જિલ્લામાં મોતનું તાંડવ યથાવત : કોવિડના 27 દર્દીના મોત

  • અચાનક મૃત્યુ પામી રહેલા નોન કોવિડ લોકોના અચાનક મોતની તપાસ કરવી જોઇએ : કોવિડમાં મૃત્યુ પામનાર કરતા પણ વધારે નોન કોવિડ મૃત્યુના બનાવો બની રહયા છે
  • અમરેલીના બન્ને સ્મશાન અને મોટા આંકડીયાના ડેઝીગ્નેટેડ સ્મશાનમાં અંતિમવિધિ માટે રાહ જોવી પડે તેવી હાલત : ગાયત્રી મોક્ષધામમાં 6, મોટા અંકડીયામાં 5, કૈલાસ મુકિતધામમાં 16 અંતિમવિધિ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોવિડનો બીજો અને ત્રીજો બન્ને રાઉન્ડ એક સાથે શરૂ થયા હોય તેમ કોરોનાના દર્દીઓ ઉપરાંત જે પોઝીટીવ નથી આવ્યા તેવા અનેક લોકોના અકાળે મોત થઇ રહયા છે. આજે મંગળવારે અમરેલી શહેરમાં સારવાર લઇ રહેલા કોરોનાના 26 દર્દીઓના મૃત્યુ થયા હતા અને સાથે સાથે જેમને કોરોના પોઝીટિવ નથી આવ્યા તેવા પણ 10 લોકોના શહૈેરમાં મૃત્યુના બનાવો બન્યા છે આ દસ ઉપરાંત અમરેલીના ઇશ્ર્વરીયા, વરસડા, કેરીયાનાગસના સ્મશાનમાં નોન કોવિડ એવા અમરેલી શહેરમાં મૃત્યુ પામી રહેલા લોકોને સ્મશાનમાં જગ્યા ન મળતા અંતિમ સંસ્કાર કરાઇ રહયા છે.
આજે અમરેલી શહેરમાં સારવાર લઇ રહેલા જુદા જુદા ગામના 26 કોરોના ના દર્દી ઓ તથા અન્ય 10 અને રાજુલામાં બે શંકાસ્પદ તથા કુંડલાના મેકડા ગામના એક નેગેટીવ યુવાનના મળી ત્રણ અને વરુડી ગામમાં બે થઇ કુલ 41 અંતિમવિધિ થઇ છે.અમરેલી જિલ્લામાં કોરોનાના 80 નવા કેસ નોંધાયા છે તથા સારવાર લઇ રહેલા દર્દી ઓની સંખ્યા 907 થઇ છે જો આ તમામ લોકો સ્વયં કાળજી ન લે તો તે બીજા 50 હજારને સંક્રમીત કરી શકે છે. અમરેલીની ધરતી ઉપર જેમના અંતિમ શ્ર્વાસ લખાયેલા હોય તેવા જિલ્લાના ગામે ગામ અને છેક ઉના,જુનાગઢ,ભાવનગર શહેરોમાંથી દર્દીઓ અમરેલી આવી અહીની ધરતી ઉપર અંતિમ શ્ર્વાસ લઇ અને અહીની જ ધરતીમાં વિલીન થઇ રહયા છે.
આજે મોટા આંકડીયાના સ્મશાનમાં અમરેલીના 63 વર્ષના પુરુષ, ઢોલરવાના 60 વર્ષના મહીલા, ઢસા ગામના 52 વર્ષના પુરુષ,હડાળાના 62 વર્ષના પુરુષ, દહીડાના 65 વર્ષના મહીલા તથા અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં લાઠીના 65 વર્ષ ના મહીલા, અમરેલી મફતીયાપરાના 62 વર્ષના પુરુષ, બગસરાના 55 વર્ષના પુરુષ, સુખનાથપરાના 68 વર્ષના પુરુષ, ઉનાના કૃષ્ણનગરના 78 વર્ષના પુરુષ, અમરેલી ચિતલ રોડના ગરુકૃપાનગરના 51 વર્ષના પુરુષના અંતિમ સંસ્કાર કરાયા હતા.તથા કૈલાસ મુકિતધામ ખાતે અમરેલીના અમૃતનગરના પુરુષ, કુંકાવાવના સુર્યપ્રતાપગઢના 65 વર્ષના પુરુષ, કુંકાવાવના વાવડી ગામના 62 વર્ષના મહીલા, કુંડલા નંદીગ્રામ વિસ્તારના 56 વર્ષના પુરુષ, ચિતલના 65 વર્ષના મહીલા, ભેસાણના 72 વર્ષના મહીલા, લીલીયાના 35 વર્ષના મહીલા, ધારીના દલખાણીયા ગામના 45 વર્ષના પુરુષ, બરવાળા બાવીસીના 68 વર્ષના મહીલા, કુંડલાના ધજડી ગામના 55 વર્ષના પુરુષ, ઢસાના 63 વર્ષના પુરુષ, અમરેલી ગીરીરાજનગરના 82 વર્ષના પુરુષ, દામનગરના પુરુષ, મેઘા પીપળીયાના 50 વર્ષના મહીલા, ધારીના મહીલા દર્દીની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
આ ઉપરાંત અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં કોરોના ન હોય તેવા નવ અમરેલીવાસીઓની અને કૈલાસ મુકિતધામમાં એક અમરેલીવાસીઓની અંતિમ વિધિ થઇ હતી જયારે આ ઉપરાંત અમરેલી નજીકના ઇશ્ર્વરીયા, વરસડા,કેરીયા નાગસ ગામના સ્મશાનમાં પણ અમરેલીના નોનકોવિડ લોકોના અંતિમ સંસ્કાર થયા હતા. જયારે અમરેલીના વરુડી ગામે બે લોકો, રાજુલામાં બે શંકાસ્પદ દર્દીઓ તથા સાવરકુંડલામાં મેકડા ગામના નોન કોવિડ યુવાનનું મૃત્યુ થતા તેની અંતિમવિધિ પણ સાવરકુંડલામાં કરવામાં આવી હતી.
સરકાર દ્વારા અચાનક મૃત્યુ પામી રહેલા નોન કોવિડ લોકોના અચાનક મોતની તપાસ કરવી જોઇએ કદાચ અમરેલીમાં કોવિડનો ત્રીજો રાઉન્ડ તો બીજાની સાથે શરૂ નથી થયો ને તે અને મૃત્યુ પામી રહેલા નોન કોવિડ લોકોની મેડીકલ હિસ્ટ્રી ચકાસી જાણકારી મેળવવી જોઇએ કારણ કે જેટલા કોવિડમાં મૃત્યુ પામી રહયા છે તેના કરતા પણ વધારે નોન કોવિડ મૃત્યુના બનાવો બની રહયા હોવાનુ જિલ્લાના ગામે ગામથી આવતા અહેવાલો કહી રહયા છે.