જીલ્લામાં ખોડિયાર ડેમ સહિતના કુલ 7 જળાશયોમાં પાણીની 100 ટકા આવક

  • અમરેલી જીલ્લામાં શ્રાવણે શ્રીકાર વરસાદ : વધુ અડધા થી અઢી ઇંચ વરસાદ
  • હવે ખમૈયા કરો મહારાજ : જગતના તાતની આરદા : વધુ વરસાદ પડેતો પાકને નુકસાન જશે : અમરેલીનાં ઠેબીમાં પણ પાણીની આવકઅમરેલી,
    અમરેલી શહેર અને જીલ્લા ભરમાં જાણેકે શ્રાવણે અષાઢ જામ્યો હોય તેમ. સાર્વત્રીક વરસાદથી નદી – નાળાઓ ઉભરાયા છે. તળાવ, ચેકડેમ અને જળાશયોમાં નવા નીર હિલોળે ચડીયા છે. છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી જીલ્લામાં હળવા ભારે વરસાદ અવીરત શરૂ રહયો છે. જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં વધુ અડધાથી અઢી ઇંચ જેવો વરસાદ પડયો છે. ધારીમાં આવેલ ખોડિયાર ડેમ જંગલ વિસ્તારના શેત્રુજી કાંઠાના ગામોમાં સારા વરસાદના કારણે 100 ટકા ભરાઇ જતા નવા નીર હિલોળે ચડયા છે. ખોડિયાર ડેમમાંથી અમરેલી, ચલાલા શહેરને પીવાના પાણીનો જથ્થો આપવામાં આવે છે. તેમજ કેટલાક વિસ્તારના ગામોમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. ડેમ ભરાઇ જવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. અમરેલી જીલ્લા ફલ્ડ ક્રંટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 47 મી.મી., ખાંભા 31 મી.મી., જાફરાબાદ 28 મી.મી., ધારી 26 મી.મી., બગસરા 61 મી.મી., બાબરા 15 મી.મી., રાજુલા 23 મી.મી., લાઠી 32 મી.મી., લીલીયા 55મી.મી., વડિયા 30 મી.મી., સાવરકુંડલા 31 મી.મી. વરસાદ નોંધાયો હતો. જળ સિંચાઇ વિભાગના જણાવીયા અનુસાર ખોડિયાર ડેમ, ધાતરવડી – 1, રાયડી, વડિયા, શેલદેદુમલ, સુરજવડી, ધાતરવડી – 2 સહિત કુલ 7 જળાશયોમાં 100 ટકા પાણીની આવક થયેલ છે. જયારે મુંજીયાસરમાં 80 ટકા, ઠેબી ડેમમાં 50 ટકા અને વડીમાં 20 ટકા પાણીની આવક થયેલ છે.