જેશીંગપરાનાં 21 દુકાનદારો ઉપર લેન્ડ ગ્રેબીંગની એફઆઇઆર

  • કેબીનો હટાવી નગરપાલીકાએ વૈકલ્પીક જગ્યા ફાળવવા કરેલી દરખાસ્ત સરકારે નામંજુર કરી છતા તેની ઉપર બાંધકામ કરાતા લેવાયેલ પગલા 
  • સીટની બેઠકમાં સરકારી જગ્યા દબાવાઇ હોવાનું સાબિત થતાં પગલા : મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ : એએસપી શ્રી અભય સોનીએ તપાસ સંભાળી : બપોરે એફઆઇઆર દાખલ થતા તમામ દુકાનોનાં શટર પડી ગયાં : દુકાનદારો દોડધામમાં : કોમ્પલેક્ષ ચણનાર કોન્ટ્રાક્ટર સામે પણ એફઆઇઆરમાં તપાસ મંગાઇ

અમરેલી,
અમરેલી નગરપાલિકાએ વૈકલ્પીક વ્યવસ્થા કરી દેવાના આશ્ર્વાસન સાથે જેશીંગપરાની ટ્રાફીકને અડચણરૂપ કેબીનો હટાવી કેબીન પાછળની જગ્યા કેબીન ધારકોને ફાળવવા માટે સરકારમાં કરેલી દરખાસ્ત નામંજુર થવા છતા આ જગ્યા ઉપર દુકાનો ઉભી કરનાર 21 દુકાનદારો ઉપર લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ થતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, શહેરના જેશીંગપરામાં શિવાજી ચોકમાં આવેલી કેબીનો ટ્રાફીકને નડતરરૂપ હોય આ ચોકની રોનક ફેરવવા માટે નગરપાલિકા દ્વારા કેબીન ધારકોને વૈકલ્પીક જગ્યા આપવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી કારણકે કેબીન પાછળની જગ્યા શ્રી સરકાર એટલે કે સરકારના ખાતાની હતી તેની માલીકી નગરપાલિકાની ન હતી અને આ કેબીનો દુર કરવામાં આવી હતી ત્યાર બાદ તા.12-2-2020 ના રોજ કલેકટરશ્રી મારફતે સરકારમાં ગયેલી દરખાસ્તને રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ના મંજુર કરવામાં આવી હતી.જેમની કેબીનો હતી તેમણે રોડની બંને સાઇડેથી કેબીનો હટાવી લીધી હતી આ તમામને દરખાસ્ત ના મંજુર થઇ હોવાનું જણાવાયુ હતુ અને કલેકટરશ્રીએ આ જગ્યા ઉપર ફેબ્રુઆરી 2020 માં એટલે કે લોકડાઉન પહેલાના થોડા સમયથી જ બાંધકામ શરૂ થયુ હોવાની રજુઆત તા.14-10-2020 ના રોજ થતા તેમણે તપાસનો હુકમ કર્યો હતો નગરપાલિકાએ આ 21 દુકાનદારો માટે 300 વાર જગ્યા માંગી હતી અને કલેકટરશ્રીના આદેશથી થયેલી તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે, કુલ 390.71 ચોરસમીટર જમીન ઉપર બાંધકામ થઇ ગયેલ છે જમીનની બજાર કિંમત 39 લાખ 53 હજાર 985 છે અને આ વાદગ્રસ્ત જમીન ઉપર બાંધકામ થયેલ હોય બાંધકામ સહિતની આ જમીનની કિંમત રૂા. 70 લાખ 32 હજાર 780 થાય છે. કલેકટરશ્રી દ્વારા તપાસનો હુકમ કરાતા મામલતદાર શ્રી દ્વારા દુકાનદારોના નિવેદન લેવાયા હતા જેમાં દુકાનદારોએ માલીકી અંગે યોગ્ય આધાર પુરાવા રજુ ન કરતા અને સ્પષ્ટતા ન કરતા તથા મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા ના મંજુર થયેલ દરખાસ્તના હુકમ સામે કોઇ અપીલ કરી ન હતી જેથી સરકારની રૂા.10120 પ્રતિ ચોરસ મીટરના ભાવની આ જમીન હડપ કરવા પુર્વ આયોજીત કાવતરૂ ઘડી બાંધકામ કરવા ટાઉન પ્લાનીંગ એક્ટ નીચે પરવાનગી મેળવ્યા વગર લાયસન્સ ધરાવતા એન્જીનીયર કે સુપરવાઇઝર રાખી વિશાળ બાંધકામ કરેલ હોવાનું ન જણાતા આ ગેરકાયદેસર બાંધકામ 21 શખ્સો દ્વારા એક સંપ કરી કરેલ હોવાનું જણાતુ હોય અને આ સ્થળે કોઇ એક કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર કોન્ટ્રાકટ રાખી બાંધકામ થયેલ છે કે કેમ તે બાબત પણ તપાસનો વિષય બને છે તેમ જણાવી જેશીંગપરાના 21 દુકાનદારો સામે સરકારશ્રીની જાહેર માલીકીની જમીન ઉપર અનઅધિકૃત રીતે પાકી દુકાનો બાંધકામ કરી 70 લાખની સરકારી મિલ્કત પચાવી પાડી હોય તેમની સામે ગુનો દાખલ કરવા માટે મામલતદાર અમરેલીએ શ્રી કમલેશભાઇ મથુરાદાસ સંપટએ લેખીત ફરિયાદ આપતા શહેર પોલીસમાં ગુનો દાખલ કરાયેલ છે અને આ અંગે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની દ્વારા તપાસ સંભાળી લેવામાં આવી છે.કેબીન ધારકોને સરકારી જમીન ઉપર પોતાની કેબીન હટાવી તેની બદલે સરકારની મંજુરી મળ્યા વગર દુકાનો બનાવવાનું ભારે પડયુ છે તેમની કેબીનો પણ ગઇ છે અને બાંધકામમાં વપરાયેલા નાણા પણ અત્યારે ગયા છે શહેરમાં આ ઘટનાએ ચકચાર જગાવી છે.

  • કોની કોની સામે ફરિયાદ

(1) શબ્બીરભાઇ જેસુદ્દીનભાઇ તરવાડી, (2) ધીરૂભાઇ માધાભાઇ રાઠોડ, (3) પાર્થ હિંમતભાઇ ભાડ, (4) ભગવાનભાઇ વલ્લભભાઇ ત્રાપસીયા, (5) મેહુલભાઇ રમેશભાઇ પંડ્યાં, (6) શાંતિલાલ મોહનભાઇ સાવલીયાનાં પુત્ર સનીભાઇ, (7) પ્રતાપભાઇ મોહનભાઇ સાવલીયા, (8) ભુપતભાઇ જેન્તીભાઇ સાવલીયા, (9) ભદ્રેશભાઇ સવજીભાઇ માંગરોળીયા, (10) ભરતકુમાર શિવશંકરભાઇ પંડ્યાં, (11) સુરેશભાઇ શિવશંકરભાઇ પંડ્યાં, (12) રાકેશભાઇ જયંતીભાઇ કિકાણી, (13) વિરાટભાઇ ભરતભાઇ અજાણી, (14) સંજયભાઇ રમણીકભાઇ રફાળીયા, (15) ઘનશ્યામભાઇ રવજીભાઇ કાછડીયા, (16) પ્રવિણભાઇ બાબુભાઇ માંગરોળીયા , (17) બચુભાઇ ભગવાનભાઇ ભટ્ટી, (18) ધીરૂભાઇ રવજીભાઇ પટોળીયા, (19) મધુભાઇ શંભુભાઇ સુખડીયા, (20) કેશુભાઇ જયરામભાઇ બુટાણી
(21) ભરતભાઇ સવજીભાઇ માંગરોળીયા