જિલ્લામાં ખેડુતલક્ષી યોજનાનો શુભારંભ કરાવતા શ્રી ધનસુખ ભંડેરી

  • અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કરાવતા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન
  • પાકસંગ્રહ યોજના હેઠળ ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા 30 હજાર તેમજ ખેડૂતને પાક માર્કેટ સુધી લઇ જવા નાનું વાહન ખરીદી માટે પ0 થી 7પ હજાર સુધી સબસીડી
  • પાકસંગ્રહ યોજનામાં એક જ દિવસમાં અમરેલીમાં 16.24 કરોડની સહાય ચુકવાઇ લાઇટબીલથી મુક્તિ માટે ખેડૂતોને સોલાર આધારિત યોજનાનો લાભ લે : શ્રી ભંડેરી

અમરેલી,
અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આજે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી બે પગલાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા, ધારી અને અમરેલી તાલુકાના ખેડૂતોને પાક સ્ટ્રાકચરના લાભો ચેરમેનશ્રી અને મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. મુખ્યેમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વેબકાસ્ટિંગના માધ્યમ થકી ખેડૂતોને વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે, મુશ્કેલીના સમયે રાજ્ય સરકારે ખેડૂતોની પડખે ઊભી રહી વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો અમલ કરી “ખેડૂત એ જગતનો તાત છે’, એ કહેવતને સાર્થક બનાવી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂત કલ્યાાણના પૈકી બે પગલાંની આજે શરૂઆત કરી છે. પાકસંગ્રહ યોજના હેઠળ ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા 30 હજાર તેમજ ખેડૂત તેમનો પાક માર્કેટ સુધી પોતાની રીતે લઇ જઇ શકે તે માટે નાનું વાહન ખરીદી માટે પ0 થી 7પ હજાર સુધીની સબસીડી આપવામાં આવશે. આજે એક જ દિવસમાં અમરેલીમાં 16.24 કરોડની સહાય પાકસંગ્રહ યોજના અંતર્ગત ચુકવવામાં આવી છે.
ચેરમેનશ્રીએ સમગ્ર રાજ્યેમાં ખેડૂતોએ લેવાયેલા પાકની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ કરેલી પ્રગતિના કારણે આજે આપણે અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છીએ. મોટા ભાગનો વિસ્તાર સૂકો હતો જ્યાં નર્મદાના નીર પહોંચાડી ત્યાંની ધરતી પણ હરીયાળી બનાવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમની કોઠાસૂઝને કારણે ખેડુતોના પડખે રહી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિ સામે ખેડૂતોને રક્ષણ આપવા માટેની સહાય યોજના અમલી બનાવી છે. આ ઉપરાંત વાવણીને લઇ વેચાણ સુધી દરેક તબક્કે અનેક સહાયકારી યોજનાઓનો લાભ આપી રહી છે. લાઇટબીલ ભરવામાંથી મુક્તિ મળે તે હેતુસર ખેડૂતોને સોલાર આધારિત વીજળી હેઠળ સહાય યોજનાનો લાભ લેવા ઉપર ભાર મુકયો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ખેડૂતોની ચિંતા કરી કિસાન સમ્માનનિધિ હેઠળ દર વર્ષે સહાય આપી છે. ખેતી, ઉદ્યોગ અને સેવા એ મહત્વના વિભાગો છે. લોકડાઉનમાં ધંધાર્થીઓને મોટું નુકસાન થયું છે, તેમને સહાયરૂપ બનવા વિશેષ પેકેજ જાહેર કર્યું છે. જે પૈકી ગુજરાતમાં આત્મનિર્ભર યોજના હેઠળ બારસો કરોડ રૂપિયા જેટલી સહાય ચૂકવી દેવામાં આવી છે. દેશનું અર્થતંત્ર સુધારવા માટે ખેડૂતોનો ફાળો પણ અગત્યાનો છે. ખેડૂતને જાગૃત કરવા માટે કૃષિ રથ ગામેગામ ફેરવીને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ઉપયોગી જાણકારી આપતાં ખેડૂતો સદ્ધર બન્યા છે. અમરેલી જિલ્લાના તાલુકાના ખેડૂતોએ ઉત્પાદિત કરેલાં પાકોનું વિદેશમાં નિકાસ થતાં તેઓ આર્થિક દ્રષ્ટિ વધુને વધુ પગભર બનતા જાય છે. વધુમાં, ચેરમેનશ્રીએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી સહાયનો યોગ્ય ઉપયોગ કરી પ્રગતિ સાધી આવક વધે તેવા પ્રયાસો હાથ ધરવા અપીલ કરી હતી.અમરેલી ખાતેના યોજાયેલા આ કાર્યક્રમની સાથે અન્ય તાલુકા મથકે પણ કાર્યક્રમો થયા હતા. સવારે 10 કલાકે ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીની અધ્યક્ષતામાં અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયા હતા.અમરેલી ખાતેના કાર્યક્રમમાં યુવા અગ્રણી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ આત્માી પ્રોજેકટના અધિકારી/ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા. ધારી ખાતેના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, પ્રાંત અધિકારીશ્રી અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.