્થિતિ જોઈએ છે. દેશમાં બધાં લોકો સમાન હોય. મોદી સરકારે બંધારણની કલમ 370 નાબૂદ કરીને એ દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. આ પગલાંને એ લોકો રદ કરવા માગે છે. એ દેશના હિતમાં નથી એ કહેવાની જરૂર નથી.
ડીડીસીનાં પરિણામોમાં ગુપકર જૂથનો દબદબો રહ્યો ને ભાજપ કાશ્મીર ખીણમાં વિશેષ પ્રવેશ ન કરી શક્યો તેના સૂચિતાર્થ શું એ પણ સમજવાની જરૂર છે. જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નથી પણ વિધાનસભા તો છે જ તેથી ગમે ત્યારે ચૂંટણી થશે જ. દિલ્હીમાં જે રીતે વિધાનસભા છે ને રાજ્ય સરકાર રચાય છે એ રીતે જમ્મુ અને કાશ્મીરમાં રાજ્ય સરકાર બનશે. જમ્મુ અને કાશમીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન થયું એ પહેલાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની કુલ સભ્યસંખ્યા 111 ધારાસભ્યોની હતી. આ પૈકી 24 બેઠકો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ની ગણીને ખાલી રખાય છે કેમ કે એ વિસ્તાર ભારતનો જ છે. બાકી રહેલી 87 બેઠકોમાંથી જેને બહુમતી મળે તેની સરકાર રચાય એવી વ્યવસ્થા અત્યાર સુધી હતી.
લદાખમાંથી વિધાનસભાની ચાર બેઠકો હતી જ્યારે કાશ્મીર ખીણમાંથી 46 અને જમ્મુમાં 37 બેઠકો હતી. લદાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો એટલે તેની 4 બેઠકો ઓછી થઈ તેથી 107 બેઠકો બચી છે. જમ્મુ અને કાશ્મીરના વિભાજનના ખરડા પ્રમાણે તેમાં 7 બેઠકોનો વધારો થયો છે. ચૂંટણી પંચ નવું સીમાંકન કરશે તેના આધારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની નવી 114 બેઠકો રચાશે. આ બેઠકો જમ્મુ વિભાગમાં ઉમેરાય તો પણ કાશ્મીર ખીણની 46 અને જમ્મુની 44 બેઠકો રહે. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની સરકાર ન રચાય ને ગુપકર જોડાણ ચડી બેસે એટલે એ લોકો કાશ્મીરના શું હાલ કરે એ કહેવાની જરૂર નથી. બંધારણીય જોગવાઈના કારણે કલમ 370 ભલે પાછી ન આવે પણ રાજ્ય સરકાર કલમ 370 ને 35 એ અસ્તિત્વમાં હોય એ રીતે જ વર્તે. બંધારણીય સુધારાનો અમલ ન કરે તેથી કલમ 370 ને 35 એ નાબૂદ થઈ તેનો અર્થ ન રહે. સરવાળે આપણે ત્યાંના ત્યાં આવીને ઊભા રહી જઈએ કે જ્યાં પહેલાં હતા. મોદી સરકાર બહુ બહુ તો રાજ્ય સરકારને ઘરભેગી કરી શકે પણ તેના કારણે સ્થિતિ ન બદલાય એ જોતાં ગુપકર જોડાણનો પ્રભાવ દેશના ફાયદામાં નથી.