ભારતમાં હવે કોઈપણ બાબતને હિંદુ-મુસ્લિમ એંગલ આપી દેવાનું સામાન્ય બની ગયું છે. કોઈ એકદમ સાચા પણ કહેવાતા હિંદુવાદીઓને કડવી લાગે એવી વાત કરે કે તરત જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા માંડે છે. તેના પર હિંદુ વિરોધી ને મુસ્લિમોનો હમદર્દ હોવાનું લેબલ લગાવીને ગાળો ભાંડવાનો કાર્યક્રમ શરૂ થઈ જાય છે. કૉંગ્રેસી હોવાનો થપ્પો લગાવીને સાવ વાહિયાત કહેવાય એવી વાતો ચલાવીને જે તે વ્યક્તિનું ચારિત્ર્યહનન કરવાનો ગંદો ખેલ શરૂ થઈ જાય છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ એક કેસમાં અન્ય દ્વારા મોહમ્મદ પયગંબર સાહેબ વિશે કરેલી ખરાબ કોમેન્ટ બદલ ભાજપની ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ઝાટકણી કાઢી પછી એ જ ધંધો શરૂ થઈ ગયો છે. નૂપુર શર્માએ પયગંબર સાહેબ વિરુધ્ધ કરેલી ટીપ્પણીના કારણે ઢગલાબંધ એફઆઈઆર નોંધાઈ છે. નૂપુરે પોતાની સામે દેશમાં અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી તમામ એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટના બે જજની બેંચ સામે આ કેસ આવ્યો ત્યારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ નૂપુરનાં છોતરાં ફાડી નાંખતી ટીપ્પણીઓ કરી.
બંને માનનીય જજે કહ્યું કે, નૂપુરે કોઈ પરિણામ વિશે વિચાર્યા વિના બિનજવાબદાર રીતે નિવેદન આપ્યું તેના કારણે દેશમાં ભડકો થઈ રહ્યો છે. અત્યારે દેશમાં જે પણ થઈ રહ્યું છે, તેના માટે આ મહિલા એકલી જવાબદાર છે તેથી તેણે ટીવી પર આવવું જોઈએ અને દેશની માફી માગવી જોઈએ. નૂપુર પહેલાં માફી માંગી ચૂકી છે પણ બંને જજે કહ્યું કે, નૂપુરે વિલંબથી અને શરતી માફી માગી છે પણ તેણે બિનશરતી માફી માંગવી જોઈએ. નૂપુર સામે
હજુ કેમ કાર્યવાહી નથી થઈ એવો સવાલ પણ તેમણે કર્યો.
જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ સૂર્યકાન્તે બીજી પણ ઘણી વાતો કરી. તેનાથી કહેવાતા હિંદુવાદીઓને મરચાં લાગી ગયાં છે. તેમણે બંને જજને નિશાન બનાવીને સોશિયલ મીડિયા પર સાવ બકવાસ કહેવાય એવા મેસેજીસ ફરતા કરીને દાવો કર્યો છે કે, નૂપુરની ઝાટકણી કાઢનારા જસ્ટિસ પારડીવાલા તો ૧૯૮૦માં કૉંગ્રેસના ધારાસભ્ય હતા ને વિધાનસભાના સ્પીકર પણ હતા. જસ્ટિસ વિશે બીજા પણ ઘણા બકવાસ ચલાવાઈ રહ્યા છે. મજાની વાત એ છે કે, જસ્ટિસનો ભૂતકાળ જાણતા હોવાનો દાવો કરનારાંને તેમનું સાચું નામ પણ ખબર નથી. એ લોકો પારડીવાલાને ‘પાદરીવાલા’ કહી રહ્યા છે.
જસ્ટિસ પારડીવાલાએ નૂપૂર વિશે જે કંઈ કહ્યું એ તેમનો અધિકાર છે તેથી તેની સામે સવાલ ન કરી શકાય પણ તેના આધારે તેમને મુલવવા નીકળેલા ગમાર લોકોને
જસ્ટિસ પારડીવાલાના યોગદાન વિશે ખબર જ નથી. પારડીવાલાએ ગુજરાત હાઈ કોર્ટના જજ તરીકે હજારેક ચુકાદા આપ્યા હશે પણ તેમના બે ચુકાદા પર જ ધ્યાન આપીએ તો ખબર પડે કે, આ માણસ વોટ્સએપિયાઓ કરતાં વધારે દેશભક્ત છે, આ દેશની તેમને વધારે ચિંતા છે.
મોદી સરકાર જેનો જશ ખાટે છે એ ટ્રિપલ તલાકની પ્રથા ખોટી છે એવું બોલનારા જસ્ટિસ પારડીવાલા પહેલા મરદ હતા. ગુજરાત હાઈ કોર્ટના જજ તરીકે તેમણે નવેમ્બર ૨૦૧૫માં ચુકાદો આપેલો કે, કુરાનમાં બહુપત્નિત્ત્વને શરતી મંજૂરી છે, મુસ્લિમ પર્સનલ લો દ્વારા માન્યતા મળેલી છે તેથી તેને ગેરકાયદેસર ના ગણી શકાય પણ બહુપત્નિત્ત્વનો કામેચ્છા માટે મુસ્લિમ પુરૂષો દ્વારા દુરૂપયોગ કરાતો હોવાથી તેમને અટકાવવાની જવાબદારી મૌલવીઓની છે.
દેશમાં તમામ નાગરિકોને બંધારણીય અધિકારો સમાન રીતે મળી રહે તે માટે સમાન સિવિલ કોડ લાવવા પ્રયાસ કરવો જોઇએ. જસ્ટિસ જે. બી. પારડીવાલાએ ૨૦૧૫ના ડીસેમ્બરમાં પાટીદાર નેતા હાર્દિક પટેલની રાજદ્રોહના કેસને રદ કરવાની અપીલની સુનાવણી દરમિયાન કહેલું કે, કોઈ મને દેશને બરબાદ કરનાર કે તેને સાચી દિશામાં આગળ વધતા અટકાવનારી બે બાબતોનું નામ પૂછશે તો હું અનામત અને ભ્રષ્ટાચારને ગણાવીશ. દેશની આઝાદીના ૬૫ વર્ષ પછી પણ અનામતની માંગણી કરવી એ નાગરિક માટે ખૂબ જ શરમજનક છે. આપણું બંધારણ ઘડાયું ત્યારે ૧૦ વર્ષ સુધી અનામત રહેશે એવું મનાતું હતું પણ કમનસીબે આઝાદીના ૬૫ વર્ષ પછી પણ અનામત ચાલુ છે.
પારડીવાલાની ટિપ્પણીથી ભડકેલા ૫૮ સાંસદોએ જસ્ટિસ પારડીવાલા સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવા દરખાસ્ત મૂકી હતી. વિવાદ ટાળવા જસ્ટિસ પારડીવાલાએ ચુકાદામાંથી અનામત અંગેની ટિપ્પણીઓ દૂર કરી હતી. સમાન સિવિલ કોડ અને અનામત મુદ્દે બોલતાં છપ્પનની છાતીવાળા નેતાઓની પણ ફાટે છે ત્યારે તેના વિશે બેધડક બોલનારા જસ્ટિસ પારડીવાલાને દેશવિરોધી કે કૉંગ્રેસી કઈ રીતે ગણી શકાય? સોશિયલ મીડિયા પર કોઈએ ફેંકેલા હળાહળ જૂઠાણાના પડીકાને ફોરવર્ડ કરીને આગળ ધકેલતા ગમારોને એ પણ ખબર નથી કે, જસ્ટિસ પારડીવાલા કદી ધારાસભ્ય હતા નહીં તેથી કૉંગ્રેસી ધારાસભ્ય હોવાનો સવાલ જ પેદા થતો નથી. તેમના પિતા બરજોરજી પારડીવાલા વલસાડ વિધાનસભા બેઠક પરથી ૧૯૮૫માં કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા. બરજોરજી પારડીવાલા ૧૯ જાન્યુઆરી ૧૯૯૦થી ૧૬ માર્ચ ૧૯૯૦ના ત્રણ મહિનાના ટૂંકા ગાળા માટે જ વિધાનસભાના સ્પીકર હતા.
વોટ્સએપના મેસેજ ફોરવર્ડિયાઓને બાપ અને બેટામાં ફરક નથી લાગતો તેનાથી મોટું ગમારપણું શું કહેવાય ? કમનસીબી એ છે કે, ગુજરાતીઓ હોંશે હોંશે આ મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છે. જસ્ટિસ પારડીવાલા ગુજરાતી છે, તેમનો ઉછેર ગુજરાતમાં થયો, શિક્ષણ ગુજરાતમાં થયો, કર્મભૂમિ ગુજરાતી છે ને ગુજરાત હાઈ કોર્ટમાં ન્યાયાધિશ
તરીકે કામ કરી ચૂક્યા છે. આમ છતાં ગુજરાતીઓ જસ્ટિસ પારડીવાલા મુસ્લિમ છે ને ૧૯૮૦ના દાયકામાં કૉંગ્રેસના ધારાસભ્ય હતા એવા મેસેજ ફોરવર્ડ કરે છે એ જોઈને શરમ આવે છે. જસ્ટિસ પારડીવાલા મુસ્લિમ નહીં પણ પારસી છે એવું કહીને કોઈ ગુજરાતી જસ્ટિસ પારડીવાલાનો બચાવ કરવા આગળ આવતો નથી, તેમના વિશે ફેલાવાતી વાતો નરાતર જૂઠાણાં છે એવું કહેવાની હિંમત બતાવતો નથી.
જસ્ટિસ પારડીવાલા ગુજરાતના પનોતા પુત્ર છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ બન્યા હોય એવા ગુજરાતીઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે ત્યારે ગુજરાતીઓને તેમના માટે ગર્વ થવો જોઈએ, તેમની સિદ્ધિને વધાવવી જોઈએ. તેના બદલે ગુજરાતીઓ જસ્ટિસ પારડીવાલાને ગાળો આપે છે, કૉંગ્રેસી ને મુસ્લિમ હોવાનો ખોટાં લેબલ લગાડનારા ગમારોની પંગતમાં બેસીને ભાંડે છે. અંધભક્તિ માણસને એ હદે આંધળા બનાવી દે કે સામી ભીંતે લખાયેલું સત્ય પણ ન દેખાય તેનો આ પુરાવો છે.