જૉનસન એન્ડ જૉનસને કોરોના વૅક્સીનના ટ્રાયલ પર લગાવી રોક

 • ટ્રાયલમાં ભાગ લઈ રહેલા એક વ્યક્તિની તબીયત લથડતા લેવાયો નિર્ણય

  દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીએ કેર વર્તાવ્યો છે ત્યારે વિશ્ર્વભરની કંપનીઓ કોવિડ ૧૯ની રસી વિકાસાવવાની કવાયતમાં લાગી ગઈ છે. હાલમાં દેશમાં સંખ્યાબંધ કંપનીઓ કોવિડ ૧૯ની વેક્સીનનું નિર્માણ કરવા તેના ટ્રાયલ હાથ ધરી રહી છે. જોનસન એન્ડ જોનસને પોતાની કોરોના વેક્સીનની ટ્રાયલ પર રોક લગાવી દીધી છે. ટ્રાયલ્સમાં ભાગ લેનાર એક સ્વયંસેવકમાં કોઈ બીમારી જણાતા કંપનીને તેની ટ્રાયલ્સ અટકાવવાની ફરજ પડી છે.
  જોનસન એન્ડ જોનસને આ વાતની પુષ્ટિ કરી હતી કે તેમની કોવિડ ૧૯ની વેક્સીનની ટ્રાયલ્સમાં એક સ્વયંસેવકને બીમારી તેમજ કેટલી પ્રતિકૂળ અસર જોવા મળતા હાલમાં ટ્રાયલ સ્થગિત રાખવામાં આવી છે. અગાઉ બ્રિટનની એસ્ટ્રાઝેનેકાએ પણ તેની કોરોનાની રસીના અંતિમ તબક્કાના ટ્રાયલને અટકાવી દીધું હતું.
  ચાલુ મહિનાના પ્રારંભે જોનસન એન્ડ જોનસન અમેરિકામાં વેક્સીન ઉત્પાદકોની શોર્ટ લિસ્ટમાં સામેલ થઈ હતી. જોનસન એન્ડ જોનસની એડી૨૬-સીઓવી૨-એસ વેક્સીન અમેરિકામાં ચોથી વેક્સીન છે જે ક્લિનિકલ ટ્રાયલ્યના અંતિમ તબક્કામાં છે. અગાઉની રિપોર્ટમાં જણાવાયું હતું કે વેક્સીનની પ્રાંરભિક ટ્રાયલના અધ્યયનમાં કોરોના વાયરસ સામે મજબૂત પ્રતિકારક ક્ષમતા જોવા મળી છે. સંશોધકોના મતે અત્યાર સુધીના પરીક્ષણ પરિણામોના આધારે વેક્સીનથી કોઈ ગંભીર આડઅસર જણાઈ નથી.
  જોનસન એન્ડ જોનસને ચોથા તેમજ અંતિમ તબક્કાના ટ્રાયલ્સ શરૂ કર્યા હતા ત્યારે જ કંપનીએ જણાવ્યું કે, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો અને પેરુમાં ૬૦ હજાર લોકો પર વેક્સીનનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીના મતે એક સ્વયંસેવકમાં કેટલીક સામાન્ય બીમારી સામે આવતા સુરક્ષાના કારણોસર ટ્રાયલને અટકાવવામાં આવી છે.
  ઉલ્લેખનીય છે કે કોવિડ ૧૯ની રસીના મોટાપાયે ટ્રાયલ્ય હાથ ધરાઈ રહૃાા હોવાથી કેટલીક સામાન્ય સમસ્યાઓ ઊભી થવી સ્વાભાવિક છે. નિષ્ણાતોના મતે કંપનીઓ એક સાથે ૧૦-૨૦ હજાર લોકો પર પરીક્ષણ કરતી હોવાથી એકાદ વ્યક્તિમાં તેની સામાન્ય આડઅસર સામે આવવી કોઈ મોટી બાબત નથી જો કે નવી રસીના ટેસ્ટિંગમાં આવા પડકારો સામે આવવાથી જ અસરકારક રસીની શોધ થઈ શકે છે.