અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં અવિરત છેલ્લા 20 દિવસથી વધારે સમયથી પડી રહેલા વરસાદનાં કારણે ખેતીપાકો નિષ્ફળ જવાના આરે આવતા ધરતી પુત્રો દ્વારા ખમૈયા કરો મેઘરાજાની પ્રાર્થના સાથે અમરેલી જિલ્લામાં આજે સવારથી બપોર સુધીમાં હળવા ભારે ઝાપટાથી લઇ ચાર થી પાંચ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા નિચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. અમરેલી શહેરમાં સવા ત્રણ ઇંચ જેવો ધોધમાર વરસાદ અઢી કલાકમાં પડી જતા લાઠી રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક પાસે પાણીનો પ્રવાહ હોવાના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે અમરેલી પોલીસ, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, ફાયર બ્રિગેડ દ્વારા ધીમીગતીએ વાહનોને પસાર કરાવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમરેલી શહેરમાં ભારે વરસાદ પડતા પીટણપરા, સેન્ટર પોઇન્ટો રાજકમલ ચોક સહિતનાં વિસ્તારમાં પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી અને ધોધમાર વરસાદ પડવાના કારણે તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી હતી. ડામર રોડ અને સિમેન્ટ રોડમાં તેમજ ભુગર્ભ ગટરો પણ ઉભરાઇ પડી હતી. રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી જવાના કારણે અમરેલી શહેરનાં માર્ગો તેમજ બાયપાસ રોડ ઉપર પણ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
લાઠી શહેર તેમજ લાઠી ગ્રામીણમાં આજે અનરાધાર વરસાદ પડ્યો હતો. ચાવંડ, શેખ પીપરીયા, કેરીયા, અકાળા, લુવારીયા તેમજ સમગ્ર લાઠી તાલુકામાં વરસાદથી ગાગડીયો નંદી બને કાંઠે છલકાઇ હતી લાઠી શહેરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો તેમ વિશાલ ડોડીયાની યાદીમાં જણાવાયુ ંછે. લાઠી તાલુકાનાં અકાળામાં સવારનાં 10 થી બપોર સુધીમાં અનરાધાર સાંબેલાધારે આશરે 4 થી 5 ઇંચ જેવો વરસાદ પડવાના કારણે ગાગડીયો નદી બે કાંઠે વહેતી થઇ હતી.
ગામ પાસે આવેલ મંદીર નજીક ભીંગરાડનો માર્ગ બે કાંઠે આવતા બેઠા પુલ ઉપરથી પાણી વહી ગયા હતાં અને ગામનો સંપર્ક કપાયો હતો તેમજ રાજુભાઇ વ્યાસની યાદીમાં જણાવાયું છે. સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામે સવારનાં 9 થી બપોરનાં 12 સુધીમાં સવા ઇંચ વરસાદ પડ્યાનું સુભાષભાઇ સોલંકીની યાદીમાં જણાવાયું છે. બાબરા શહેર અને પંથકમાં ધીમીધારે અડધોથી એક ઇંચ વરસાદ પડ્યાનું દિપકભાઇ કનૈયાની યાદીમાં જણાવાયું છે. બગસરા શહેર અને પંથકમાં આજે સવારથી બપોર સુધીમાં ધીમીધારે અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યાનું રૂપેશ રૂપારેલીયાની યાદીમાં જણાવાયું છે. ચલાલા શહેરમાં આજે સવારથી બપોર સુધીમાં ધીમીધારે એક ઇંચ વરસાદ પડ્યાનું પ્રકાશભાઇ કારીયાની યાદીમાં જણાવાયું છે. દામનગર શહેરમાં આજે સવારનાં 10:45 થી 11 સુધીમાં સુપડાધારે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડી જતા કુંભનાથ તળાવ છલોછલ ભરાયાનું વિનુભાઇ જયપાલની યાદીમાં જણાવાયું છેધારી તાલુકાનાં દલખાણીયા અને ગીર પંથકમાં આજે સવારથી બપોર સુધીમાં ધીમીધારે એક ઇંચ વરસાદ પડ્યો હતો. અવિરત વરસાદનાં કારણે ખેડુતો અને માલધારીઓમાં લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ સર્જાયાનું યોગેશ સોલંકીએ જણાવ્યું હતું. ખાંભાના ડેડાણમાં આજે સવારથી બપોર સુધીમાં ધીમીધારે એક ઇંચ વરસાદ પડ્યાનું બહાદુરઅલી હિરાણીની યાદીમાં જણાવાયું છે. અમરેલી તાલુકાનાં ચિતલમાં આજે સવારથી બપોર સુધીમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડ્યાનું ધર્મેશભાઇની યાદીમાં જણાવાયું છેલીલીયા તાલુકાનાં હાથીગઢમાં આજે સવારથી બપોર સુધીમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડયાનું શ્રીકાંતદાદા દવેની યાદીમાં જણાવાયુ છે. અમરેલી તાલુકાનાં ફતેપુર, ચાંપાથળ, વિઠલપુર, પીઠવાજાળ, કેરીયાચાડ, તરકતળાવ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઠેબી ડેમનાં દરવાજા ખોલતા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. કુુંકાવાવ શહેર અને પંથકમાં આજે સવારથી બપોર સુધીમાં પોણો ઇંચ વરસાદ પડ્યાનું કિર્તીભાઇ જોષીની યાદીમાં જણાવાયું છે. લીલીયા શહેર અને પંથકમાં પણ આજે સવારથી બપોર સુધીમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલરૂમમાં નોંધાયેલ વરસાદમાં વડીયા 36 મીમી, બાબરા 18 મીમી, લાઠી 56 મીમી, લીલીયા 28 મીમી, અમરેલી 81 મીમી, બગસરા 10 મીમી, ધારી 9 મીમી, સાવરકુંડલા 13 મીમી, ખાંભા 11 મીમી, જાફરાબાદ 13 મીમી, રાજુલા 30 મીમી વરસાદ નોંધાયો .