જીલ્લામાં મેઘરાજાની તોફાની સવારી : 3 મોત, 4 ઇંચ વરસાદ

અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં સખત ઉકળાટ બાદ આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. અને વીજળીના કડાકા ભડાકા સાથે જીલ્લામાં અડધા થી ચાર ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતાં સર્વત્ર પાણી પાણી થઇ પડયુ હતું. અમરેલી શહેરમાં આજે બપોર બાદ પવનની વાજડી અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને ભારે વરસાદના કારણે શહેરમાં થોડી વાર માટે અફડા તફડી મચી ગઇ હતી. ભારે વરસાદ પડવાના કારણે શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકોને પણ અસર પડી હતી. અમારા પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર હાથીગઢ અને આસપાસના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે બપોરના ચાર વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતા ગામ બહાર પાણી વહેતા થયા હતા. અને દોઢ થી પોણાબે ઇંચ જેવો સારો વરસાદ પડી જતાં વાવેતરો ઉપર કાચુ સોનુ વરસ્યુ છે. ખેડૂતો સારા વરસાદથી ખેતી કામમાં જોતરાતા કોરોના ભુલાયો છે. ચલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ એક ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. ધારી શહેરમાં અડધાથી પોણો ઇંચ વરસાદ, જયારે ધારીના આંબરડીમાં સુપડાધારે ચાર ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ધારી તાલુકાના સરસીયા, ફાચરીયા, અમૃતપુર (ઠીકરીયા) માં આજે ધોધમાર વરસાદ પડવાના કારણે ધારીના પાદરમાં આવેલ. નતાળીયો અને ગાંધીબ્રીજ નદીમાં પુર આવતા લોકો જોવા ઉમટી પડયા હતા. સતત વરસાદ શરૂ રહેતા આંબડીમાં ખેડૂતો વાવણી કાર્યથી વંચિત રહયા હોવાનું ધીરૂભાઇ દેસાઇની યાદીમાં જણાવેલ છે. ધારી તાલુકાના ગીર પંથકના ખીચા, દેવળા, વીરપુર, નાગધ્રા, જીરા, દુધાળા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડયો છે. જેના કારણે માલધારીઓ ખુશીની લાગણી વ્યાપી છે. લાઠીના અકાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. સાવરકુંડલા તાલુકાના આંબરડીમાં આજે બપોરના 4:30 થી ધોધમાર અઢી થી ત્રણ ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી તાલુકાના ગાવડકા, નવા ખીજડિયામાં બે ઇંચ અને બાબાપુરમાં દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. ગીરકાંઠાના દલખાણીયામાં વરસાદના ઝાપટાઓ પડયા હતા. ધારગણીમાં સારો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. સાવરકુંડલા શહેરમાં એક થી દોઢ ઇંચ જેવો સારો વરસાદ પડયો હતો. ખાંભા શહેર અને પંથકમાં દોઢ થી બે ઇંચ, લીલીયા શહેર અને પંથકમાં દોઢ થી અઢી ઇંચ વરસાદ પડતા નાવલી નદીમાં બે કાંઠે પુર આવ્યુ હતું. વડિયા અને લાઠીમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. અમરેલી તાલુકાના ફતેપુર, વિઠ્ઠલપુર, ચાંપાથળ, તરકતળાવ, પીઠવાજાળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડયો હતો. ફતેપુરમાં મનુભાઇ રવજીભાઇ જાદવના મકાન પર વીજળી પડવાથી દીવાલનો ખુણો તુટી પડયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. બગસરાના હમાપુરમાં અનરાધાર વરસાદથી ગામ બેટમાં ફેરવાવ્યુ હતું અને ચારે તરફ પાણી ફળી વળ્યા હતા. કુંકાવાવ શહેરમાં અઢી ઇંચ જેવો ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારો સહિતમાં પડી જતાં ખેડૂતોમાં હરખની લાગણી વ્યાપી છે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ફરી બે દિવસના વિરામબાદ આજ બપોરના સવા વાગ્યાથી જોરદાર પવન તથા કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારા સાથે દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડી જતાં રૂપેણ નદી તથા ચેક ડેમો ભરાય ગયા હતા. અને ટીંબી વાકયા જવાના પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા. જયારે ટીંબીના ગામમાં આવેલ પુલની બેય બાજુ ગયા વરસાદથી પુલના નીચેના ભાગે મોટુ પોલાણ થયેલ હોવાથી હવે કદાચ જો ધોડાાપુર આવે તો આ પુલ તુટવાની અને જાનમાલને મોટુ નુકશાન થવાની શકયતા રહેલી છે. આ બાબતમાં સરકારી તંત્ર અને ગ્રામ પંચાયત તુરત જ યોગ્ય કાર્યવાહી કરે અન્યથા મોટી જાનહાની થશે તો એની જવાબદારી કોણ ?