છેલ્લા ઘણા દિવસો થી સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગ કૌભાડને ડામવા માટે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યવ્યાપી કુલ ૧૧૫ જગ્યાએ દરોડા પાડીને કુલ રૂ. ૯૮ કરોડની કરચોરી ઝડપી પાડી છે. અધિકારીઓ આ પેઢીઓ પાસેથી જે જેમને બિલો લીધા છે તેમની તપાસ શરૂ કરી છે. જેના કારણે આ આંકડો હજી વધી શકે છે. ડિપાર્ટમેન્ટે દ્વારા ૪૧ બોગસ પેઢીઓમાંથી રૂ. ૫૦૦ કરોડ કરતા વધારેના ટર્નઓવર ઝડપી પાડ્યા છે. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (એસજીએસટી)ને બોગસ બિલિંગ કૌભાડમાં રાજ્યમાંથી ૪૧ બોગસ પેઢીઓ મળી આવી છે. જેમાં અમદાવાદમાંથી ૧૪, વડોદરામાંથી ૧૨, સુરતમાંથી ૯, ભાવનગરમાંથી ૩ રાજકોટમાંથી ૧ અને ગાંધીધામમાંથી ૨ બોગસ પેઢીઓ મળી આવી છે. આ કૌભાંડમાં કુલ રૂ. ૫૦૦ કરોડ કરતાં વધારેનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું છે. આ પેઢીઓ દ્વારા કુલ રૂ. ૯૮ કરોડની આઇટીસી પાસઓન કરીને કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગે બોગસ પેઢીઓ સ્ક્રેપ, ફેરસ-નોન ફેરસ મેટલ, કેમિકલ, સળિયા વગરે જેવી કોમોડિટીના બિલો દ્વારા આઇટીસી લેવામાં આવી હતી. હાલમાં ડિપાર્ટમેન્ટ દ્વારા મળી આવેલા ડોક્યુમેન્ટની તપાસ ચલાવવામાં આવી રહી છે.