જ્યાં આખો દેશ ઓર્ગેનિક ખેતી કરે છે એ ભૂતાનને ગળી જવા ચીનની ઉતાવળ

આપણે ત્યાં ટીવી ચેનલો આપણા લશ્કરે ચીનને કઈ રીતે ધૂળચાટતું કરી દીધું તેની વીરગાથાઓ ગાવામાં પડી છે ત્યારે બીજી તરફ ચીનનું લશ્કર સરહદ ખડકલો કરવામાં વ્યસ્ત છે. ભારતમાં મીડિયા અને ખાસ તો ટીવી ચેનલો ચીન સાથેની સરહદે શું સ્થિતિ છે તેનું સાચું ચિત્ર રજૂ નથી કરી રહી તેના કારણે દેશનાં લોકોને વાસ્તવિકતાની ખબર નથી પણ આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે પાંચેક દિવસ પહેલાં જ કહી દીધેલું કે, ચીન સાથેની સરહદે સ્થિતિ એકદમ ગંભીર છે ને બહુ જ ઊંડાણપૂર્વકની રાજકીય મંત્રણા જરૂરી બની ગઈ છે. જયશંકર દેશના વિદેશ મંત્રી છે ને ગંભીર સ્થિતિ એટલે શું તેની પારાયણ ના કરવા બેસે પણ તેમણે થોડામાં ઘણું કહી દીધું હતું. આપણે ત્યાં મોટા ભાગનું મીડિયા ઓફિસોમાં બેસીને વાતોના તડાકા મારે છે તેથી તેમને લશ્કર ક્યાં લડે છે તેનું ભાન નથી. દેશપ્રેમના નામે એ લોકો આખા દેશને આડે પાટે ચડાવી રહ્યા છે પણ મીડિયામાં પણ કેટલાક લોકો સરહદે જઈને શું હાલત છે તે જાણવાનો પ્રયાસ કરે છે, તટસ્થ રિપોર્ટિંગ કરે છે. તેમનું પણ કહેવું છે કે, સ્થિતિ ખરેખર ગંભીર છે ને ચીન એકદમ આક્રમક બનીને સરહદ પર સૈનિકો અને શસ્ત્રસરંજામ ખડકી રહ્યું છે એ જોતાં તેનો વિચાર કઈ નવાજૂની કરવાનો છે જ.

ચીન શું કરવા માગે છે તેની અટકળો વચ્ચે નવી વાત એવી આવી છે કે, ચીનનો ડોળો ભૂતાન પર છે ને ભૂતાનનો કેટલોક પ્રદેશ પોતાનો હોવાનો દાવો કરીને એ પ્રદેશ પચાવી પાડવા માટેના આ બધા ઉધામા છે. ચીન અને ભૂતાન વચ્ચે છેક 1990ના દાયકાથી સરહદ અંગે વિવાદ ચાલે છે. ચીન ભૂતાનના પ્રદેશ પર પોતાનો દાવો કર્યા કરે છે ને હમણાં તો ચીને ભૂતાનના ઉત્તર વિસ્તારમાં આવેલા લગભગ ત્રણસો ચોરસ કિલોમીટર વિસ્તારના અભયારણ્ય પર દાવો કર્યો છે એ જોતાં આ વાત સાચી હોવાની પૂરી શક્યતા છે. ચીને 2017 %માં ડોકલામ પર કબજો કરવાની મથામણ કરેલી જ ને ડોકલામ પણ ભૂતાનનો પ્રદેશ છે એ જોતાં ચીનની દાનત ખોરી હોવા વિશે કોઈ શંકા નથી. ચીન ખરેખર ભૂતાન પર કબજો કે ઘૂસણખોરી કરીને અડિંગો જમાવવા માટે આ બધા ઉધામા કરતું હોય તો આપણે વધારે ચેતવા જેવું છે કેમ કે ભૂતાન આપણા માટે બહુ મહત્ત્વનું છે. ચીન આ વિસ્તારમાં ઘૂસી જાય એટલે ભારતની તકલીફ વધી જાય ને આપણી હાલત બગડી જાય. એવું કેમ થાય એ સમજવા ભૂતાનની ભૂગોળ ને અર્થશાસ્ત્રને સમજવાં જરૂરી છે.

ભૂતાન સાવ ટચૂકડો દેશ છે. તેનું ક્ષેત્રફળ અંદાજે 38,000 ચોરસ કિલોમીટર છે અને વસતી માત્ર સાડા સાત લાખ છે. ગુજરાતનો કુલ વિસ્તાર અંદાજે બે લાખ ચોરસ કિલોમીટર છે એ જોતાં ભૂતાન ગુજરાતના પાંચમા ભાગ જેટલો વિસ્તાર ધરાવે છે. ગુજરાતની વસતી છ કરોડ છે એ જોતાં વસતી તો ગુજરાતના એંસીમાં ભાગની થઈ. જો કે ટચૂકડો દેશ છે પણ આપણી સરખામણીમાં બહુ સમૃદ્ધ છે. ગુજરાતની માથાદીઠ આવક બે લાખ રૂપિયાની આસપાસ છે જ્યારે ભૂતાનમાં માથાદીઠ આવક સાડા સાત લાખ રૂપિયાની આસપાસ છે. મતલબ કે દરેક વ્યક્તિ સરેરાશ મહિને સાંઈઠ હજાર રૂપિયા કમાય છે. ભારતીય ઉપખંડમાં આ આવક બહુ સારી કહેવાય એ જોતાં ભૂતાનને સુખી દેશ તરીકે સ્વીકારવો જ પડે.

ભૂતાનમાં જંગલ વિસ્તાર બહુ છે ને કુદરત મન મૂકીને તેમના પર વરસી છે. કુદરત તો આપણા પર પણ બરાબર વરસેલી છે પણ આપણને તેની કદર નથી ને સારી વસ્તુને સાચવતાં નથી આવડતું તેમાં પર્યાવરણની સ્થિતિ કરૂણ થઈ ગઈ છે. ગુજરાતમાં વસતીની ગીચતા પ્રમાણમાં ઓછી છે છતાં એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં સરેરાશ ત્રણસો લોકો રહે છે. તેની સામે ભૂતાનમાં એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં માત્ર વીસેક લોકો જ રહે છે. તેના કારણે લોકો છૂટાછવાયા ને શાંતિથી રહે છે. ઝાઝી હાયવોય કરતાં નથી ને કુદરતની પત્તર ખાંડીને મૂકી નથી. ભૂતાન દુનિયાના એવા બહુ થોડાક દેશોમાં સમાવિષ્ટ છે કે જે કદી વિદેશી શાસન હેઠળ આવ્યો જ નથી.

ભૂતાનમાં અર્થતંત્ર ખેતી પર આધારિત છે ને દુનિયાનો એક માત્ર એવો દેશ છે કે જે સો ટકા ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે. મતલબ કે, જે પણ વવાય છે એ બધું કુદરતી ચીજોનો ઉપયોગ કરીને જ વવાય છે ને કેમિકલ્સ કે ખાતરોનો ઉપયોગ નથી થતો. ભૂતાનમાં પચાસ ટકા કરતાં વધારે લોકો ખેતી પર નભે છે. નાના-મોટા ઉદ્યોગો પણ છે. વન્ય પેદાશોમાંથી પણ સારી આવક થાય છે ને પ્રવાસન પણ કમાણી કરાવી આપે છે. ભૂતાનમાં પ્રવાસન ઉદ્યોગ સરકાર જ ચલાવે છે તેથી પર્યાવરણ બગડ્યું નથી ને પ્રવાસીઓનો ખડકલો પણ થતો નથી. ભૂતાન હિમાલયમાં આવેલું છે તેથી હાયડ્રોઈલેક્ટ્રિસિટી પણ આવકનો મોટો સ્રોત છે. તાલા પાવર સ્ટેશન સૌથી મોટું પાવર સ્ટેશન છે અને ભારતનાં નજીકના રાજ્યોને વીજળી આપે છે. ભૂતાન સરકારની સાંઈઠ ટકા આવક આ વીજળીના વેચાણમાંથી થાય છે. ભૂતાન પાસે ત્રીસ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની તાકાત છે એ જોતાં ભવિષ્યમાં એ બહુ જોરદાર આર્થિક તાકાત ધરાવતો દેશ બનશે. ભારત પછી હવે બાંગ્લાદેશને પણ ભૂતાન વીજળી આપવાનું છે.

ચીન ભૂતાન પર પણ વરસોથી દાવો કરે છે ને તેનો આધાર તેણે તિબેટને બનાવ્યો છે. ચીનનું કહેવું છે કે, ડોકલામ વિસ્તાર વરસો પહેલાં તિબેટનો હતો તેથી હવે તેને મળવો જોઈએ. આપણા સિક્કિમને બથાવી પાડવા ચીને એવી જ લુચ્ચાઈ શરૂ કરીને દાવો કર્યો છે. ચીનનું કહેવું છે કે, સિક્કિમ તો તિબેટનો હિસ્સો હતું ને ઈસવી સન ૧૮૯૦માં અંગ્રેજો સાથે સંધિ થયેલી તેમાં આ વાત કબૂલવામાં આવી છે તેથી સિક્કિમ ચીનને મળવું જોઈએ. ચીનની આ વાત બહુ મોટું જૂઠાણું છે કેમ કે ઈ. સ. 1890માં ચીન અને અંગ્રેજો વચ્ચે જે સંધિ થયેલી તેમાં ચીને સિક્કિમને અંગ્રેજોના પ્રદેશ તરીકે સ્વીકાર્યો હતો ને તેમાં ક્યાંય તિબેટનો કે બીજા કશાનો ઉલ્લેખ નહોતો. એ પછીનાં વરસોમાં સિક્કિમ અંગ્રેજો દ્વારા સંરક્ષિત (પ્રોટેક્ટોરેટ) રાજ્ય તરીકે અસ્તિત્વમાં હતું. સિક્કિમના શાસક તરીકે નામગ્યાલ વંશના રાજવી રાજ કરતા ને તેમને ચોગ્યાલ કહેવાતા. સિક્કિમ એ રીતે કદી તિબેટ કે ચીનનો હિસ્સો નહોતું જ્યારે ભૂતાન તો કદી વિદેશી સત્તા હેઠળ આવ્યું જ નથી તેથી એ તિબેટનો હિસ્સો હતો તેનો સવાલ જ નથી. જો કે નાગાને કોણ પહોંચે?

ભારત માટે ભૂતાન અત્યંત મહત્ત્વનું છે કેમ કે ભારતનાં ચાર રાજ્યોની સરહદ ભૂતાનને સ્પર્શે છે. પશ્ર્ચિમમાં પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમ અને દક્ષિણ તથા પૂર્વમાં પશ્ર્ચિમ બંગાળ ઉપરાંત આસામ અને અરૂણાચલ પ્રદેશ સાથે તેની સરહદ જોડાયેલી છે. ચીન આ કારણે જ પહેલાં ભૂતાનમાં ઘૂસવા માગે છે કે જેથી પછી આપણને સરળતાથી ભિડાવી શકાય. ભૂતાનમાં પણ તેણે ડોકલામ પર ડોળો માંડ્યો છે કેમ કે ડોકલામ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનું છે. ડોકલામ આપણા ચીક્ધસ નેક અથવા સિલિગુરી કોરિડોર તરીકે ઓળખાતા પ્રદેશની નજીક છે. ભારતના બાકીના પ્રદેશો ઉત્તર-પૂર્વનાં રાજ્યો સાથે સિલિગુરી કોરિડોર નામની સાંકડી પટ્ટીથી જોડાયેલાં છે. સિલિગુરી કોરિડોર 200 કિલોમીટર લાંબી ને 17 કિલોમીટર પહોળી જમીનની પટ્ટી છે. આ પટ્ટી અમુક ઠેકાણે માત્ર પાંચ કિલોમીટર પહોળી છે.

આ પટ્ટીની એક તરફ નેપાળ ને બીજી તરફ બાંગ્લાદેશ છે. સિલિગુરી કોરિડોરની પેલી બાજુ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા ને મણિપુર એ સાત સિસ્ટર સ્ટેટ્સ ને આસામ મળી આઠ રાજ્યો છે. સિલિગુરી કોરિડોરની સૌથી નજીક સિક્કિમ છે. આપણું દોસ્ત ભૂતાન આ કોરિડોરને પેલે પાર છે ને આપણે સામે પાર છીએ. ડોકલામ વચ્ચેનો વિસ્તાર છે તેથી એ વિસ્તાર પર ચીન કબજો કરે તો ગમે ત્યારે આપણા પ્રદેશમાં ઘૂસી શકે ને ભૂતાનમાં પણ ઘૂસી શકે. ચીને તેની તૈયારી બહુ પહેલા જ કરી દીધેલી ને ડોકલામ વિસ્તારમાં રોડ બાંધવા માંડ્યો છે. આ રોડ બનાવીને ચીન ભૂતાનના પ્રદેશો પર કબજો કરે ને પછી આપણા આખા ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ભારતથી અલગ પાડીને તેને હડપ કરવાની યોજના અમલમાં મૂકે. ભારત ગમે તે પડકારને પહોંચી વળવા સક્ષમ છે પણ ચેતતા નર સદા સુખી એ જોતાં આપણે ચીન કશું કરે એ પહેલાં ચેતવું સારું.