જો બાઈડનના સત્તારોહણ સાથે જ દુનિયાના અનેક દેશ રાજીના રેડ થયા

અંતે જો બાઈડન અમેરિકાના પ્રેસિડેન્ટ બની ગયા. બાઈડન સામે ભૂંડી હાર થવા છતાં પોતાની ટંગડી ઊંચી રાખવા માટે જાત જાતના ઉધામા કરનારા ડોનલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ ખાલી નહીં કરે ને બાઈડનને પ્રેસિડેન્ટ નહીં બનવા દે એવી વાતો લાંબા સમયથી ચાલતી હતી. તેના કારણે બાઈડનની શપથવિધી પહેલાં નવો ડ્રામા થશે એવી આશા રાખીને સૌ બેઠેલાં, પણ સદનસીબે એવું કશું ન થયું. ટ્રમ્પની શપથવિધિ પહેલાં ટ્રમ્પને તેમની રૂપકડી બૈરી મેલાના ટ્રમ્પ વ્હાઈટ હાઉસ ખાલી કરીને નીકળી ગયાં.
જો કે ટ્રમ્પે જતાં જતાં પણ હલકટાઈ તો બતાવી જ. અમેરિકામાં વિદાય લેતા પ્રેસિડેન્ટ નવા પ્રેસિડેન્ટની શપથવિધિમાં હાજરી આપે છે. આ વરસોથી ચાલી આવતી પરંપરા છે ને થોડા અપવાદોને બાદ કરતાં મોટા ભાગના પ્રેસિડેન્ટ્સે આ પરંપરા નિભાવી છે. ટ્રમ્પ પોતાની હારને પચાવી નથી શક્યા તેથી બાઈડનના શપથવિધિ સમારોહમાં હાજર ના રહ્યા. પરંપરા એવી છે કે વિદાય લેતા પ્રમુખ નવા પ્રમુખને વ્હાઈટ હાઉસમાં પ્રવેશ વખતે આવકારવા હાજર રહે અને વ્હાઈટ હાઉસની યાત્રા કરાવે. વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટની ઓફિસ ક્યાં છે ત્યાંથી માંડીને બેડરૂમ ક્યાં છે ત્યાં સુધીનું બધું સમજાવે કે જેથી નવા પ્રેસિડેન્ટ અને તેમના પરિવારને તકલીફ ના પડે.
વિદાય લેતા પ્રેસિડેન્ટ નવા પ્રેસિડેન્ટને વ્હાઈટ હાઉસના સ્ટાફનો પરિચય પણ કરાવતા જાય કે જેથી આત્મીયતા બંધાય. ટ્રમ્પે આ પરંપરા પણ ના નિભાવી અને બાઈડન પરિવારના વ્હાઈટ હાઉસ પ્રવેશ વખતે હાજર ના રહ્યા. ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારે તેમના પુરાગામી બરાક ઓબાના તેમના શપથવિધિ સમારોહમાં પણ હાજર રહેલા ને વ્હાઈટ હાઉસમાં પણ ટ્રમ્પ પરિવારને આવકાર્યો હતો. ટ્રમ્પ છેલ્લે છેલ્લે એટલું સૌજન્ય બતાવીને પણ લોકોની નજરમાં થોડું માન મેળવી શક્યા હોત, પણ તેના બદલે તેમણે હલકટાઈ બતાવવાનું ચાલુ રાખીને વિદાય લીધી.
બાઈડનને તેનાથી ફરક પડતો નથી કેમ કે ટ્રમ્પ શપથવિધિ સમારોહમાં હાજર ના રહે કે બાઈડન પરિવારને વ્હાઈટ હાઉસમાં ના ફેરવે તેથી બાઈડન અમેરિકાના પ્રેસિડેન્ટ નથી મટી જવાના. અમેરિકાની પ્રજાએ બાઈડનને ચૂંટીને મોકલ્યા છે એ નક્કર વાસ્તવિકતા છે ને એ વાસ્તવિકતા કદી બદલાવાની નથી. ટ્રમ્પ આ બધી હરકતો કરીને શું સાબિત કરવા માગતા હશે તેની તેમને જ ખબર પણ આ હરકતોના કારણે એ જ હલકા સાબિત થયા છે. જો કે, ટ્રમ્પને પણ તેનાથી કશો ફરક નહી પડતો હોય કેમ કે ટ્રમ્પ કેટલા હલકા છે એ આખી દુનિયાએ પહેલાં જ જોઈ લીધું છે.
ટ્રમ્પની વિદાય અને બાઈડનના આગમન સાથે અમેરિકા અને વિશ્ર્વમાં પણ એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ યુગ ટ્રમ્પના યુગથી અલગ હશે તેનો સંકેત બાઈડને પહેલા જ દિવસે આપી દીધો. ટ્રમ્પે ચાર વર્ષમાં લીધેલા 15 મોટા નિર્ણયો એકઝાટકે બદલીને બાઈડને સ્પષ્ટ કરી દીધું કે, અમેરિકામાં દિવસો ફરી ગયા છે. ટ્રમ્પની જેમ જોહુકમી ને અહંકારી શાસનના બદલે હવે અમેરિકામાં બધાંને સાથે રાખીને ચાલવાનું ચલણ વધશે.
જો બાઈડને પ્રમુખ તરીકે સૌથી પહેલો નિર્ણય કોરોના વાઈરસ અંગેના ઓર્ડર પર સહી કરીને લીધો. ટ્રમ્પ તો કોરોનાને ગણકારતા જ નહોતા ને માસ્ક પહેરવામાં માનતા જ નહોતા તેમાં અમેરિકામાં કોરોનાના કારણે લાશોના ઢગ ખડકાઈ ગયા. બાઈડને માસ્કને ફેડરલ પ્રોપર્ટી જાહેર કરીને સો દિવસ લગી માસ્ક પહેરવો ફરજિયાત કરી દીધો. હવે દરેક વ્યક્તિએ રોગચાળા દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. સરકારી બિલ્ડિંગમાં અને કોરોના હેલ્થવર્કર માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત કરાયું છે.
બાઈડને સૌથી મોટો નિર્ણય એ લીધો છે કે, કેટલાક મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ટ્રમ્પ 2017માં પ્રમુખ બન્યા તેના પહેલા અઠવાડિયામાં જ ઈરાક, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યમનના નાગરિકો પર ટ્રાવેલ પ્રતિબંધો ઠોકી બેસાડેલા. ટ્રમ્પે 2017માં પોતાના કાર્યકાળના પહેલા સપ્તાહમાં જ આ પ્રતિબંધ ઠોકી બેસાડીને મુસ્લિમ વિરોધીઓને ખુશ કરી દીધેલા. સુપ્રીમ કોર્ટે 2018માં આ પ્રતિબંધ પર મંજૂરીની મહોર મારતાં ટ્રમ્પ ફોર્મમાં આવી ગયેલા. બાઈડને એક ઘસરકે આ પ્રતિબંધ હટાવીને મુસ્લિમ રાષ્ટ્રોને રાજીના રેડ કરી દીધા છે.
બાઈડને અમેરિકાને ફરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું સભ્ય બનાવ્યું છે ને ક્લાઈમેટ ચેન્જ અંગેની પેરિસ સમજૂતીમાં પણ ફરી સામેલ કરી દીધું છે. ટ્રમ્પે અહંકારી વલણ બતાવીને 2019માં આ સમજૂતીથી બહાર જવાનો નિર્ણય કરીને હલકટાઈ બતાવી હતી. બાઈડને એ ભૂલ સુધારી લીધી છે. ટ્રમ્પે તો વિશ્ર્વમાં વધી રહેલા પ્રદૂષણમાં અમેરિકાનો ફાળો જ ના હોય એ રીતે હાથ ખંખેરી નાખીને ભારત, ચીન અને રશિયા પર દોમનો ટોપલો ઢોળીને આ દેશો પ્રદૂષણને વધારી રહ્યા છે એવું જાહેર કરી દીધેલું. બાઈડને મેક્સિકો સરહદે દીવાલ બનાવવાના ટ્રમ્પના તુક્કા પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. ટ્રમ્પે મેક્સિકોથી અમેરિકામાં ઘૂસતા ઘૂસણખોરોને રોકવા માટે અબજોનું આંધણ કરીને તોતિંગ દીવાલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરેલો.
બાઈડને આ વાતને જ અભરાઈ પર ચડાવી દેવાનું એલાન પહેલા દાડે કરી દીધું. ટ્રમ્પે વિદેશથી આવીને અમેરિકામાં જામી ગયેલા ભારતીયા સહિતના વિદેશીઓને તગેડી મૂકવાની ધમકીઓ આપીને ચાર વરસ લગી ઊંચા જીવે રાખેલા. અમેરિકામાં 1.10 કરોડ લોકો આ રીતે રહે છે. ટ્રમ્પ છાસવારે હૂલ આપતા કે, અમેરિકામાં ગેરકાયદેસર રીતે ધામા નાખીને પડેલા આ લોકોએ બિસ્તરાં પોટલાં બાંધીને પોતાના દેશભેગા થવું પડશે. ભારતના પાંચ લાખ લોકો આ રીતે અમેરિકામાં રહે છે. એ બધાને ટ્રમ્પ ગમે ત્યારે લાત મારીને તગેડી મૂકશે તેની ચિંતામાં ઉચાટમાં જીવતા હતા. બાઈડને આ બધાં લોકોને અમેરિકાનું કાયમી નાગરિકત્વ આપવાની દિશામાં પહેલું પગલું ભરીને કોંગ્રેસમાં કાયદો લાવવાનું એલાન પણ કરી દીધું છે.
બાઈડને એ સિવાય બીજા પણ પગલાં લીધાં છે ને એ બધાની વાત માંડી શકાય તેમ નથી, પણ આ બધા પગલાં દ્વારા ટ્રમ્પે એક હકારાત્મક માહોલ ઊભો કર્યો છે એ કબૂલવું પડે. ટ્રમ્પે સાવ સંકુચિત માનસિકતા બતાવીને અમેરિકા ફસ્ટ, અમેરિકન ફસ્ટ જેવાં સૂત્રો વહેતાં કરીને દુનિયાના બીજા દેશો અને અમેરિકા વચ્ચે અંતર ઊભું થાય એવો દાખડો માંડેલો. ટ્રમ્પ બિઝનેસમેન હતો તેથી ખુલ્લા મને વિચારી નહોતા શકતા કે ઉદાર દિલે વર્તી નહોતા શકતા.
દુનિયાના બીજા દેશો અમેરિકાના પૈસે જોર કરે છે, દુનિયાની સંસ્થાઓ અમેરિકાના પૈસે ચાલે છે એવી ટ્રમ્પની માન્યતા હતી. એ બધું બંધ કરાવવાની વાતો કરી કરીને ટ્રમ્પે દુનિયામાં અમેરિકાનું વર્ચસ્વ પણ ઘટાડ્યું. અમેરિકા વરસોથી દુનિયાનો દાદો છે ને દુનિયા તમારી સામે ઝૂકે એ માટે તમારે થોડા ઘસાવું પણ પડે એ વાત ટ્રમ્પના ભેજામાં ઉતરતી જ નહોતી તેથી એ હલકટાઈઓ બતાવ્યા કરતા હતા. બાઈડને પહેલા જ દિવસે સંકેત આપી દીધો કે એ દિવસો હવે જતા રહ્યા છે ને અમેરિકા ફરી દુનિયાને બદલવામાં અગ્રેસર રહેવાની ભૂમિકા ભજવવામાં પાછી પાની નહીં કરે.
કોરોના રોગચાળા અને લોકડાઉનના કારણે દુનિયાએ અત્યારે એક રહેવાની જરૂર છે. કોરોનાએ દુનિયાના ભલભલા દેશોને હચમચાવી મૂક્યા છે અને મોટા મોટા દેશોનાં અર્થતંત્રની પત્તર ફાડી નાખી છે. આ માહોલમાં દુનિયાના દેશો પરસ્પર મદદ કરીને બેઠી થઈ ને તેની આગેવાની અમેરિકા જેવા ખમતીધર દેશ લે એ જરૂરી છે. ટ્રમ્પમાં એ ભૂમિકા ભજવવાનું ગજું નહોતું, પણ બાઈડનમાં એ ગજું છે ને તેમની માનસિકતા પણ એવી છે એ વાત બાઈડને પહેલા જ દિવસે સાબિત કરી દીધી છે.
બાઈડન માટે અમેરિકામાં પડકારો છે ને વૈશ્ર્વિક સ્તરે પણ પડકારો છે. ચીનના વધતા વર્ચસ્વ અને ખાસ તો ચીનની દાદાગીરી કરીને બધે કબજો કરી લેવાની માનસિકતા સામે અમેરિકાનું વર્ચસ્વ ટકાવી રાખવાનો પડકાર બાઈડન માટે સૌથી મોટો છે. અમેરિકા એકલું અટૂલું બનીને રહે તો તેની પાસે ખાધે ખૂટે નહીં એટલું છે. અમેરિકાની વસતી માંડ 35 કરોડની આસપાસ છે ને તેની પાસે જે સ્રોત છે એ જોતાં અમેરિકાએ અમેરિકનોની બહુ ચિંતા કરવાની નથી, પણ અમેરિકાનું વર્ચસ્વ ટકાવી રાખવું જરૂરી છે. અમેરિકાની સાહ્યબી આ વર્ચસ્વના કારણે છે ને ચીને તેની સામે પડકાર ઊભો દીધો છે.
બાઈડને પહેલા દિવસે લીધેલા નિર્ણયો પરથી એ સંકેત પણ મળે છે કે, બાઈડન અમેરિકાનું ફરી વર્ચસ્વ જમાવવા મુદ્દે પણ ગંભીર છે. ભારત સહિતના ચીન જેમને દુશ્મન માને છે એવા દેશો માટે આ સારો સંકેત છે કેમ કે ચીનને નાથવાની કોઈનામાં તાકાત હોય તો અમેરિકામાં છે, બીજા દેશોનું એ ગજું નથી.