જિલ્લામાં કપાસમાં ગુલાબી ઇયળનું આક્રમણ : ધરતીપુત્રો મુશ્કેલીમાં

  • સારા વરસાદને કારણે કપાસમાં જીંડવા પુષ્કળ બેઠા પણ દરેકમાં ઇયળ આવી ગઇ : જ્યાં 25 મણનો ઉતારો આવતો હતો ત્યાં વીઘે એક મણ કપાસ પણ માંડ ઉતરે છે : ખેડુતોએ ખેતરમાંથી કપાસ કાઢવાનું શરૂ કર્યુ

અમરેલી,
ખેતી પ્રધાન અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ સૌથી વધુ ધરતીપુત્રોને નડી ગઇ છે મગફળીના પાકમાં માંડ 25 થી 30 ટકા ઉતારો આવ્યો છે અને ખેડુતોને બી બમણા જેવુ થયુ છે તેને કોઇ કમાણી થઇ નથી પણ કપાસ વાવનારા ખેડુતોની હાલત શિંગ વાવનાર ખેડુત કરતા પણ ખરાબ થઇ છે કપાસના પાકમાં દર વખતની જેમ ગુલાબી ઇયળોનું આક્રમણ થયુ છે.
જે જમીનમાં વીઘે 20 થી 30 મણ સુધી ઉતારો આવતો હતો તેવા વાડી ખેતરોમાં કપાસની પહેલી વીણીમાં માંડ એક મણ કપાસ ઉતરી રહયો છે જ્યારે એક વીઘાનો ખર્ચો દસ હજાર જેવો થતો હોય છે કારણકે કપાસમાં ખાતર, દવા, બિયારણ, મજુરી ચડી જતી હોય છે સરવાળે એક વીઘો ખેડુતના દસ હજાર ખાઇ જાય છે જેની સામે ખેડુતને અડધા પૈસા પણ મળતા નથી ધારીના મીઠાપુરથી શ્રી જયેશભાઇ પેથાણીએ જણાવ્યુ છે કે અહીં અને દલખાણીયા, પાણીયા, કોટડા, સેમરડી, બોરડી જેવા વિસ્તારોમાં તો જીંડવા પુષ્કળ આવ્યા પણ અંદર કપાસને બદલે ઇયળો દેખાતા જેને પાણીની સગવડતા છે તેવા ખેડુતોએ બીજા પાક માટે કપાસને કાઢવાનું શરૂ કરી દીધુ છે. સાવરકુંડલા પંથકના વંડા વિસ્તારમાં પણ ગુલાબી ઇયળે દેખા દીધી હોવાનું વંડા વિસ્તારના વડીલશ્રી મનજીબાપા તળાવીયાએ જણાવ્યુ છે અને તેના કારણે જ્યાં સારામાં સારો ઉતારો દસ મણ સુધીનો આવ્યો છે તો નજીકના મેવાસા જેવા ગામડાઓમાં ખેડુતોએ કપાસ કાઢવાનું શરૂ કરી દીધુ છે જિલ્લાના મોટાભાગના સ્થળોમાં આ સ્થિતી ઉભી થતા કપાસની બીજી વીણીની રાહ જોયા વગર ઇયળો જોઇને ખેડુતો કપાસ કાઢી રહયા છે.