જિલ્લામાં પરપ્રાંતિઓની નોંધણી ન કરાવનાર ઉપર ગુનો દાખલ થશે

અમરેલી,અમરેલી જિલ્લામાં હાલમાં લાખોની સંખ્યામાં જિલ્લા અને રાજયબહારથી આવેલા શ્રમીકો કામ કરી રહયા છે અને આ લોકો જો કોઇ ગુનો કરે તો તેને પકડવા એટલે ઘાસમાંથી સોય શોધવા જેવુ અઘરુ કામ હોય છે તેથી આવા બનાવો બનતા અટકાવવા અને જો બહારથી આવેલ લોકો ગંભીર ગુનાઓ કરે તો તેને પકડવા માટે સાવચેતીના પગલા સ્વરૂપે એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં પરપ્રાંતિઓની નોંધણી ન કરાવનાર ખેડુતો અને કારખાનેદારો તથા વેપારીઓ ઉપર ગુનો દાખલ કરવાની તૈયારીઓ થઇ હોવાનું જાણવા મળેલ છે.
અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં એસપી શ્રી નિર્લિપ્ત રાયે જણાવેલ કે, એકાદ માસમાં જિલ્લામાં બનેલી ચોરી, હત્યા, લૂંટ, એમપીના બે ગુનેગારો દ્વારા થયેલ ગેંગરેપ સહિતની ગંભીર ઘટનાઓની નોંધ લઇને ઝુંબેશ શરૂ કરાઇ છે.
જિલ્લા તથા રાજય બહારના ખેત મજુરો અને કારખાનાઓ તથા દુકાનોમાં કામ કરનારાઓની નોંધણી નહી કરાવનારા ખેડુત કે કારખાનેદાર સામે કડક પગલા લેવાનો એકશન પ્લાન તૈયાર થઇ ગયો છે.
અમરેલી જિલ્લાના લોકોના હિત માટે પોલીસ તંત્ર દ્વારા કરાઇ રહેલી આ ઝુંબેશમાં લોકો સહકાર આપે તો તે તેના માટે જ ફાયદાકારક સાબીત થશે.