જાફરાબાદનાં બંદરે સવારથી 3 નંબરનું સિગ્નલ ચડાવાયું

અમરેલી,
અમરેલી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસરનાં પગલે જિલ્લા ભરમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાયા હતાં અને છુટો છવાયો હળવો ભારે વરસાદ ગત મોડી રાત્રીથી આજે દિવસ દરમિયાન શરૂ રહ્યો હતો. જાફરાબાદનાં બંદરે આજે સવારથી 3 નંબરનું સિગ્નલ ચડાવાયું હતું.જાફરાબાદમાં અવાર નવાર વરસાદનાં ઝાપટાઓ શરૂ રહ્યાંનુંફીરોજભાઇ પઠાણે જણાવ્યું હતું. ડેડાણમાં 50 થી 60 કીમીની ઝડપે પવન ફુંકાતા નળીયા અને પતરા ઉડ્યાં હતાં. તેમજ એક ઇંચ વરસાદ પડ્યો હતો તેમ બહાદુરઅલી હિરાણીએ જણાવ્યું છે. પવન અને વરસાદનાં કારણે લોકોને તાઉતે વાવાઝોડાની યાદ આવી હતી. ખાંભાનાં પાટી, રાયડી સહિતનાં ગામોમાં પવન અને ગાજવીજ સાથે એક કલાક મુશળધાર વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ ઉપર પાણી વહેતા થયાં હતાં તેમજ ચિતલ, જશવંતગઢ સહિતનાં ગામોમાં તેમજ અમરેલી શહેરમાં બપોરનાં અડધા ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. લાઠીનાં અકાળામાં પવન સાથે ઝરમર વરસાદ પડ્યાનું રાજુભાઇ વ્યાસની યાદીમાં જણાવ્યું છે. અનિડામાં પવન સાથે ઝરમર વરસાદ પડ્યાનું લલીતભાઇ પરવાડીયાએ જણાવેલ. બાબરામાં અવાર નવાર વરસાદનાં હળવા ઝાપટા પડ્યાનું દિપક કનૈયાની યાદીમાં જણાવાયું છે. બગસરામાં આજે દિવસ દરમિયાન વરસાદનાં ઝાપટા પડ્યાનું રૂપેશ રૂપારેલીયાએ જણાવેલ છે. બાબાપુર, ખીજડીયા, ગાવડકામાં ધોધમાર વરસાદ પડતા ગામ બહાર પાણી વહેતા થયાનું હસમુખ રાવળે જણાવેલ. ચલાલા શહેરમાં બપોરનાં વરસાદનું જોરદાર ઝાપટયુ પડ્યાનું પ્રકાશભાઇ કારીયાએ જણાવેલ. ધારી તાલુકાનાં દલખાણીયા અને આસપાસનાં ગીર પંથક વિસ્તારમાં પવન સાથે હળવા ભારે વરસાનાં ઝાપટા પડ્યાનું યોગેશ સોલંકીએ જણાવેલ. લાઠીમાં બપોરે વરસાદનું ઝાપટુ પડયાનું વિશાલ ડોડીયાએ જણાવેલ. લીલીયાનાં હાથીગઢમાં ઝરમર વરસાદ પડ્યાનું શ્રીકાંતદાદા દવેએ જણાવેલ. ખાંભાનાં મોટા સમઢીયાળામાં પવન સાથે વરસાદનું ઝાપટુ પડ્યાનું ઘનશ્યામભાઇ વરડાંગરે જણાવેલ.