જેકસ કાલિસ, ઝહિર અબ્બાસ, લિસા સ્ટેથાલકર આઇસીસીની હોલ ઓફ ફેઇમમાં સામેલ

સાઉથ આફ્રિકાના મહાન ઓલરાઉન્ડર જેક્સ કાલિસ, પાકિસ્તાનના દિગ્ગજ ઝહિર અબ્બાસ અને મૂળ પૂણેમાં જન્મેલી પરંતુ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈને ત્યાંથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમેલી લિસા સ્ટેથાલકરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની હોલ ઓફ ફેઇમમાં સામેલ કરવામાં આવ્યા છે. એક ઓનલાઇન સમારંભમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેક્સ કાલિસ ૧૯૯૫થી ૨૦૧૪ દરમિયાન સાઉથ આફ્રિકા માટે ૧૬૬ ટેસ્ટ, ૩૨૮ વન-ડે અને ૨૫ ટી૨૦ મેચ રમ્યો હતો. ૪૪ વર્ષીય કાલિસે ટેસ્ટ કરિયરમાં ૧૩૨૮૯ અને વન-ડે કરિયરમાં ૧૧૫૭૯ રન ફટકાર્યા હતા. જે આજે પણ સાઉથ આફ્રિકા માટે સર્વોચ્ચ રનનો રેકોર્ડ છે. આ ઉપરાંત તેણે ટેસ્ટમાં ૨૯૨ અને વન-ડેમાં ૨૭૩ વિકેટ પણ ઝડપી હતી.
આમ તે માત્ર સાઉથ આફ્રિકા જ નહીં પરંતુ વિશ્ર્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરની હરોળમાં આવી ગયો હતો. તે એકમાત્ર એવો ઓલરાઉન્ડર છે જેણે ટેસ્ટ અને વન-ડેમાં દસ હજારથી વધારે રન અને આ બંને ફોર્મેટમાં ૨૫૦ થી વધુ વિકેટ ઝડપી હોય. કોરોના વાયરસની મહામારીને કારણે આઇસીસીએ આ સન્માન સમારંભ ઓનલાઇન જ યોજ્યો હતો. પાકિસ્તાનના એક સમયના અત્યંત લોકપ્રિય ક્રિકેટર ઝહિર અબ્બાસની સિદ્ધિઓથી વર્તમાન પેઢી અજાણ હશે પરંતુ તેઓ ટેસ્ટ ક્રિકેટના સૌથી આકર્ષક બેટ્સમેન હતા. ઝહિર અબ્બાસને એશિયન બ્રેડમેન કહેવાતા હતા. તેમના વિશે સુનીલ ગાવસ્કરે કહૃાું હતું કે મને આનંદ થયો કેમ કે એ સન્માન માટે તેમનાથી વિશેષ અન્ય કોઈ હોઈ શકે નહીં. ભલે તેમાં વિલંબ થયો પરંતુ ઝહિર અબ્બાસને રમતા જોવાનો લ્હાવો અલગ હતો પછી ભલે તે અમારી હરીફ ટીમમાંથી રમતા હતા.
ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ક્રિકેટર સ્ટેથાલકર આઠ ટેસ્ટ, ૧૨૫ વન-ડે અને ૫૪ ટી૨૦ મેચ રમી હતી. તેનો જન્મ મહારાષ્ટ્રના પૂણેમાં એક મરાઠી પરિવારમાં થયો હતો પરંતુ ત્યાર બાદ તે ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ હતી. સુનીલ ગાવસ્કરે આ અંગે પણ આનંદ વ્યક્ત કરતાં મજાક કરી હતી કે ચાલો આઇસીસીની હોલ ઓફ ફેઇમમાં વધુ એક ‘કર (ગાવસ્કર, સ્ટેથાલકર, તેંડુલકર)નો સમાવેશ થયો છે.