જિલ્લામાં ભાજપની અભુતપુર્વ ચાહના : દાવેદારોનો રાફડો ફાટ્યો

  • ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જના પ્રવાસ દરમિયાન સેન્સ પહેલા જ ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની ટીકીટ માટે રજુઆત
  • હવે જિલ્લામાં ત્રણને બદલે પાંચ પાલિકા, 11 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે : દાવેદારો સેન્સ પહેલા જ મેદાનમાં કુદી પડયા
  • એકલા બગસરામાં જ પ્રવાસે આવેલા આગેવાનો સેન્સ માટે આવ્યા હોવાનું માનીને પાલિકાના સાત વોર્ડમાંથી 120 ઉમેદવારોએ ટીકીટની દાવેદારી કરી

અમરેલી,
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા જિલ્લાભરમાં નવા જુના, નાના મોટા દરેક આગેવાનો કાર્યકરોને જવાબદારી સોંપી દોડતા કરી દેવામાં આવ્યા છે તેવા સંજોગોમાં છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલા ચૂંટણી ઇન્ચાર્જો, સહ ઇન્ચાર્જો અને સ્થાનિક ઇન્ચાર્જોના પ્રવાસ દરમિયાન ઠેકી ઠેકીને દાવેદારો સેન્સનો સમય ન હોવા છતા આગેવાનો સેન્સ માટે આવ્યા છે સમજી દાવેદારી નોંધાવી રહયા છે સાથે સાથે અમરેલી જિલ્લામાં 11 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને અમરેલી, સાવરકુંડલા અને બગસરા નગરપાલિકાની ચૂંટણી હતી તેમાં હવે બાબરા અને દામનગર પાલિકાની ચૂંટણીનો ઉમેરો થયો છે.
હવે જિલ્લામાં ત્રણને બદલે પાંચ પાલિકાઓમાં ચૂંટણી લડાશે.ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએથી અપાયેલા નિર્દેશ અનુસાર જિલ્લાભરમાં ભાજપના ચૂંટણી પ્રભારીઓ ઇન્ચાર્જોનો પ્રવાસ પુર્ણ થયા બાદ સાસણ પાસે જિલ્લાના ભાજપના પ્રવાસ પુર્ણ કરનારા ઇન્ચાર્જો અને પ્રભારીઓની એક ચિંતન બેઠક યોજાનાર હોવાનું ભાજપના સુત્રોએ જણાવ્યુ હતુ બીજી તરફ આજે બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપના મોવડી મંડળના બગસરા શહેર નગરપાલિકા પ્રભારી રામભાઈ સાનેપરા તેમજ બગસરા શહેર નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ વાલજીભાઈ ખોખરીયા, રાજુભાઇ ગીડા ભાજપના કાર્યકરો આગેવાનો અને ચૂંટણી લડવા માંગતા સૌને મળ્યા હતા જેમાં બગસરા નગરપાલિકાના 7 વોર્ડ માટે ચૂંટણી લડવા ઇચ્છતા ભાજપ કાર્યકરો તેમજ હોદેદારો દ્વારા ઉમેદવારી નોંધાવાઇ હતી બગસરાના દરેક વોર્ડમાં 15થી વધુ કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારી નોંધાવી છે જેમાં અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મનોજભાઈ મહિડા બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા તેમજ બગસરા શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ ગોંડલીયા, ભાવેશભાઈ મસરાણી સાથે હાજર રહ્યા હતા.અમરેલી જિલ્લામાં ભાજપ આગેવાનોના શરૂ થયેલા પ્રવાસ દરમિયાન જ ચૂંટણી લડવા માટે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહના ઘોડાપુર જોવા મળ્યા હતા હકીકતમાં ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા યોજાનારી સેન્સની પ્રક્રિયા હજુ બાકી છે આ માત્ર પ્રવાસ છે તેમાં જ ચૂંટણી માટે થઇ રહેલી દાવેદારી ભાજપની ચડતી કળા દેખાડી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન પછી 2014 ની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા.