અમરેલી,ભારત સરકાર દ્વારા વધુમાં વધુ આધાર નોંધણી થાય તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમરેલી સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આધારકાર્ડ લગત કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લાકક્ષાની આધાર મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં UIDAI મુંબઈના ડિરેક્ટરશ્રી અને ડેપ્યુટી ડિરેક્ટરશ્રીએ વર્ચ્યુઅલ રીતે ગુગલ મીટથી ભાગ લીધો હતો. બેઠકમાં રજૂ કરવામાં આવેલ પ્રેઝન્ટેશનમાં અમરેલી જિલ્લાની અંદર આધાર નોંધણી બાબત ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં 0-5, 5-18 તથા 18 પ્લસ વર્ષની જનસંખ્યાની વિગતો મુજબ 0-5 વર્ષમાં આવતી જનસંખ્યામાં કુલ 70,930, 5-18 વર્ષમાં આવતી જનસંખ્યામાં કુલ 3,18,367 તથા 18થી વધુની ઉંમરની જનસંખ્યામાં કુલ 12,45,031નું આધાર રજિસ્ટ્રેશન થયું છે. ઓવરઓલ કુલ 16 લાખ, 34 હજાર અને 328 લોકોની આધાર નોંધણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઉપરાંત 1,41,686 લોકોની આધાર નોંધણીની કામગીરી બાકી છે. આ ઉપરાંત ઓવરઓલ આધાર નોંધણીની કુલ ટકાવારી 92.02 ટકા છે. 0-5 તથા 5-18ની ઉંમરમાં આધાર નોંધણીની ટકાવારી ઓછી હોવાના કારણે આધાર નોંધણી વધારવા માટે અધ્યક્ષસ્થાનેથી વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે.