જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ,એક જવાનને થઇ ઈજા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયા છે. તો આ હુમલામાં એક અન્ય સીઆરપીએફ જવાન ઈજાગ્રસ્ત થયો છે. હુમલો પુલવામાના પિંગલાનામાં થયો છે. અહીં આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક પોલીસ કર્મી શહીદ થયો અને સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી છે. આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં કરવા માટે સૈન્ય મોકલવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે મામલાની જાણકારી આપતા જણાવ્યું કે આ ક્ષેત્રની ઘેરાબંધી કરવામાં આવી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરી ઘટનાની જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે આતંકીઓએ પુલવામાના પિંગલાનામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ હુમલાના થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં લશ્કર તૈયબા સાથે સંબંધ રાખનાર એક આતંકીને પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. આ આતંકીની ઓળખ નસીર અહમદ ભટના રૂપમાં થઈ હતી. જાણવા મળ્યું કે હાલમાં એક એનકાઉન્ટર દરમિયાન તે ભાગવામાં સફળ રહૃાો હતો. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે તે ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ રહૃાો હતો.