જીલ્લાના 55 ગામોના પાણી માટે રૂ.725.66 લાખના કામોને બહાલી

  • કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં લેવાયેલો નિર્ણય
  • પાણી પુરવઠા બોર્ડ અને જિલ્લા જળ સ્વચ્છતા એકમ (વાસ્મો)નાં અધિકારીઓની ઉપસ્થિતિ

અમરેલી, અમરેલી જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. કાર્યપાલક ઈજનેરશ્રી – પાણી પુરવઠા બોર્ડ અને જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો)- અમરેલીના યુનિટ મેનેજરશ્રી એસ.આર.ઉદેનીયા દ્વારા કલેકટરશ્રી તેમજ ઉપસ્થિત સમિતિના તમામ સભ્યોને યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને કલેક્ટરશ્રી દ્વારા જીલ્લાના 55 ગામોમાં પીવાના પાણી માટે રૂ.725.66 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.હાલમાં ભારત સરકારશ્રીના જલ જીવન મિશન કાર્યક્રમ અન્વયે 10% લોકભાગીદારી આધારિત યોજના હેઠળ ઘરે ઘરે નળ કનેક્શન આપવા અંગે ઝુંબેશ રૂપે કામગીરી ચાલી રહેલ છે. તે અંતર્ગત ઓગ્મેન્ટેશન ઓફ ટેપ કનેક્ટીવીટી ઇન રૂરલ એરિયા(જનરલ) પ્રોગ્રામ હેઠળ અમરેલી જીલ્લાના જુદા-જુદા 55 ગામોમાં ઘટતા નળ કનેક્શન અને સ્ટોરેજ આપવા રૂ.725.66 લાખના કામોને કલેકટરશ્રી દ્વારા બહાલી આપવામાં આવેલ હતી. તેવું જીલ્લા જળ અને સ્વચ્છતા એકમના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટરશ્રી નિશાંત જોશી દ્વારા જણાવવામાં આવેલ છે.