દેશમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ને આ પાંચ રાજ્યોમાં એક પંજાબ પણ છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે ને રાજકીય રીતે પણ મહત્ત્વનું રાજ્ય છે તેથી સૌનું ધ્યાન તેના તરફ વધારે છે, પણ પંજાબ પણ મહત્ત્વનું રાજ્ય છે જ. પંજાબમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે ને કોંગ્રેસ ઠેકઠેકાણે પછડાઈ રહી છે તેથી પંજાબમાં તેનું શું થશે એ જાણવામાં સૌને રસ છે જ. પંજાબમાં ફરી જીતવા કોંગ્રેસે મુખ્યમંત્રી બદલી નાખ્યા ને કેપ્ટન અમરિન્દરસિંહને વખારમાં નાંખીને ચરણજીતસિંહ ચન્નીને ગાદી પર બેસાડી દીધા. એ પહેલાં સુનિલ જાખરને હટાવીને નવજોત સિધ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવાયેલો. ચન્ની-સિધ્ધુની જોડી કોંગ્રેસને ફરી સત્તા અપાવશે એવી આશા કોંગ્રેસીઓ રાખી રહ્યા છે ત્યાં ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પરિણામોએ કોંગ્રેસને આંચકો આપી દીધો છે.
ચંદીગઢ આમ તો કેન્દ્રશાસિત પ્રદેશ છે પણ સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે. આ કોર્પોરેશનમાં કુલ 35 બેઠકો માટેની ચૂંટણી હતી ને તેમાંથી કોંગ્રેસને ગણીને 4 બેઠકો મળી છે જ્યારે આમ આદમી પાર્ટી 14 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી છે. ભાજપ 12 બેઠકો સાથે બીજા નંબરે છે જ્યારે અકાલી દળને સમ ખાવા પૂરતી એક બેઠક મળી છે. ચંદીગઢનાં પરિણામો ભાજપ માટે પણ આંચકાજનક છે કેમ કે છેલ્લી ચૂંટણીમાં ભાજપને 20 બેઠકો મળેલી. એ વખતે 26 બેઠકોની ચૂંટણી હતી ને તેમાં ભાજપે સપાટો બોલાવી દીધેલો. આ વખતે 9 બેઠકોનો વધારો કરાયો તેથી ભાજપની બેઠકો વધવાની આશા હતી પણ એ આશા ફળી નથી. ભાજપ માટે શરમજનક વાત એ છે કે, તેના મેયર પણ ચૂંટણી હારી ગયા છે.
ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 સભ્યોને સરકાર નોમિનેટ કરે છે. કેન્દ્રમાં ભાજપનું શાસન હોવાથી ભાજપને માફક આવે એવા સભ્યોને નોમિનેટ કરીને ભાજપ પોતાના મેયર બેસાડી શકે છે. જો કે એ વાત રાજકીય દાવપેચની છે. ચૂંટણીનાં પરિણામો તો ભાજપની હાર જ બતાવે છે તેથી ભાજપ માટે આ પરિણામ આંચકાજનક છે જ પણ કોંગ્રેસ માટે વધારે આંચકાજનક છે કેમ કે આ પરિણામો એ વાતનો સંકેત છે કે, કોંગ્રેસ માટે પંજાબની ચૂંટણી જીતવી એટલી સરળ નહીં હોય. કોંગ્રેસ ચંદીગઢમાં જીતીને પોતે પંજાબમાં ફરી સરકાર રચશે એવો મેસેજ આપવા માંગતી હતી પણ ચંદીગઢના પરિણામોએ તેની આશા પર પાણી ફેરવી દીધું છે.
આ પરિણામોના પગલે આમ આદમી પાર્ટી રાજાપાઠમાં છે. “આપ’ના નેતા દિલ્હીથી દોડ્યા છે ને ચંદીગઢમાં ઉતરી પડ્યા છે. જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે ને ચંદીગઢ પછી હવે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ “આપ’ જીતશે એવા દાવા થઈ રહ્યા છે. “આપ’ના મુખિયા અરવિંદ કેજરીવાલે તો આ પરિણામોને પંજાબ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોનું ટ્રેલર જ ગણાવી દીધું છે. કેજરીવાલનો દાવો છે કે, આ પરિણામો એ વાતને સ્પષ્ટ સંકેત છે કે, પંજાબ હવે પરિવર્તન માટે તૈયાર છે. ચંદીગઢના લોકોએ ભ્રષ્ટ રાજકારણને નકારીને પ્રમાણિક રાજકારણને પસંદ કર્યું છે. આ પરિણામો થોડા મહિના પછી પંજાબમાં આવનારા પરિવર્તનનો સંકેત છે.
ચંદીગઢના દેખાવથી આમ આદમી પાર્ટી ભલે ફોર્મમાં આવી ગઈ હોય પણ તેના કારણે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં “આપ’ જીતી જશે એવી આશા વધારે પડતી છે. તેનું કારણ એ કે, ચંદીગઢ પંજાબની રાજધાની છે પણ આખું પંજાબ નથી. પંજાબ મુખ્યત્વે ગામડાંમાં વસેલું છે જ્યારે ચંદીગઢ શહેરી વિસ્તાર છે. ગ્રામીણ પંજાબ અને શહેરી પંજાબ વચ્ચે કેટલો મોટો ફરક છે તેનો અંદાજ એ વાત પરથી જ આવે કે, પંજાબમાં રાજકીય પક્ષ તરીકે ભાજપના ચણા પણ નથી આવતા જ્યારે ચંદીગઢમાં ભાજપ સત્તામાં હતો. કોંગ્રેસ 2016માં થયેલી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયેલી ને બે મહિના પછી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર સફળતા મેળવીને જીત મેળવી હતી.
વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં જીતવું હોય તો ગ્રામીણ વિસ્તારમાં જીતવું પડે ને તેમાં પણ માલવામાં જીતવું પડે. પંજાબ ભૌગૌલિક અને રાજકીય રીતે માલવા, દોઆબા અને માઝા એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે પણ સ્થિતિ આધે મેં રામ ઔર આધે મે ગામ જેવી છે કેમ કે અસલી ખેલ માલવામાં છે. માલવા 14 જિલ્લા સાથે ભૌગૌલિક રીતે પંજાબનો સૌથી મોટો વિસ્તાર છે. પંજાબ વિધાનસભાની 117 બેઠકોમાંથી દોઆબામાં 23 ને માઝામાં 25 મળીને કુલ 48 બેઠકો છે. બીજી તરફ એકલા માલવામાં જ 69 બેઠકો છે. મતલબ કે, પંજાબ વિધાનસભાની અડધા કરતાં વધારે બેઠકો માલવા વિસ્તારમાં જ છે. ટકાવારીની રીતે ગણીએ તો 60 ટકાની આસપાસ બેઠકો માલવા વિસ્તારમાં છે. આ કારણે જે પક્ષ માલવા સર કરી શકે તે પંજાબમાં જીતે. જે માલવા કબજે કરે તેની પંજાબમાં સરકાર રચાય એ સમીકરણ વરસોથી કામ કરે છે.
કોંગ્રેસે 2017માં પંજાબ કબજે કર્યું તેમાં માલવામાં મળેલી ધાંય ધાંય સફળતા જવાબદાર હતી. માલવા અકાલી દળનો ગઢ ગણાય છે પણ કોંગ્રેસે છેલ્લી ચૂંટણીમાં એ ગઢના કાંગરા ખેરવીને 69માંથી 40 બેઠકો કબજે કરેલી. કોંગ્રેસને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ અકાલી દળના મતો તોડીને બહુ મદદ કરેલી. આમ આદમી પાર્ટી છેલ્લી ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ઉભરેલી. “આપ’ને 20 બેઠકો મળેલી ને તેમાંથી 18 બેઠકો તેણે માલવા વિસ્તારમાંથી જીતી હતી. એ રીતે “આપ’ને પણ માલવા બરાબર ફળેલું. “આપ’એ માલવામાં પગપેસારો કરીને પંજાબમાં સ્થિતિ મજબૂત કરી નાખેલી. આ વખતે જીતવું હોય તો માલવામાં બધાંનો સફાયો કરવો પડે.
બીજી એક વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. “આપ’નો પ્રભાવ મુખ્યત્વે દિલ્હીમાં છે અને દિલ્હીમાં “આપ’ વિધાનસભાની સળંગ ત્રણ ચૂંટણી જીતી છે તેથી દિલ્હીમાં તેની તાકાત વિશે શંકા ના કરાય પણ પંજાબમાં “આપ’નો દેખાવ કભી ગરમ ગરમ, કભી નરમ નરમ જેવો છે. “આપ’ની સ્થાપના 2012માં થઈ અને 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને “આપ’એ શાનદાર દેખાવ કરેલો. એ વખતે “આપ’ને સ્પષ્ટ બહુમતી નહોતી મળી અને કોંગ્રેસની મદદથી સરકાર રચવી પડેલી પણ એ સરકારે લાબું નહોતું ખેચ્યું. એ પછી 2015 અને 2020 એમ બે વાર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અકલ્પનિય બેઠકે મેળવીને “આપ’એ સરકાર રચી છે ને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા છે.
દિલ્હીમાં એ રીતે “આપ’નો દબદબો સાબિત થયો છે પણ દેશનાં બીજાં રાજ્યોમાં “આપ’નો દેખાવ બહુ પ્રભાવશાળી નથી. દિલ્હીની બહાર “આપ’એ નોંધપાત્ર દેખાવ કર્યો હોય એવું એક માત્ર રાજ્ય પંજાબ છે પણ પંજાબમાં પણ “આપ’નો દેખવ સાતત્યપૂર્ણ નથી જ. પંજાબમાં “આપ’ મજબૂત છે તેનો પહેલી વાર અહેસાસ 2014ની લોકસભા ચૂંટણી વખતે થયેલો. એ વખતે દિલ્હીમાં “આપ’નાં સૂપડાં સાફ થઈ ગયેલાં પણ પંજાબમાંથી ચાર ઉમેદવાર ચૂંટાયા હતા. “આપ’ના કુલ ચાર જ સાંસદ લોકસભામાં ચૂંટાયેલા ને એ ચારેય પંજાબમાંથી હતા.
“આપ’નો 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ દેખાવ સારો હતો. એ વખતે કેજરીવાલની પાર્ટી સિમરજીતસિંહ અને બલવિંદરસિંહ એ બૈંસ બંધુઓની પાર્ટી લોક ઈન્સાફ પાર્ટી સાથે જોડાણ કરીને લડેલી. “આપ’ 112 બેઠકો પર ને લોક ઈન્સાફ પાર્ટી પાંચ બેઠકો પર લડેલી. તેમાંથી “આપ’ને 20 જ્યારે બૈંસ બંધુઓની પાર્ટીને 2 બેઠકો મળેલી. “આપ’ને પોતાની સરકાર રચાશે એવી આશા હતી પણ કોંગ્રેસે જોરદાર દેખાવ કરીને એવું નહોતું થવા દીધેલું. “આપ’ એટલું આશ્વાસન લઈ શકે એમ હતી કે, અકાલી દળને બદલે એ મુખ્ય વિરોધ પક્ષ બની ગયો.વિધાનસભાની ચૂંટણીના આ દેખાવને પગલે “આપ’ 2019ની લોકસભા ચૂંટણીમાં 2014 કરતાં વધારે સારો દેખાવ કરવાની આશા રાખતી હતી પણ તેના બદલે “આપ’ સાવ પતી ગયો. આપ’એ પંજાબમાં લોકસભાની તમામ 13 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખેલા ને તેમાંથી 12 હારી ગયા. એકલો કોમેડીયનમાંથી રાજકારણી બનેલો ભગવંત માન સંગરૂર બેઠક પરથી જીત્યો. 2014ની ચાર બેઠકો પણ “આપ’ જાળવી નહોતો શક્યો ને સીધો એક બેઠક પર આવી ગયો હતો. અત્યારે લોકસભામાં ભગવંત માન “આપ’ના એક માત્ર સાંસદ છે. એ વખતે આપ’એ ચંદીગઢ લોકસભા બેઠક પરથી હરમોહન ધવનને ઊભા રાખેલા ને તેમની ડિપોઝિટ પણ ગઈ હતી. ભાજપના કિરણ ખેર કોંગ્રેસના પવનકુમાર બંસલ સામે એક લાખ કરતાં વધારે મતે જીતેલાં જ્યારે ધવનને ગણીને 13 હજાર મત મળેલા.
ટૂંકમાં પંજાબમાં “આપ’ એક વાર સારો દેખાવ કરે એટલે પછી જામી જ જશે એવી ગેરંટી નથી જ. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “આપ’નો દેખાવ સારો છે તેમાં બેમત નથી પણ તેના જોરે આખું પંજાબ સર કરવાની આકાંક્ષા વધારે પડતી છે.