જિલ્લામાં સીસીઆઇએ રજીસ્ટ્રેશન બંધ કરતા હજારો ખેડુતો મુશ્કેલીમાં

અમરેલી,ગયા વર્ષે જેના ઉપર ખેતી કરી ખેડુતો બે પાંદડે થયા હતા તે કપાસમાં ઇયળનો રોગચાળો આવતા અને વધારે વરસાદ થતાં જોઇએ તેવો પાક થયો ન હતો એ મુસીબત ઓછી હોય તેમ એક તરફથી લોકડાઉનને કારણે નાણાભીડ, નવી સીઝન માથે આવી ગઇ છે ત્યારે ઘાસચારાની ખરીદી, બિયારણની ખરીદી, ઓજારોની ખરીદી બાકી છે તેવા સમયે ખેડુતો માટે જે આશાનું અંતિમ કિરણ હતુ તે સીસીઆઇ દ્વારા ખરીદીમાં વિલંબ કરી અને અચાનક રજીસ્ટ્રેશન બંધ કરી દેવાતા ધરતીપુત્રો ભારે કફોડી હાલતમાં મુકાય ગયા છે અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ ઉચ્ચકક્ષાએ ખેડુતોના પ્રશ્ર્ને ધગધગતી રજુઆત કરી હોવાનું જાણવા મળેલ છે.
અમરેલીના કેરીયારોડ ઉપર સર્જન કોટેક્ષ, ચિતલમાં મહાદેવ કોટેક્ષ અને બાબરામાં તથા સાવરકુંડલા અને રાજુલામાં ખેડુતોનો કપાસ ટેકાના ભાવે સીસીઆઇ દ્વારા ખરીદવા સરકારે નિર્ણય કર્યો હતો હવે અમરેલીના બે અને ચિતલના એક મળી ત્રણ સેન્ટરમાં ખરીદી કરવા માટે માત્ર બે જ અધિકારી છે આ અધિકારી દરેક સેન્ટર ઉપર બે બે દિવસ ખરીદી કરે છે તેના કારણે એક સેન્ટરમાં અઠવાડિયામાં માત્ર બે જ દિવસ ખરીદી શરૂ રહે છે જેના કારણે રજીસ્ટ્રેશન થઇ ગયેલા ખેડુતો પણ કપાસ વેંચવા માટે ખરીદાયો છે તેના કરતા પણ વધારે સંખ્યામાં કપાસ વેંચવા લાઇનમાં ઉભા છે. આ સમયે રજીસ્ટ્રેશન થયેલ માલ ખરીદાય જાય પછી નવુ રજીસ્ટ્રેશન કરવુ તેમ કહી સીસીઆઇએ રજીસ્ટ્રેશન બંધ કરી દેતા ખેડુતો 1100 રૂપીયાના ભાવનો કપાસ 600 રૂપીયાથી 900 ના ભાવે ખુલ્લી બજારમાં વેંચવા માટે મજબુર થઇ ગયા છે કારણકે તેમને નવી સીઝન માટે નાણા જોઇએ છે અને સીસીઆઇ ક્યારે કપાસ ખરીદે તે નક્કી નથી થતુ.
એ ઉલ્લેખનીય છે કે જો સીસીઆઇ ઝડપી અને સમયસર ખરીદી નહી કરે અને સરકાર આમા તાત્કાલીક દરમિયાનગીરી નહી કરે તો લાખો ધરતીપુત્રો મોટી મુસીબતમાં મુકાવાના છે કારણકે જીનીંગ ઉદ્યોગને મોટો ફટકો પડયો હોય ઓછી ખરીદીને કારણે અને ઇયળના રોગને કારણે કપાસ નબળો હોય ખેડુતોનો કપાસ 600 થી 650 સુધી જઇ રહયો છે આ કપાસને વીણવા માટે ખેડુતે 200 થી 400 રૂપીયા તો મજુરી ચુકવી હોય છે અને સારામાં સારો કપાસ હોય તો સરકારે જેના 1100 રૂપીયા નક્કી કર્યો છે તે માર્કેટયાર્ડમાં 900 રૂપીયે મંગાય છે જેના કારણે કાળી મહેનત કરી ઉગાડી અને વીણેલ કપાસ વાવનાર ધરતીપુત્રોના બજેટ પણ વીખાય જવાના છે.