જાતીય અત્યાચારના કિસ્સાઓમાં અદાલતોનું આકરું વલણ જરૂરી છે

ભારતમાં ન્યાયતંત્રની ભારે પ્રતિષ્ઠા છે અને સામાન્ય લોકોને હજુય ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. ન્યાયતંત્રમાં પણ નીચલી કોર્ટોમાં તો બધું રામભરોસે ચાલે છે પણ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર તો લોકોને ભારે શ્રદ્ધા છે પણ છેલ્લા કેટલાક સમયથી હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટો બળાત્કાર અને સેકસ્યુઅલ હેરેસમેન્ટ-એટેકના મુદ્દે જે ચુકાદા આપે છે કે નિર્ણયો લે છે તેના કારણે આઘાત લાગી જાય છે. સદનસીબે હાઈ કોર્ટો દ્વારા કરાતા છબરડા સુપ્રીમ કોર્ટ દ્વારા સુધારી લેવાય છે પણ એ પછી પણ હાઈ કોર્ટ જેવી ન્યાયતંત્રની ઉચ્ચ સંસ્થા આવા છબરડા કરે એ આઘાતજનક તો કહેવાય જ. સુપ્રીમ કોર્ટ પોતે પણ હાઈ કોર્ટના આવા છબરડાથી આઘાત પામી જાય છે. હાઈ કોર્ટને બહુ કહેવાય તો નહીં પણ સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટોના ચુકાદા કે નિર્ણયો બદલતી વખતે જે કોમેન્ટ કરે છે તેના પરથી સુપ્રીમ કોર્ટની નારાજગી દેખાઈ જ આવે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે સેકસ્યુઅલ એટેકના કેસમાં મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે આપેલા જામીન રદ કરતી વખતે આ રીતે જ ખુલ્લી નારાજગી વ્યક્ત કરી.

મધ્ય પ્રદેશના આ કેસમાં છોકરી પર જાતીય હુમલો કરનાર યુવકના જામીન મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે વિચિત્ર શરતે મંજૂર કરેલા. મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ઈન્દોર બેંચે જાતીય હુમલો કરનાર યુવક પીડિતા પાસે રાખડી બંધાવીને તેને બહેન માની લે ને રક્ષાબંધને ભાઈ બહેનના ઘરે જઈને તેને ભેટ આપે છે એ રીતે ૧૧ હજાર રૂપિયા ભેટમાં આપે એવી શરતે જામીન આપેલા. હવસખોર યુવક પરીણિત હતો તેથી સાથે પત્નિને પણ લઈ જવાનું ફરમાન હાઈ કોર્ટે કરેલું. હાઈ કોર્ટે ફરમાન કરેલું કે, આરોપી મીઠાઈનું બોક્સ લઈને છોકરીના ઘરે જઈને રાખડી બંધાવે ને તેને વચન આપે કે હવે પછી તેને બહેન માનીને પૂરી તાકાતથી તેનું રક્ષણ કરશે.

જાતીય હુમલા જેવા ગંભીર અપરાધમાં હાઈ કોર્ટ આવી વાહિયાત શરતે જામીન આપી દે એ વાત જ આઘાતજનક હતી. હાઈ કોર્ટે જુલાઈ, ૨૦૨૦માં આરોપીના જામીન મંજૂર કર્યા ત્યારે જ હોહા થઈ ગયેલી પણ ન્યાયતંત્રની વિરુદ્ધ બહુ આક્રમક વલણ લેતાં ને તેની ભૂલો તરફ આંગળી ચીંધતાં મીડિયા પણ ડરે છે તેથી વાત ત્યાં જ દબાઈ ગયેલી. હાઈ કોર્ટના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થયેલી. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટની ભૂલ સુધારીને આરોપીના જામીન જ રદ નથી કર્યા પણ હાઈ કોર્ટને શક્ય એટલા સારા શબ્દોમાં તતડાવી પણ છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ ગંભીર અપરાધ છે ને ગામડાંની પંચાયતોની જેમ રાખડી બાંધી દેવાથી બધું માફ થઈ જાય એવા ચુકાદા આપવાથી કોર્ટોએ દૂર જ રહેવું જોઈએ.

મધ્ય પ્રદેશનો આ કેસ એક છોકરી પર જાતીય હુમલાનો હતો ને ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં બનેલો. વિક્રમ બારગી નામના પરીણિત યુવકે પાડોશમાં રહેતી છોકરીને હવસનો શિકાર બનાવવા હરકતો કરેલી. છોકરીએ હિંમત બતાવીને પોલીસ ફરિયાદ કરી તેમાં બારગી જેલભેગો થઈ ગયેલો. બારગીના પરિવારે માફી માગીને ને બીજી રીતે છોકરીને મનાવવા કોશિશ કરી પણ છોકરી મક્કમ રહી તેથી બારગીને બરાબરની આપત્તિ આવી. બારગીએ જામીન માટે અરજી કરેલી પણ નીચલી કોર્ટે યોગ્ય વલણ બતાવીને અરજી ફગાવી દીધી પછી બારગીએ ૨૦૨૦ના એપ્રિલમાં હાઈ કોર્ટમાં જામીન અરજી કરેલી. ત્રણ મહિના પછી હાઈ કોર્ટે અપમાનજનક શરતે જામીન આપી દીધેલા.

સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતી નવ મહિલા વકીલોએ આ ચુકાદાને પડકારેલો. તેમની દલીલ હતી કે, આ ચુકાદો સ્ત્રી કોઈ ચીજવસ્તુ હોય ને તેનું કોઈ આત્મગૌરવ કે સન્માન ન હોય એ પ્રકારનો છે. આ રીતે તો કોઈ પણ હવસખોર સ્ત્રીની સાથે મનફાવે એ રીતે વર્તશે ને પછી પકડાઈ જશે તો રાખડી બાંધીને છૂટી જશે. મહિલા વકીલોએ ઉઠાવેલો મુદ્દો યોગ્ય હતો ને સુપ્રીમ કોર્ટે એ દલીલને માન્ય પણ રાખી છે.

સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટની ભૂલ સુધારીને સારું કર્યું છે પણ ચિંતાની વાત એ છે કે, હાઈ કોર્ટો દ્વારા આ પ્રકારના ચુકાદા વધતા જાય છે ને વધારે ચિંતાજનક એ છે કે એક કેસમાં સુપ્રીમ કોર્ટે પણ આ જ વલણ લીધેલું. છેલ્લા છ મહિનામાં જ આ એવી ચોથી મોટી ઘટના છે કે જેમાં બળાત્કાર કે સેકસ્યૂઅલ હેરેસમેન્ટ-એટેકના કેસમાં હાઈ કોર્ટ-સુપ્રીમ કોર્ટે આપણે સ્તબ્ધ થઈ જઈએ એવો ચુકાદો આપ્યો હોય અથવા એ પ્રકારનું વર્તન કર્યું હોય.

આપણે જે ચાર કેસની વાત કરીએ છીએ તેમાંથી બે કેસ બોમ્બે હાઈ કોર્ટમાં બનેલા. થોડાક મહિના પહેલાં મુંબઈ હાઈ કોર્ટનાં એક મહિલા જજે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં વિચિત્ર ચુકાદો આપેલો કે, શરીરથી શરીર ન સ્પર્શે એવા કિસ્સામાં મહિલા સાથેનું ગેરવર્તન સેકસ્યૂઅલ એટેક ન કહેવાય. બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ ૧૯ જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે ‘ત્વચા-થી-ત્વચા સંપર્ક વિના’ સગીર પીડિતાની છાતીને સ્પર્શ કરવો તે જાતીય અત્યાચાર ન કહેવાય અને જાતીય હુમલા સામે બાળકોના રક્ષણ માટેના કાયદા પોક્સો હેઠળ જાતીય હુમલો ન કહી શકાય. જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ ચુકાદામાં કહ્યું હતું કે, જાતીય સુખની ઈચ્છાથી ત્વચાનો ત્વચાથી સંપર્ક થાય તેને જ જાતીય હુમલાની ઘટના માનવી જોઈએ. જસ્ટિસ ગનેડીવાલાએ આ ચુકાદો ૩૯ વર્ષના આરોપીને ૧૨ વર્ષની સગીરાનો વિનયભંગ કરવાના કેસમાં આપ્યો હતો ને આરોપીને છોડી મૂક્યો હતો.

લિબનસ કુજુરને નામનો આ આરોપી ૧૨ ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ પીડિતાની માતા કામે ગઈ હતી ત્યારે ઘરમાં ઘૂસ્યો હતો. માતા કામેથી પાછી ફરી ત્યારે તેણે જોયું કે આરોપીએ તેની પુત્રીનો હાથ પકડયો હતો અને તેના ચેન ખુલ્લી હતી. કોર્ટમાં માતાએ જણાવ્યું હતું કે, પુત્રીએ તેને કહેલું કે આરોપીએ અશ્ર્લીલ હરકત કરી હતી ને છોકરીને પલંગ પર સૂવા કહ્યું હતું. આ વિકૃતિની ચરમસીમા જેવી હરકત હતી છતાં કોર્ટે આરોપીને છોડી મૂકેલો. સદનસીબે બંને કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટની ભૂલ સુધારીને આ ચુકાદા રદ કરી દીધેલા.

જો કે હાઈકોર્ટની ભૂલ સુધારનારી સુપ્રીમ કોર્ટે પોતે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિક પ્રોડક્શન કંપનીના કર્મચારીને બળાત્કારના કેસના આરોપી ૨૩ વર્ષના મોહિત સુભાષ ચવાણના કેસમાં આરોપી પીડિતા સાથે લગ્ન કરી લેવા તૈયાર હોય તો તેને માફ કરવાની તૈયારી બતાવેલી. મોહિત સામે આરોપ છે કે, તેણે સ્કૂલમાં ભણતી અને પોતાના સગામાં થતી છોકરીને હવસનો શિકાર બનાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. છોકરી સગીર વયની હોવાથી મોહિત સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ આરોપો મૂકાયા છે.

મોહિતે છોકરી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. આ દુષ્કર્મ બદલ તેને સજા થવી જ જોઈએ. છોકરી સગીર હતી તેથી મોહિતનો ગુનો વધારે મોટો છે પણ ચીફ જસ્ટિસે પોતે મોહિતને છોકરી સાથે લગ્ન માટે તૈયાર હોય તો છોડી દેવાની તૈયારી બતાવેલી. બહુ હોહા થઈ પછી તેમણે પોતે આવી કોઈ વાત નહીં કરી હોવાની સ્પષ્ટતા કરી. સતર્ક મીડિયા અને સમાજસેવી સંસ્થાઓના કારણે બળાત્કારનો આરોપી છૂટી જતાં રહી ગયો પણ હાઈ કોર્ટ જે પ્રકારને છબરડા વાળે છે એ પ્રકારનો છબરડો સુપ્રીમ કોર્ટે પણ લગભગ વાળી જ દીધો હતો.

બળાત્કારના કેસોમાં હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ આ રીતનું વલણ લે એ આઘાતજનક અને શરમજનક કહેવાય. આપણે ત્યાં બળાત્કાર કે જાતીય હુમલાનો ભોગ બનેલી સ્ત્રી કે છોકરીઓને દોષિત માનવાની માનસિકતા છે તેના કારણે ઘણા બધા કિસ્સામાં તો ફરિયાદ નોંધાવવાની હિંમત જ મહિલાઓ કરતી નથી. જે મહિલાઓ હિંમત બતાવે એ મર્દાની કહેવાય ને ખરેખર તો તેમના પડખે ન્યાયતંત્રે ઊભા રહેવાનું હોય. તેમના પર અત્યાચાર ગુજારનારને દાખલો બેસે એવી સજા કરવાની હોય તેના બદલે આ રીતે કુલડીમાં ગોળ ભાંગીને વાતનો વીંટો કરી દેતા ચુકાદા હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ આપે તો પછી છોકરીઓ પાસે તો ન્યાય મેળવવાનો કોઈ આશરો જ નહી રહે. સમાજ તો છોકરીઓને પીડિતા ગણવાના બદલે દોષિત માનતો જ હોય છે. છોકરીએ આમ કર્યું હશે ને તેમ કર્યું હશે એવી વાતો કરીને તેમને માથે દોષારોપણ કરાય જ છે. પોલીસ પણ છોકરીઓને દોષિત માનીને વર્તે છે ત્યારે ન્યાયતંત્ર જ ન્યાય માટેનો છેલ્લો વિકલ્પ છે. આ સંજોગોમાં કમ સે કમ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસોમાં આકરું વલણ બતાવે એ જરૂરી છે.