જે રીતે શંકરસિંહ ગાદીએ બેઠા હતા એ રીતે પાઈલટ મુખ્યમંત્રી બની શકે

રાજસ્થાનમાં ચાલી રહેલી કોંગ્રેસની ભવાઈમાં અશોક ગહલોત વર્સીસ સચિન પાઈલટની કુસ્તી પતી નથી ત્યાં રાજ્યપાલ કલરાજ મિશ્રા અને અશોક ગહલોતની કુસ્તી ચાલુ થઈ ગઈ છે. ગહલોતે વિધાનસભાનું સત્ર બોલાવવાની માગણી કરેલી પણ કલરાજ મિશ્રાએ હાથ નહોતો મૂકવા દીધો. ગેહલોતે રાજભવન સામે ધરણાંનાં ને એવાં બધાં નાટક કર્યાં ને છેવટે મોદીના ઘરની સામે ધરણાં પર બેસાવાનું ત્રાગું કરવાની પણ જાહેરાત કરેલી. મિશ્રા ખાઈબદેલા રાજકારણી છે તેથી તેમના પર કંઈ અસર ન થઈ એટલે છેવટે ગહલોત નાના છોકરાની જેમ મોદીને ફરિયાદ કરવા દોડી ગયેલા. મોદીએ ગહલોતને શું કહ્યું એ રામ જાણે પણ એ પછી મિશ્રા થોડા નરમ પડ્યા છે ને તેમણે વિધાનસભાનું સત્ર બોલાવવાની વાત મંજૂર રાખી છે.

જો કે મિશ્રાએ તેમાં પણ શરતો તો મૂકી જ છે. ગહલોત તાબડતોબ વિધાનસભાનું સત્ર બોલાવવા માગતા હતા પણ મિશ્રાએ ધારાસભ્યોને 21 દિવસનો સમય આપી શકાય કે નહીં એવો સવાલ કર્યો છે. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું કમઠાણ ઊભું થયું છે તેથી તેનું શું કરીશું એવો સવાલ પણ મિશ્રાએ ઊભો કર્યો છે. મિશ્રાએ એવો સવાલ પણ કર્યો છે કે, ગહલોત વિશ્વાસનો મત લેવા માગે છે કે નહીં. મિશ્રાનો આ સવાલ હાસ્યાસ્પદ છે કેમ કે ગહલોતે વિશ્વાસનો મત લેવો કે નહીં એ રાજ્યપાલે જ નક્કી કરવાનું હોય. રાજ્યપાલને લાગે કે મુખ્યમંત્રી પાસે બહુમતી નથી તો એ વિશ્વાસનો મત લેવાનું કહી શકે. મુખ્યમંત્રી સામેથી પણ કહી શકે પણ અત્યારના સંજોગોમાં રાજ્યપાલે એ નક્કી કરવું પડે.

રાજ્યપાલ અને ગહલોતની આ કુસ્તીમાં રાજસ્થાનમાં ભાજપ ચૂપચાપ તમાશો જોતો હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે પણ અંદરખાને વાત અલગ હોઈ શકે. સચિન પાઈલટને મહત્તમ સમય મળે તો એ પક્ષાંતર ધારો લાગુ ન પડે એ રીતે કોંગ્રેસમાં ભંગાણ સર્જી શકે એ ફોર્મ્યુલા પર ભાજપ આગળ વધી રહ્યો હોય એવું લાગે છે. પાઈલટ પાસે અત્યારે 19 ધારાસભ્યો છે ને પક્ષાંતર ધારો લાગુ ના પડે એ માટે તેમણે કોંગ્રેસના ત્રીજા ભાગના ધારાસભ્યોને તોડી લાવવા પડે. કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે એ હિસાબે ત્રીજા ભાગના ધારાસભ્યોને તોડવા હોય તો પાઈલટના પડખે 36 ધારાસભ્યો જોઈએ. પાઈલટ પાસે અત્યારે 19 ધારાસભ્યો છે એ જોતાં એ બીજા 17 ધારાસભ્યોને ખેંચી લાવે તો કોઈ કશું ન બગાડી શકે. પાઈલટ પાસે 36 ધારાસભ્યો થાય પણ તેને માટે સમય જોઈએ. અત્યારે ભાજપ જે રીતે વર્તી રહ્યો છે તેના પરથી સાફ છે કે, ભાજપ સચિન પાઈલટ લાભાર્થે સમય ખેંચી રહ્યો છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા ભાજપના જૂના જોગી છે તેથી એ પણ આ રમતમાં સામેલ છે જ એ કહેવાની જરૂર નથી.

ભાજપ જે કંઈ કરી રહ્યો છે એ ઘણાંને ગંદી રમત લાગશે પણ ભાજપ એ જ કરી રહ્યો છે કે જે કોંગ્રેસ પહેલા કરી ચૂકી છે. આ દેશના ઈતિહાસમાં રાજકીય રીતે કોઈ પાપ એવું નથી કે જે કોંગ્રેસે ન કર્યું હોય. રાજ્યપાલનો કઠપૂતળી તરીકે ઉપયોગ કરવાથી માંડીને સ્પીકરોને સાધીને વિપક્ષોની સરકારો ઊથલાવવા સુધીનાં બધાં પાપ કોંગ્રેસે કર્યાં છે. કોંગ્રેસ પોતાનાં પાપોનું ફળ ભોગવી રહી છે. કોંગ્રેસે સત્તાના દુરૂપયોગની ગંદી રમતો ભાજપને શીખવી ને ભાજપ એ જ રમતો રમીને હવે કોંગ્રેસને ભિખારી બનાવી રહ્યો છે.

રાજસ્થાનમાં ભાજપ સચિન પાઈલટ પાસે જે ખેલ કરાવવા માગે છે એ ખેલ કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા પાસે કોંગ્રેસ અઢી દાયકા પહેલાં કરાવેલો. 1995માં ગુજરાતમાં પહેલી વાર ભાજપની સરકાર રચાઈ પછી કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવેલા. એ વખતે ભાજપના દિગ્ગજ નેતા મનાતા શંકરસિંહ વાઘેલાને પણ ગુજરાતના મુખ્યમંત્રી બનવાના ઓરતા હતા તેથી તેમણે બહુમતીથી ચૂંટેલી કેશુભાઈની સરકારને ઘરભેગી કરવાનું પાપ કરેલું. આ પાપમાં કોંગ્રેસ બરાબરની ભાગીદાર હતી ને તેણે જ શંકરસિંહને નિસરણી આપેલી. શંકરસિંહે પહેલી વાર બળવો કરીને ખજૂરાહોકાંડ કર્યો એ વખતે મધ્ય પ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે તન,મન, ધનથી તેમને મદદ કરેલી. શંકરસિંહના પક્ષપલટુ ધારાસભ્યોને ખજૂરાહોમાં રાખવાનો બંદોબસ્ત પણ કોંગ્રેસે જ કરેલો. એ વખતે અટલ બિહારી વાજપેયીએ દરમિયાનગીરી કરીને સમાધાન કરાવેલું પણ આ સમાધાન લાંબું ના ટક્યું. 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના જ ઉમેદવાર શંકરસિંહને ગોધરામાં હરાવ્યા ને શંકરસિંહે બળવો કરી નાખ્યો.

બીજી વાર શંકરસિંહે બળવો કર્યો એ વખતે વિધાનસભામાં રીતસરની ગુંડાગીરી થઈ હતી. શંકરસિંહે ભાજપનું બોર્ડ પતાવી નાખવાનું નક્કી કર્યું એ વખતે રાજ્યપાલ સરૂપસિંહ હતા. શંકરસિંહની બગાવતના કારણે ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગયેલી. સરૂપસિંહે ભાજપના મુખ્યમંત્રી સુરેશ મહેતાને વિશ્વાસનો મત લેવા કહેલું. વિધાનસભાના સ્પીકર એચ.એલ. પટેલ બીમાર હતા તેથી ડેપ્યુટી સ્પીકર એવા કોંગ્રેસના ચંદુભાઈ ડાભી પાસે સ્પીકરનો ચાર્જ હતો.

સુરેશ મહેતા વિશ્વાસનો મત લેવાના હતા ત્યારે વિધાનસભામાં ભારે ધમાલ થયેલી. બેફામ ગાળાગાળી, આક્ષેપો ને છેવટે ધારાસભ્યો મારામારી પર ઊતરી આવેલા. વિધાનસભામાં એ હદે અરાજકતા વ્યાપી ગયેલી કે ધારાસભ્યોને ઉઠાવી ઉઠાવીને બહાર લઈ જવા પડેલા. ડાભીને ગમે તે કારણસર ભાજપ પર હેત ઉભરાયેલું તેથી તેમણે ભાજપની તરફેણ કરેલી. સુરેશ મહેતા વિપક્ષની ગેરહાજરીમાં વિશ્વાસનો મત જીતી ગયેલા. બીજી બાજુ બહાર નીકળેલા શંકરસિંહના સમર્થક ધારાસભ્યો ને બીજા લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મળીને બેફામ તોડફોડ કરેલી. પત્રકારોએ પણ હેરાન થવું પડ્યું હતું.

સરૂપસિંહને તો દોડવું તું ને ઢાળ મળ્યો તેથી તેમણે રાજ્યમાં જંગલરાજ થઈ ગયું છે એવો રિપોર્ટ મોકલી આપ્યો. કેન્દ્રમાં એ વખતે ત્રીજા મોરચાની કોંગ્રેસની આંગળિયાત સરકાર હતી ને તેણે કોંગ્રેસના ઈશારે આ બહાને સુરેશ મહેતા સરકારને બરતરફ કરી નાખીને રાષ્ટ્રપતિશાસન લાદી દીધું. એક મહિના સુધી શકંરસિંહને ભાજપમાં ભેલાણ કરવાનો સમય આપી દેવાયો. શંકરસિંહે તેનો લાભ ઉઠાવીને ભાજપના 46 ધારાસભ્યોને પોતાની તરફ કરી દીધા. મહિના પછી રાજ્યપાલે શંકરસિંહ વાઘેલાને સરકાર રચવા નોંતર્યા ને ગાદી પર બેસાડી દીધા.

કલરાજ મિશ્રા પણ આ જ દાવ ખેલી રહ્યા હોય એવી પૂરી શક્યતા છે. મિશ્રાએ જે રીતે 21 દિવસની નોટિસની વાત કરી છે અને ગહલોત વિશ્ર્વાસનો મત લેવા માગે છે તેની ચોખવટ કરવા કહ્યું છે તેના પરથી સાફ છે કે, ભાજપ પાઈલટને ઉની આંચ આવવા દેવા નથી માગતી. પાઈલટ અને તેના સાથીઓનું ધારાસભ્યપદ જાય નહીં ને સામે પાઈલટને કોંગ્રેસના કેમ્પમાં આખેટ કરવાનો સમય મળે એ રીતની બાજી ગોઠવાઈ રહી છે. એક વાર બધું પાકે પાયે ગોઠવાઈ જાય પછી વિધાનસભાનું સત્ર બોલાવીને ગહલોતને વિશ્ર્વાસનો મત લેવા કહેવાય ને એ વખતે વિધાનસભામાં ધમાધમી કરાવીને ગહલોત સરકારને ઘરભેગી કરવાનો તખ્તો તૈયાર કરી દેવાય એવું બને. થોડો સમય રાષ્ટ્રપતિ શાસન લાદીને પછી સચિન પાઈલટ ભાજપના ટેકાથી ગાદી પર બેસી જાય ને એ રીતે ગહલોતની પારાયણ પૂરી થઈ જાય એવું બને.

ભાજપે મધ્ય પ્રદેશ અને એ પહેલાં કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવીને સરકારોને ઘરભેગી કરેલી. આ વખતે એવું થઈ શકે તેમ નથી કેમ કે અત્યારે ગહલોત પાસે પૂરતા પ્રમાણમાં ધારાસભ્યો છે. પાઈલટના ૧૯ ધારાસભ્યોને બાદ કરો પણ ગહલોતને હજુ ૧૦૫ ધારાસભ્યોનો ટેકો છે જ. બીજી તરફ ભાજપ પાસે ૭૨ ધારાસભ્યો છે, હનુમાન બેનિવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના 3 ને 1 અપક્ષ મળીને કુલ 76 ધારાસભ્યો ભાજપ પાસે છે. પાઈલટના 19 ધારાસભ્યો તેમાં ઉમેરાય તો પણ 95 ધારાસભ્યો પર આંકડો પહોંચે. આ સંજોગોમાં પાઈલટ કેમ્પ પાસે રાજીનામાં અપાવવાનો વિકલ્પ કામ કરે તેમ નથી તેથી પણ ભાજપ નવી ફોર્મ્યુલા અપનાવતો હોય એવી પૂરી શક્યતા છે.

ભાજપ જે કંઈ કરી રહ્યો છે કે જે કંઈ કરશે એ બંધારણ પ્રમાણે છે જ એવું નથી. ભાજપે સિદ્ધાંતોને તો ક્યારનાય કોરાણે મૂકી દીધા છે તેથી તેની તો અપેક્ષા જ નથી પણ તેના માટે ભાજપને દોષ દઈ શકાય એમ નથી. આ દેશમાં કોંગ્રેસ સત્તામાં સૌથી લાંબો સમય રહી ને એક સમયે તો તેની સામે કોઈ પક્ષ જ નહોતો. એ વખતે કોંગ્રેસે નીતિમત્તાના ઉચ્ચ માપદંડ સ્થાપિત ના કર્યા. કોંગ્રેસે સત્તા માટે સાવ નીચલી પાયરીએ ઊતરી જવામાં ને છેલ્લે પાટલે બેસવામાં પણ છોછ ના રાખ્યો. બલકે સત્તા માટે કોંગ્રેસીઓ સાવ કપડાં કાઢીને ઊભા રહી ગયા એમ કહીએ તો ચાલે. હવે એ જ ખેલ બીજા કરે છે ત્યારે કોંગ્રેસ રડારોળ કરે એ ન ચાલે. તમે જેવું વાવો એવું લણો. તમે આખી જિંદગી સિદ્ધાંતોની ઐસીતૈસી કરી ને હવે ભાજપ પાસેથી સિદ્ધાંતોના પાલનની અપેક્ષા રાખો એ કઈ રીતે ચાલે?