જાંબાઝ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આખરે દુબેને મોતને ઘાટ ઉતારી દીધો

અંતે ઉત્તર પ્રદેશનો ગેંગસ્ટર વિકાસ દુબે ઝડપાઈ ગયો. અને એનું એન્કાઉન્ટર પણ થતાં એ મોતને ઘાટ ઉતરી ગયો. કાનપુર પાસેના બિકરૂ ગામમાં આઠ પોલીસોની હત્યા કર્યા પછી ફરાર થઈ ગયેલા વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજજૈનમાંથી ઝડપી લેવાયો. દુબે મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયેલો ને પકડાઈ ગયો એવા અહેવાલ આવ્યા છે પણ એ કઈ રીતે પકડાયો એ વિશે ગૂંચવાડો છે. મીડિયા, મધ્ય પ્રદેશ પોલીસ ને મંદિરના ગાર્ડ એ ત્રણેય પાસે દુબે કઈ રીતે પકડાયો તેની અલગ અલગ કથાઓ છે. તેના કારણે દુબેને પોલીસ પકડ્યો કે તેણે શરણાગતિ સ્વીકારી એવો નવો વિવાદ ઊભો થઈ ગયો છે. દુબેને પોલીસે પકડ્યો હોય તો બરાબર છે પણ દુબેએ શરણાગતિ સ્વીકારી હોય તો આખી વાત બદલાઈ જાય છે.
દુબેને ખબર જ હોય કે આ ખેલ મોતનો છે એટલે એ શરણાગતિ સ્વીકારે એ વાતમાં કોઈ તથ્ય નથી. કાતિલ મહેનત કરીને ઉત્તર પ્રદેશ પોલીસે આ ખતરનાક ગુંડાને પકડ્યો તો યોગી વિરોધી મીડિયાનું બકબક ચાલુ થઈ ગયું કે આ તો દુબેની શરણાગતિ છે. શહેનાઈવાળો ને શેઠની વારતામાં કલાકારે બહુ મહેનત કરીને શરણાઈ બજાવી પછી બેવકૂફ અને લોભી શેઠ કહે છે કે પોલું છે તે બોલ્યું એમાં કરી તેં શી કારીગરી, સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. આ બધી એના જેવી વાત છે. પરંતુ ઉત્તર પ્રદેશની જનતા એ જાણે છે કે દુબે કેટલો ભારાડી હતો અને એ પણ જાણે છે કે યોગી સિવાય કોઈ એનો શિકાર કરી શકે નહિ.
મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ એવો દાવો કર્યો છે કે, મધ્ય પ્રદેશની જાંબાઝ પોલીસે દુબેને પકડી લીધો છે. દુબે ઉજ્જૈનમાં ઘૂસ્યો છે એવા ઈન્ટેલિજન્સના રિપોર્ટ મળેલા તેથી પોલીસે પાકો બંદોબસ્ત ગોઠવી દીધેલો. સવારના પહોરમાં દુબે મહાકાલ મંદિરમાં આવ્યો ને પોલીસે તેને ઊંચકી લીધો. મહાકાલ મંદિરના કારભારી જુદી કથા સંભળાવે છે ને દુબે પકડાયો તેનો જશ પોતે ખાટે છે. તેમના કહેવા પ્રમાણે, દુબે વહેલી સવારે આઠ વાગ્યે મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયેલો ને મંદિરનો ગાર્ડ તેને ઓળખી ગયો તેમાં દુબેની વાટ લાગી ગઈ. ગાર્ડે દુબેને ન્યુઝમાં જોયેલો તેથી તેને ઓળખી ગયેલો પણ છતાં ખાતરી કરવા તેણે આઈડેન્ટિટી કાર્ડ માંગ્યું. દુબેએ ખોટું કાર્ડ આપ્યું એટલે ગાર્ડને શંકા ગઈ તેથી તેણે રોકાવા કહ્યું પણ ગભરાઈને દુબે ભાગવા માંડ્યો તેથી બીજા ગાર્ડ પણ તેની પાછળ દોડ્યા. દુબેને તેમણે ઝબ્બે કર્યો ને કાંઠલો પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા.
મીડિયાનો દાવો છે કે, દુબેને કોઈએ પકડ્યો ન હતો પણ તેણે સામેથી શરણાગતિ સ્વીકારી હતી. ઉત્તર પ્રદેશનું મીડિયા ઘણીવાર યોગી આદિત્યનાથની મહેનતને ન્યાય નથી આપી શકતું. આ દુબેને ઝડપી લેવા અને ઝડપાયા પછી એનું એન્કાઉન્ટર કરવા આદિત્યનાથ એક મુખ્યમંત્રી તરીકે સતત જાગતા રહ્યા છે અને પોતે જ સમગ્ર પ્રકરણનું જાતે સંચાલન કરીને પોલીસતંત્રને માર્ગદર્શન આપીને એ દુબેનો એક જૉંબાઝને શોભે એમ શિકાર કર્યો છે. સવારે આઠ વાગ્યે મહાકાલ મંદિરમાં દર્શન કર્યા પછી દુબે નિરાંતે મંદિરમાં બેઠેલો ને પોતાની ઓળખાણ આપીને પોલીસને ફોન કરવા કહ્યું.
મંદિરમાંથી ફોન ગયો પછી પોલીસ હાંફળીફાંફળી આવી ને દુબેને લઈ ગઈ. આ ત્રણેયમાં સરકારનો દાવો વધારે ભરોસાપાત્ર છે કેમ કે, દુબે મહાકાલ મંદિરની ઓફિસમાં નાંખેલા સોફામાં નિરાંતે બેઠો છે એવી તસવીર મીડિયામાં પ્રગટ થઈ છે પણ એ તો પોલીસે જાત મહેનતથી એને ઝડપી લીધો પછીની છે. પોલીસ દુબેને લઈ જાય છે એ વખતનો વીડિયો પણ બહાર આવ્યો છે ને તેમાં દુબે “ખલનાયક’ ફિલ્મના સંજય દત્તની સ્ટાઈલમાં એલાન કરે છે કે, હાં, મેં હૂં વિકાસ દુબે, કાનપુરવાલા. હકીકતમાં પોલીસનો પ્રસાદ ખાધા પછી પોલીસના કહેવાથી જ એ એમ બોલતો હતો. ઉત્તર પ્રદેશની પોલીસ છેલ્લા બે દિવસથી મહાકાલ મંદિર આજુબાજુ આંટાફેરા મારતી હતી. પોલીસને શંકા હતી કે એ કદાચ અહીં આવે.
બીજું એ કે, મહાકાલ મંદિરમાં પણ એ વીઆઈપી પાસ પર દર્શન કરવા ગયેલો. તેનો સંતાઈ રહેવાનો ઈરાદો હોય તો એ મહાકાલ મંદિર જેવા ભીડભાડવાળા સ્થળે દર્શન કરવા જ ન જાય. મહાકાલ મંદિરમાં સીસીટીવી કેમેરા છે ને લોકડાઉન પછીની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પોલીસ પણ ઢગલાના ભાવે ખડકાયેલી છે. આવા જાહેર સ્થળે જાઓ એટલે પકડાઈ જવાનો ખતરો કેટલો મોટો હોય એ દુબે જેવા ખેલાડીને સમજાવવાનું ન હોય. એ સંતાઈ રહેવા માગતો હોય તો બહાર જ ના નિકળ્યો હોત એ જોતાં તેણે શરણાગતિ સ્વીકારી હોય એ શક્યતા છે. પરંતુ બીજી હકીકત એ છે કે દુબે પોતાને બહુ ખેપાન માનતો અને પોતે પકડાઈ નહિ જાય એવો એનો વધારે પડતો આત્મવિશ્વાસ હતો એમાં એ ગોથું ખાઈ ગયો ને આખરે માર્યો ગયો.
દુબેને પોતાને કશું થવાનું નથી તેનો ભરોસો હોય તો જ મંદિરે જવાનું કર્યું હોય ને? ને આ ભરોસો એને વધુ પડતા આત્મવિશ્વાસને કારણે હતો. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની એટલી ધાક તો છે જ કે નાસતા ફરતા દુબેને કોઈ સંઘરવા તૈયાર ન હોય. કોઈ રાજનેતા પણ લોકો દુબેને અભય વચન અપાવી શકે છે એટલા શક્તિશાળી નથી. દુબેને એન્કાઉન્ટરમાં પૂરો કરી દીધા પછી પણ યોગી સરકાર સામે પ્રશ્નાર્થ થશે પણ વાસ્તવિકતા એ છે કે યોગીએ છ દિવસમાં આકાશ પાતાળ એક કરીને છેવટે એને પાડી દીધો.
કાનપુરમાં આઠ પોલીસોની હત્યા કર્યા પછી દુબે ફરાર થઈ ગયેલો ને દુબેને પકડવા માટે યોગી સરકારે જબરદસ્ત નાકાબંધી કરી નાંખેલી. યોગીએ પોલીસની અનેક તો ટીમ બનાવી નાંખેલી ને દુબે છટકી જ ન શકે એવી પાકી ગોઠવણ કરી દીધેલી. ઉત્તર પ્રદેશની સરહદો સીલ કરી દેવાયેલી ને બહાર જતા એકેએક વાહનની ચકાસણી કરાતી હતી. આ સંજોગોમાં દુબે ઉત્તર પ્રદેશમાંથી પકડાઈ જવો જોઈતો હતો પણ તેના બદલે એ મધ્ય પ્રદેશમાંથી પકડાયો એટલી દુબેની પોતાની બહારવટિયા જેવી કુનેહ હતી. ગુનેગારો બુદ્ધિ વગરના તો હોતા નથી અને કેટલાક અપરાધીઓમાં તો વધારાની બુદ્ધિ હોય છે ને દુબે એવો જ હતો. છતાં યોગીના હાથ એટલા લાંબા હતા કે મહાકાળના મંદિર બહાર યોગીનો પંજો પહોંચી ગયો. ઉત્તર પ્રદેશ પોલીસની ઈન્ટેલિજન્સ શાખાએ મધ્ય પ્રદેશની પોલીસને સાથે રાખીને આ યોજના પાર પાડી છે.
દુબે ઉત્તર પ્રદેશમાંથી હેમખેમ ને સાજોનરવો બહાર નિકળી ગયો એ વાત મોટી છે. વધારે મોટી વાત એ કહેવાય કે, દુબે પાંચ દિવસમાં પાંચ રાજ્યોમાં ફરેલો. દુબે ઉજજૈન રાજસ્થાનના કોટામાંથી ઘૂસેલો એવું કહેવાય છે. ઉત્તર પ્રદેશથી એ દિલ્હી ગયેલો ને દિલ્હીથી હરિયાણા થઈને પછી રાજસ્થાનમાં આવેલો. રાજસ્થાનથી એ ઉજ્જૈન પહોંચ્યો ને ત્યાં તેની કથા પૂરી થઈ પણ એ પહેલાં પાચં રાજ્યોમાં એ નિરાંતે ફર્યો. તેનો અર્થ એ થાય કે, પાંચેય રાજ્યોની પોલીસે તેને કશું ન કર્યું. એક ગુંડાની આટલી બધી ચાલાકી હોય એ બહુ મોટી વાત કહેવાય ને છતાં યોગીએ એનો પીછો છોડ્યો ન હતો.
જો કે યોગી દુબેને કશું કરી શકશે કે કેમ તેમાં શંકા ધરાવતા લખાણો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. દુબે ફરાર થયો પછી સોશિયલ મીડિયા પર જ્ઞાતિવાદી કોમેન્ટ્સનો મારો ચાલ્યો. દુબે બ્રાહ્મણ છે ને ઉત્તર પ્રદેશના હળાહળ જ્ઞાતિવાદી રાજકારણમાં બ્રાહ્મણોની અવગણના થઈ શકે તેમ નથી. આ સંજોગોમાં દુબેને પતાવવા જતાં બ્રાહ્મણો નારાજ થઈ જાય એ જોખમ છે ને યોગી એ જોખમ ઉઠાવશે કે કેમ તેમાં શંકા છે એમ પણ લોકો કહેતા હતા. પરંતુ અપરાધીને કોઈ જ્ઞાતિ હોતી નથી એ ન્યાયે યોગીએ જાતિપાંતિ ધ્યાનમાં રાખ્યા વિના જ બધી વિધિ કરીને દુબેનો ખેલ ખતમ કરી નાંખ્યો છે.