જિલ્લામાં કોંગ્રેસનો ક્રેઝ : સાડાત્રણ હજાર દાવેદારો ઉમટયાં

  • કોંગ્રેસની ટીકીટો મેળવવા માટે કાર્યકર્તાઓ અને લોકોમાં ઉત્સાહ દેખાતા કોંગ્રેસમાં હરખની હેલી 

અમરેલી,
રાજયના ચુંટણી આયોગ દ્વારા સમગ્ર રાજયની પાલીકા મહાપાલીકાઓ જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલીકાઓની ચુંટણીનો કાર્યક્રમ જાહેર થતા ભાજપ કોગ્રેસ સહીત રાજકીયપક્ષો અને આગેવાનોએ ચુંટણી લડવા તેૈયારીઓ કરી દીધી છે.અમરેલી જિલ્લા કોંગ્રેસ કાયાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાનાં ઉમેદવારોની સેન્સ લેવા પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારીશ્રીઓ રાજભાઇ મહેતા, દિલીપભાઇ પટેલ એડવોકેટ હાઇકોર્ટ, અમિતભાઇ ઠુંમર, વિનુભાઇ ધડુક, પીએમ ખેની અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ લલીતભાઇ ઠુંમર, પુર્વ જિલ્લા પ્રમુખો પંકજભાઇ કાનાબાર, શંભુભાઇ દેશાઇ, તાલુકા પ્રમુખ મનિષભાઇ ભંડેરી, પુર્વ તાલુકા પ્રમુખ દલસુખભાઇ દુધાત સહિતની ટીમ અને જિલ્લા તથા તાલુકા કોંગ્રેસનાં અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સવારનાં 8 વાગ્યાથી તાલુકા અને શહેર પ્રમાણે દાવેદારોની સેન્સ અને કોંગ્રેસનાં હોદ્દેદારો અને આગેવાનો, કાર્યકરો સાથે સેન્સ પ્રક્રિયા મોડે સુધી ચાલુ હતી. બધાને સાંભળી નિરીક્ષકો, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીને અહેવાલ આપશે.
આ તકે કોંગ્રેસનાં દાવેદારોનો અભુતપુર્વ ધસારો જોઇ વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્યો અંબરીષભાઇ ડેર, પ્રતાપભાઇ દુધાત, વિરજીભાઇ ઠુંમર અને સુરેશભાઇ કોટડીયા તેમજ જિલ્લા પંચાયતનાં પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર, રવજીભાઇ વાઘેલા, પુર્વ ધારાસભ્ય ઠાકરશીભાઇ મતેલીયાએ તમામ દાવેદારોને સમજાવેલ કે, ટીકીટ દરેક બેઠકમાં એકને મળે પણ બાકીનાં દાવેદારોએ સંપથી એક બની ભાજપને જડમુળમાંથી હટાવવું જરૂરી છે. કોંગ્રેસ શાસિત જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ આવશે તો જનતાને ભાજપનાં અહમ ભરેલા મોંઘવારી અને અશાંતિ ભર્યા માહોલમાંથી છુટકારો મળશે. ભાજપે ગમે એટલા કોંગ્રેસમાંથી ડરાવી ધમકાવી, લાલચ આપી પોતાનાં ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આંટો જેમ કરી તડજોડની નગ્ગા નાચ જેવી રાજનિતી શરૂ કરી છે. પણ હવે જનતાએ એ પણ જાકારો આપવાને પાકો ઇરાદો કરેલ છે. જનતામાં ભાજપ સામે ભારે રોષ છે. પેટ્રોલ, ડિઝલ અને ગેસમાં થતાં બેફામ વધારા સત્તામાં મદમાં જ કરેલ છે. હવે ભાજપને સતામુક્ત કરી જનતા સબક શીખવે તે સમય આવી ગયો છે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણીની યાદીમાં જણાવ્યું હતું. અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે અધધ 550 જેટલા દાવેદારો જ્યારે તાલુકા પંચાયતની અમરેલી વિધાનસભાનાં અમરેલી, કુંકાવાવ, વડીયા તાલુકાની 34 સીટો માટે 353 દાવેદારો, લાઠી, બાબરા વિધાનસભા માટે કુલ 35 સીટો સામે 320 દાવેદારો, કુંડલા અને લીલીયા વિધાનસભાની 38 સીટ માટે 372 દાવેદારો, ધારી, બગસરા, ખાંભા વિધાનસભા કુલ 50 બેઠક માટે 480 દાવેદારો, રાજુલા, જાફરાબાદ વિધાનસભા કુલ 36 બેઠકો માટે 372 દાવેદારો, નગરપાલિકાઓ માટે અમરેલી નગરપાલિકાનાં કુલ 11 વોર્ડ 44 સીટ માટે 352 દાવેદારો જેમાં સૌથી વધ્ાુ 50 ટકા મહિલાઓ, બાબરા નગરપાલિકા છ વોર્ડ 24 સીટ માટે 144 દાવેદારો, બગસરા નગરપાલિકા કુલ 7 વોર્ડ 28 સીટ માટે 140 દાવેદારો, સાવરકુંડલા નગરપાલિકા માટે 9 વોર્ડમાં 36 સીટ માટે અધધ 228 જેટલા દાવેદારો તેમજ દામનગર નગરપાલિકા છ વોર્ડ 24 સીટ માટે 75 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.