- અમરેલીના કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા કોરોનાને ફેલાતો રોકવા મહત્વનો નિર્ણય
- કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો અને ઇ-ધરા કેન્દ્રો ખાતે અવર જવરને નિયંત્રીત કરવા માટે કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા લેવાયેલ નિર્ણય
- માંઅમૃતમ કાર્ડ માટેનો આવકનો દાખલો, ગંભીર બિમારીમાં પ્રમાણપત્ર આપવાની સતા મામલતદારશ્રીને : નોન ક્રીમીલેયર પ્રમાણપત્રની મુદત માર્ચ 2021 સુધી કરાઇ
અમરેલી,
કોરોના વાયરસના સંક્રમણનો ઝડપથી ફેલાવો થતા દિવસે દિવસે કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. જેથી લોકો તથા કર્મચારીઓ કોરોના વાયરસના સંક્રમણનો ભોગ ન બને તે હેતુથી જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો તથા ઈ-ધરા કેન્દ્રો ખાતે આગળની સૂચના ન મળે ત્યાં સુધી અગત્યની કામગીરી સિવાય અન્ય સેવાઓ માટે જાહેર જનતાની અવરજવર નિયંત્રીત કરવામાં આવે છે.આરોગ્યના હેતુ માટે મા અમૃતમ કાર્ડના હેતુ અર્થે આવકનો દાખલો આપવાનો રહેશે, આવા ઈસ્યુ કરવાના થતા દાખલામાં ફક્ત મા અમૃતમ, મા વાત્સલ્ય યોજના ના કામ અર્થે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. કોઈ ગંભીર બિમારીના અતિ આવશ્યક કિસ્સાઓમાં જરૂરી ખાત્રી કરી સંબંધિત મામલતદારશ્રી જરૂરી પ્રમાણપત્ર દાખલો આપી શકશે. રાજય સરકારદ્વારા ગત વર્ષના આવકના દાખલાની તથા નોન ક્રીમીલીયર આપેલ પ્રમાણપત્રોની મુદત તા.31/03/2021 સુધીની માન્ય કરી હોવાથી શાળા-કોલેજો તથા સંસ્થાઓએ માન્ય રાખવાનાં રહેશે. ચાલુ વર્ષના દાખલા માટે આગ્રહ રાખવાનો રહેશે નહીં.
જરૂર જણાયે તા.30/9/2021 સુધીમાં રજૂ કરવા જણાવવાનું રહેશે.મામલતદાર કચેરીમાં નામ દાખલ, કમી, નવું રેશન કાર્ડ, સરનામાં ફેરફાર વિગેરે રેશનકાર્ડ અંગેની કામગીરીની અરજીઓ આગામી તા.31/7/2020 સુધી માત્ર ઓનલાઈન જ મેળવવાની રહેશે. જે કિસ્સામાં સાધનિક કાગળોની ચકાસણી કરવાની જરૂરિયાત જણાય તેવા કિસ્સામાં જ તે માટે અરજદારશ્રીને રૂબરૂ બોલાવવાના રહેશે તેમ જણાવાયું છે.