જાપાની વડા શિંજો આબેની જેમ અનેક રાજનેતાઓ ક્ષેત્ર સન્યાસ કેમ લઈ લે છે ?

વૈશ્વિક સ્તરે ભય, અનિશ્ચિતતા અને ચિંતાનું વાતાવરણ છેે અને રાજકીય ક્ષેત્રે પણ વર્ષોવર્ષથી સત્તાકાળ ભોગવતા રાજનેતાઓ પરત્વે વિરોધના સૂર બુલંદ થઈ રહ્યા છે. જનમાનસના બદલાયેલા પ્રવાહને પાછો વાળવા માટે કેટલાક સત્તાના કોરડાનો સહારો લઈ રહ્યા છે, ત્યારે કેટલાક ચતુર અને વિચક્ષણ નેતાઓ સમયને પારખીને પોતાનો રસ્તો કરી લેવામાં જ આપ સલામતીને સમજી રહ્યા છે અને સામે ચાલીને સત્તાના સિંહાસનને ખાલી કરીને વિદાય લઈ રહ્યા છે. ધમાકેદાર પ્રવેશ જેમ દરેક નાટકનું આકર્ષણ હોય છે, તેમ સન્માનજનક વિદાય એ કિરદારની મહાનતાનો માપદંડ બની રહે છે અને આ પ્રકારની મહાનતા જ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ દર્શાવતા સુદીર્ધ કાર્યકાળ બાદ એકાએક જ રાજીનામું આપી દીધું છે.
ઉગતા સૂર્યના દેશની રાજનીતિનો ઈતિહાસ વિવાદો અને કૌભાંડોના કાદવમાં ખરડાયેલો રહ્યો છે. વિશ્વના ટોચના ટેક્નોલોજિકલ હબમાં સ્થાન ધરાવતા આ દેશમાં 21મી સદીના પ્રારંભે ભારે રાજકીય અસ્થિરતા સર્જાઈ હતી અને દર વરસે નવા-નવા નેતાઓ પોતાની અંગત મહત્વાકાંક્ષાને રાષ્ટ્રગૌરવ સાથે જોડીને સત્તા હાંસલ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા, તેવા વિકટ સમયમાં ઈ. સ. 2006માં શિંજો આબેએ પહેલી વખત જાપાનના શાસનની ધૂરા સંભાળી હતી. પહેલી વખત 366 દિવસ સુધી વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સંભાળ્યા બાદ તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપી દીધું હતુ. જે પછીના છ વરસના કાર્યકાળમાં જાપાનના વડાપ્રધાનની ખુરશી પર જુદા-જુદા પાંચ નેતાઓ આરૂઢ થયા પણ કોઈ ચિરકાલીન શાસક તરીકેનો પ્રભાવ જમાવી ન શક્યા.
રાજકીય અનિશ્ચિતતાથી રુંધાઈ રહેલા વિકાસને કારણે જાપાનીઝ પ્રજા કંટાળી ગઈ હતી. તેઓને એક વિઝનરી નેતાની તલાશ હતી જે લાંબા સમય સુધી સ્થિરતાપૂર્વક દેશને આગળ લઈ જઈ શકે અને તે શાણી પ્રજાએ ડિસેમ્બર, 2012માં ફરી શિંજો આબેને સત્તા પર બેસાડ્યા. પ્રજાની નાડ પારખનારા કુશળ વહીવટકાર આબેએ ત્યાર બાદ 2014 અને 2017 એમ બે વખતની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે પોતાના સત્તાકાળને લંબાવ્યો અને જાપાનના ઈતિહાસના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન બની રહેવાનો વિક્રમ પણ સર્જી દીધો હતો. એવો વિક્રમ અગાઉ તો તેમના કાકા એઈસાકૂ સાતોના નામ સાથે જોડાયેલો હતો, જેઓ 1965 થી 1972 સુધી જાપાનના વડા રહ્યા હતા. જાપાનિઝ પ્રજાનો ભરોસો વરસોવરસ સુધી ટકાવી રાખનારા આબેનું રાજીનામું પણ વિશિષ્ટ પરિસ્થિતિમાં આવ્યું છે.
તેમને કોઈ વિવાદ કે ચૂંટણીની હારને કારણે નહિ પણ પેટના અસાધ્ય રોગને કારણેે સત્તા છોડવી પડી છે. આબેના કાર્યકાળની વિશેષતા તેમની રાજનેતા તરીકેની કુનેહ અને દૂરંદેશીભરી નીતિઓમાં રહી છે. વર્તમાન સદીમાં વૈશ્વિક રાજકારણમાં છવાયેલા દક્ષિણપંથી નેતાઓમાં આબેનું સ્થાન વિશિષ્ટ છે. જાપાનના રાજકારણ પર તેેમની પકડ જબરજસ્ત છે. રુઢિગત નેતા તરીકેની ઓળખ ધરાવતા આબેના કેટલાક ક્રાંતિકારી નિર્ણયો તેમના વિરોધીઓ અને ટીકાકારોને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવા રહ્યા છે. આર્થિક ક્ષેત્રમાં તેમણે કરેેલા સુધારા અને જાપાન ફર્સ્ટની આક્રમક નીતિને પગલે જાપાનિઝ ઉદ્યોગજગત અને વેપાર સાહસિકોના વર્ગમાં તેઓ ખાસ ચાહના ધરાવે છે.
બીજા વિશ્વયુદ્ધના પરાજય પછી નવસર્જન પામેલા સૈન્યને વધુ તેમણે મજબૂત બનાવવામાં આબેએ સતત ધ્યાન આપ્યું. અભિનવ ટેક્નોલોજી અને સૈન્યની જરુરિયાતો પૂરી કરવા માટેના તેમના પ્રયાસો થકી જ આજે જાપાનની સેના દુનિયાની સૈન્ય શક્તિઓમાં અગ્રહરોળમાં સ્થાન ધરાવે છે. ઉત્તર કોરિયા અને ચીન જેવા દેશો સાથે આર્થિક તેમજ અન્ય ક્ષેત્રોમાં બરોબરી મેળવવા માટે તેમણેે જાપાનને તૈયાર કર્યું અને એટલેે જ આ બદનામ દેશો જાપાનને છંછેડવાની હિંમત સુદ્ધાં કરતાં નથી.
ભારત અને જાપાનના વરસો જૂના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આબેએ એકસરખો અને સક્રિય રસ લીધો અને તેેના જ કારણે બંને દેશોની મિત્રતા વધુ ગાઢ બની છે. વિદેશમાં મૂડીરોકાણ કરવા માટે જાણીતા જાપાનને ભારતની જમીન અને શ્રમશક્તિનો સાથ મળ્યો છે અને આર્થિક રીતે બંંને દેશોએ સાધેેલા વિકાસને દુનિયામાં એક મિસાલ તરીકે જોવામાં આવી રહ્યો છે. મેક ઈન ઈન્ડિયાની જાહેરાત પૂર્વે આ સૂત્રનેે અનુસરીને જો કોઈ દેશ સાથે ભારતે ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ શરુ કર્યું હોય તો તે જાપાન જ છે. પોતાના કાર્યકાળમાં અનેક ચડાવ-ઉતાર જોઈ ચૂકેલા આબેએ ઈ. સ. 2011માં ફુકુશીમામાં થયેલી પરમાણુ દુર્ઘટનાના મુશ્કેલ સમયમાં દેશને સંભાળ્યો હતો.
ટોકિયો ઓલિમ્પિક જેવા પૃથ્વી પરના સૌથી મોટા રમતોત્સવની યજમાની મેળવવાથી શરૂ કરીને તેના આયોજનની તૈયારીઓ પાછળ કરોડોનો ખર્ચ આબેની સરકારેે કર્યો છે અને કોરોના મહામારીને કારણેે ભયંકર આર્થિક ફટકાને સહન કરતાં તેને એક વર્ષ માટે સ્થગિત કરવાનો કડવો ઘૂંટડો પણ આબેએ ગળેે ઉતાર્યો છે.
જાપાનના રાજકારણ પર પોતાના વ્યક્તિત્વ અને કાર્યકાળ થકી આગવી છાપ છોડી જનારા આબેના રાજીનામાથી ઘણા વમળો સર્જાયા છે. હજુ થોડા સમય પહેલા જ આબેના પ્રધાનમંડળમાં સામેલ ન્યાય મંત્રી અને તેમની સાંસદ પત્નીની મતદારોને નાણાં આપીને ખરીદવાના મામલે ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો હતો. આબે પર પણ જાપાનિઝ સંંસદ કે જે ડાયેટના નામે ઓળખાય છે, તેમાં એકહથ્થુ શાસન ચલાવવાનો આરોપ મૂકાતો રહ્યો છેે.
આબેેના સમર્થકોના જમીન ખરીદી વિવાદમાં આબેની પત્નીનું નામ સંકળાયું હતુ અને તેને દસ્તાવેજોમાંથી દૂર કરવા માટે સરકારના દબાણને તાબે ન થનારા નાણાં મંત્રાલયના અધિકારીએ આત્મહત્યા કરી લીધી હતી. જે કેસના કારણે હાલનું જાપાનિઝ રાજકારણ ધગધગી રહ્યું છેે. તેમાં ય નવી પેઢીની પરિવર્તનની ડિમાન્ડ અને કોરોનાને કારણે સર્જાયેલી અતિ વિકટ પરિસ્થિતિની વચ્ચે આબેેનું આરોગ્યલક્ષી રાજીનામું ઘણા સવાલો ઊભા કરે છે. આમ છતાં જાપાનના વિકાસમાં આબેના પ્રદાનને કોઈ વીસરી શકે તેમ નથી.