જિલ્લામાં હવે જમીન માફીયાઓ શ્રી નિર્લિપ્ત રાયનો ટારગેટ

  • અમરેલી જિલ્લામાં વ્યાજખોરો સામે ઝુંબેશ ઉપાડી જેલમાં ધકેલનારા શ્રી નિર્લિપ્ત રાય દ્વારા વધુ એક ઝુંબેશના શ્રી ગણેશ
  • ધારીમાં બુટલેગર મહિલાના મૃત્યુ બાદ તેના માથાભારે સંતાનોએ સરકારી જગ્યામાં મંદિર (મઢ) બનાવી નાખ્યું હતુ : દબાણ હટાવી પોલીસ ચોકી બનાવવાની કાર્યવાહી
  • સરકારી અને ગરીબોની તથા ગૌચરની જમીનો દબાવનારા દારૂના વેપારીઓ, માથાભારે લુખ્ખાઓનું લીસ્ટ બનાવવા શ્રી નિર્લિપ્ત રાયનો પોલીસ તંત્રને આદેશ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કોને કહેવાય તેનો દાખલો બેસાડનાર એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજખોરોનું લીસ્ટ તૈયાર કરી પગલાઓ શરૂ કરાયા છે તે જ રીતે નવુ એક મિશન શરૂ થઇ રહયુ છે વ્યાજખોરોની જેમ જ ગરીબોની ગૌચરની અને સરકારી જમીનો દબાવનારા અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર થઇ રહયુ છે દારૂના વેપારીઓ, અસામાજિકોએ જમેલી જમીનોને પાછી ઓકાવવાની કાર્યવાહી થઇ રહી હોવાનું જાણવા મળેલ છે અને આ ઝુંબેશની શરૂઆત તેમણે ધારીથી કરી છે ગઇ કાલે ધારી ખાતે તેમણે પાંચ મકાનો ઉપર દારૂના ધંધાર્થીઓએ જમાવેલા કબ્જાને હટાવી મુળ માલીકને મિલ્કતો પરત અપાવી હતી અને આ ઉપરાંત તેમણે સરકારી જગ્યામાં કરેલ દબાણને પણ હટાવ્યુ હતુ.
ધારીમાં દાદાગીરી કરી ખાનગી મિલ્કતો તો પચાવી પડાઇ હતી પરંતુ નવાઇની બાબત એ હતી કે સરકારી જમીનમાં એક મંદિર (મઢ) બનાવી નાખવામાં આવ્યો હતો જેમાં બીજી તસ્વીરો સાથે બુટલેગર અને માથાભારે મહિલાની તસ્વીર રાખી તેની પણ પુજા થતી હોવાનું જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ દબાણ હટાવી તેમણે ત્યાં પોલીસ ચોકી બનાવી કાયમી ધોરણે આ વિસ્તારને અસામાજિક તત્વોના બાનમાંથી મુક્ત કરાવવા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર જિલ્લાભરમાં શ્રી નિર્લિપ્ત રાય દ્વારા સરકારી જમીન ઉપર કબ્જો મેળવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરનારા અને અસામાજિકો સામે નવો લેન્ડગ્રેબીંગ એક્ટ વાપરવાની શરૂઆત થનાર છે જેની પહેલી શરૂઆત ધારીથી થઇ ચુકી છે.